ધર્મશાલા (એચપી): દલાઈ લામાએ શુક્રવારે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમને અપીલ કરી હતી કે તેઓ ઉષ્માભર્યા બને, જે વિશ્ર્વમાં શાંતિ અને સંવાદિતાની ચાવી છે અને અન્યના કલ્યાણ માટે સમર્પિત અર્થપૂર્ણ જીવન જીવો.
આ પ્રસંગે તેમના સંદેશામાં તિબેટીયન આધ્યાત્મિક નેતાએ જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધના મુખ્ય ઉપદેશો અંતરિક્ષ જેવા અનંત સંવેદનશીલ માણસોના લાભ માટે મનને શિસ્તબદ્ધ કરવાની સૂચના છે. ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન અને મહાપરિનિર્વાણના આ શુભ સંભારણા પર હું વિશ્ર્વભરના સાથી બૌદ્ધોને મારી શુભેચ્છાઓ પાઠવતા મને આનંદ થાય છે એમ દલાઈ લામાએ જણાવ્યું હતું.
શિમલાના દોરજે દ્રાક મઠમાં અને હિમાચલ પ્રદેશના અન્ય વિસ્તારોમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મઠમાં ઉજવણી દરમિયાન કલાકારોએ તિબેટીયન નૃત્યો રજૂ કર્યા હતા. બૌદ્ધ સાધુઓ અને વિવિધ ક્ષેત્રના
લોકો ઉજવણીમાં જોડાયા હતા. પોતાના સંદેશામાં દલાઈ લામાએ જણાવ્યું હતું કે આપણે જેટલા વધુ અન્યોના કલ્યાણની ચિંતા કરીશું તેટલા જ વધુ આપણે બીજાને પોતાના કરતા વધુ વહાલા ગણીશું. આપણે એકબીજા પરની આપણી નિર્ભરતાને ઓળખીશું અને યાદ રાખીશું કે આજે વિશ્ર્વના તમામ ૮ અબજ લોકો સુખી રહેવા અને દુ:ખથી બચવા ઈચ્છે છે. (પીટીઆઇ)