ગુજરાત રમખાણ 2002માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સંડોવણી અંગે BBCએ બનવેલી ડોક્યુમેન્ટરીને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે યુટ્યુબ અને ટ્વીટર જેવા માધ્યમો પરથી ડોક્યુમેન્ટરીના અંશો હટાવવા આદેશ આપ્યા છે. કેરળ રાજ્યમાં સત્તાધીન કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ(CPM)ની વિદ્યાર્થી પાંખ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (DYFI) એ મંગળવારે જાહેર કર્યું કે બીબીસીની ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ રાજ્યમાં પ્રદર્શિત કરવામાં આવશે.
કેરલમાં સ્ક્રીનીંગ અંગે DYFI ની જાહેરાત ફેસબુક પોસ્ટ દ્વારા કરવામાં આવી હતી. મંગટ્ટુપરંબા કેમ્પસમાં બપોરે 2 વાગ્યે પ્રદર્શિત કરવામાં આવશે. તેઓ કોચીમાં પણ મહારાજા કોલેજ, એર્નાકુલમ લો કોલેજ અને CUSAT ખાતે સ્ક્રીનીંગ યોજશે. આ ઉપરાંત સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) દ્વારા કન્નુર યુનિવર્સિટીમાં સ્ક્રિનિંગ યોજાશે.
કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરન અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવા માટે મુખ્યપ્રધાનના હસ્તક્ષેપની માંગ કરી છે.
નોંધપાત્ર રીતે, DYFI તરફથી આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડોક્યુમેન્ટરીની લિંક શેર કરતી ટ્વિટર પોસ્ટ્સ અને YouTube વિડિઓઝને ‘બ્લોક’ કરવા સૂચના આપવામાં આવી છે. બીબીસીની આ ડોક્યુમેન્ટરી બે ભાગમાં છે. તે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત અનેક પાસાઓની તપાસ પર આધારિત હોવાનો દાવો કરે છે.