ચીઝ અને પનીર હવે દરેક ગુજરાતી ઘરમાં મહત્વની વસ્તુ બની ગઈ છે અને દરેકના ફ્રીજમાં સ્ટોર થયેલી મળશે. પનીર બનાવવાની પ્રક્રિયા થોડી લાંબી અને સમય તેમ જ મહેનત માંગી લે તેવી હોવાથી મોટાભાગના ઘરોમાં બહારથી પનીર લાવવામાં આવે છે. અમુક મોટી બ્રાન્ડ ઉપરાંત સ્થાનિક ડેરીઓમાં પણ પનીર મળતું હોય છે. પણ મોંઘુદાટ પનીર જો તમને યોગ્ય ગુણવત્તાનું ન મળે તો…આવું જ બન્યું છે રાજકોટમાં જ્યાં એકસાથે 1600 કિલો પનીરનો જથ્થો ખરાબ હોવાનું જણાતા નષ્ટ કરવામાં આવ્યો છે. આવું માત્ર રાજકોટમાં જ બને છે તેમ નથી, પરંતુ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આ રીતે ભેળસેળવાળી અખાદ્ય વસ્તુઓ વેચાતી હોય છે ત્યારે ગ્રાહકોએ પણ જાગૃત્તિ રાખવાની જરૂર છે. જોકે ઘણીવાર વસ્તુ અસલી છે કે નકલી તે જાણવાનું સામાન્ય ગ્રાકો માટે મુશ્કેલીભર્યું બની જાય છે.
રાજકોટમાં અગાઉ અખાદ્ય પનીરનો જથ્થો પકડાયા બાદ આરોગ્ય વિભાગે ફરી સપાટો બોલાવ્યો છે. રૈયા ચોકડી નજીકની રેસ્ટોરન્ટમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાં પનીરની ગુણવત્તાને લઇને તપાસ હાથ ધરાઈ હતી. પકડાયેલું પનીર 9 વેપારીને સપ્લાઇ થતું હોવાનું ખૂલ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, 190 રૂપિયે કિલોના ભાવે અખાદ્ય પનીરનો જથ્થો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેચાતો હતો. જેને લઇને આરોગ્ય વિભાગે રેસ્ટોરેન્ટમાં તપાસ હાથ ધરી હતી.
રાજકોટ આરોગ્ય વિભાગે પાર પાડેલા એક ઓપરેશનમાં કુલ 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે પનીરનો શંકાસ્પદ જથ્થો રાજકોટ આવી રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવીને આરોગ્યની ટીમે 1600 કિલો પનીરનો જથ્થો ભરેલુ વાહન અટકાવ્યું હતુ. તપાસમાં ખુલાસો થયો કે આ પનીર હલકી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે.
અખાદ્ય પનીરની જાણ થતાં જ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી અને પનીરના સેમ્પલ લેબ તપાસમાં મોકલી આપ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મોંઘુ મળતું પનીર માત્ર 190 રૂપિયે કિલોના ભાવે વેચાતુ હતું.