મંગળવારે આવકવેરા વિભાગે દિલ્હી અને મુંબઈમાં સ્થિત બીબીસીની ઓફિસમાં સર્વે હાથ ધર્યો હતો. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આવકવેરા વિભાગની ટીમ હજુ પણ બીબીસી ઓફિસમાં છે અને સર્વેની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસે આને અઘોષિત કટોકટી કહી રહી છે. ત્યારે હવે આ મામલે ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, “કોઈપણ મીડિયા, જે ભારતમાં કામ કરી રહ્યું છે, તેણે ભારતના કાયદાનું પાલન કરવું પડશે.”
વિપક્ષના આરોપોનું ખંડન કરતાં ગૌરવ ભાટિયાએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટીએ સમજવું પડશે કે ભારત બંધારણ અને કાયદા પર ચાલે છે. હવે તપાસ એજન્સીઓ પાંજરામાં બંધ પોપટ નથી. તેઓ સતત કામ કરી રહી છે. કોઈએ શા માટે ડરવું જોઈએ અને ચિંતા કરવી જોઈએ. આવકવેરા વિભાગને તેનું કામ કરવાની છૂટ આપવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય.”
બીજેપી પ્રવક્તાએ કહ્યું કે, “જ્યારે પણ ભારત આગળ વધે છે, ત્યારે વિપક્ષના પક્ષો અને એજન્સીઓને ભારે દુઃખ થાય છે. બીબીસીનો પ્રચાર અને કોંગ્રેસનો એજન્ડા એકસાથે છે. બીબીસીનો ઈતિહાસ ભારત વિરોધી રહ્યો છે. દેશના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ BBC પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતનું બંધારણ બીબીસીને પત્રકારત્વ કરવાનો અધિકાર આપે છે, પરંતુ તેની આડમાં એજન્ડા ચલાવવામાં આવે છે.”
તેમણે કહ્યું, “ચીન હોય કે બીબીસી આતંકવાદીઓ સાથે કોંગ્રેસનો હાથ છે? આવકવેરા વિભાગની કાર્યવાહી હજુ પૂરી નથી થઈ, તે પહેલા જ તેઓ કંઈ પણ બોલે છે. મોદીજી પ્રત્યેની નફરત એટલી છે કે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપી રહી છે.”