ICC T20 વર્લ્ડ કપ-2022માં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ટીમ સેમીફાઈનલ સુધી પણ માંડ માંડ પહોંચી શક્યા હતા. આ પછી, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સંકેત આપ્યા છે કે તે ઘણા ફેરફારો કરવાના મૂડમાં છે. T20 વર્લ્ડ કપ-2022માં મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી વરિષ્ઠ પસંદગી સમિતિને બરતરફ કરી દીધી છે. બોર્ડે શુક્રવારે નવી પસંદગી સમિતિ માટે અરજી લઈ લીધી છે. BCCIના આ નિર્ણય બાદ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને જોતા પસંદગી સમિતિને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે?
પૂર્વ ફાસ્ટ બોલર ચેતન શર્માની અધ્યક્ષતાવાળી સમિતિ પાસે વધુ સમય નહોતો. જોકે, આ સમિતિએ બે T20 વર્લ્ડ કપ માટે ટીમોની પસંદગી કરી હતી અને બંને વર્લ્ડ કપમાં ભારતને નિરાશા હાથ લાગી હતી. ગત વર્લ્ડ કપ અને આ વર્લ્ડ કપમાં ટીમ સિલેક્શનને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન માટે માત્ર પસંદગી સમિતિને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી. આ દરમિયાન ટીમ સિલેક્શનમાં પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી. ભારતે છેલ્લા એક વર્ષમાં સાત કેપ્ટનને અજમાવ્યા છે. ટીમ ઈન્ડિયામાં ઘણા ખેલાડીઓને તક મળી પરંતુ નક્કર પરિણામ ન મળી શક્યું.
એ હકીકત છે કે જ્યારે પસંદગી સમિતિ કોઈપણ ટીમની પસંદગી કરવા બેસે છે ત્યારે તે માત્ર પોતાની મેળે જ નિર્ણયો લેતી નથી. દરેક મીટિંગમાં કેપ્ટન અને કોચ હોય છે. જો તેઓ હાજર ના હોય તો પણ તેમની ચોક્કસપણે સલાહ લેવામાં આવે જ છે. પસંદગી સમિતિ એવા જ ખેલાડીને પૂરા પાડે છે જેની માગ કેપ્ટન અને કોચ દ્વારા કરવામાં આવી હોય. આવી સ્થિતિમાં ટીમ સિલેક્શન માત્ર કમિટીની જ જવાબદારી છે એમ કહેવું યોગ્ય નથી.
પસંદગી સમિતિ ઘરેલું ટૂર્નામેન્ટ પર નજર રાખે છે અને કયો ખેલાડી શું કરી રહ્યો છે તેના પર નજર રાખે છે. સ્થાનિક મેચો દરમિયાન, પસંદગી સમિતિના સભ્યો ખેલાડીઓ વિશે જાણવા માટે વિવિધ મેચોની મુલાકાત લે છે. તે મુજબ તે ખેલાડીઓની પસંદગી કરે છે. તે આ ખેલાડીઓ વિશે કેપ્ટન અને કોચને પણ કહે છે.
ભારતીય ટીમની નિષ્ફળતાનું માત્ર એક કારણ નથી, આના ઘણા કારણો છે. ટીમના કેપ્ટન અને કોચનો અભિગમ પણ ભારતીય ટીમની નિષ્ફળતા માટે કારણભૂત છે. ટીમ પાસે આ વર્લ્ડ કપમાં યુઝવેન્દ્ર ચહલ જેવો મહાન સ્પિનર હતો જે ટીમને વચ્ચેની ઓવરોમાં વિકેટો અપાવી શક્યો હતો પરંતુ કેપ્ટન અને કોચ બંનેએ તેને ટીમમાં લીધો નહોતો. ટીમ પંત અને દિનેશ કાર્તિકને લઈને મૂંઝવણમાં જોવા મળી હતી. એ ઉપરાંત પણ એવા ઘણા નિર્ણયો હતા જે દર્શાવે છે કે કેપ્ટન અને કોચે ખેલાડીઓનો યોગ્ય ઉપયોગ કર્યો નહોતો. એવા સમયે નિષ્ફળતાનો ટોપલો માત્ર સિલેક્શન કમિટી પણ ઢોળી દેવો કેટલો યોગ્ય છે એ સવાલ દરેકના મનમાં છે.