ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના 240 સીટ પરના નિવેદનને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં બબાલ મચી ગઈ છે. બાવનકુળેના આ નિવેદને કારણે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
આગામી વિધાનસભાની ચૂંટણી માટે શિવસેના (શિંદે જૂથ)ને માત્ર 48 જગ્યા આપવાનું નિવેદન બાવનકુળેએ કર્યું હતું અને હવે આ નિવેદન પર શિંદે જૂથ દ્વારા પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિધાનસભ્ય સંજય શિરસાટે જણાવ્યું હતું કે માત્ર 48 સીટ પર લડવા માટે અમે લોકો મૂરખ છીએ કે?
શિરસાટે વધુમાં એવું જણાવ્યું હતું બાવનકુળેએ કરેલા નિવેદનમાં કોઈ દમ નથી અને બાવનકુળેને આટલા અધિકાર કોઈએ આપ્યો નથી. કોણે આપ્યો એમને અધિકાર આ પ્રકારના નિવેદનને કારણે યુતિમાં તાણ નિર્માણ થઈ શકે છે, એટલી સમજ તેમને હોવી જોઈએ. અમે મુરખ છીએ કે? ફક્ત 48 જગ્યા પર લડવા માટે, આ માટે ઉચ્ચ સ્તરે બેઠક થથે અને ત્યાં જે-તે નિર્ણય લેવામાં આવશે.
બાવનકુળેને અધિકાર કોણે આપ્યો? આને કારણે પક્ષમાં અરાજકતા ફેલાઈ થઈ શકે છે. બાવનકુળેએ ઉત્સાહમાં આવીને આવું નિવેદન કર્યું છે અને તેમને લાગે છે કે હું પક્ષનો પ્રદેશાધ્યક્ષ છું એટલે મારા નેતૃત્ત્વ હેઠળ વધુ જગ્યા આવવી જોઈએ, પણ પોતાના આવા નિવેદનને કારણે સહકારી પક્ષને તકલીફ થાય છે એટલે પોતાના અધિકારમાં જેટલું આવતું હોય એટલું જ બોલવું જોઈએ, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
બાવનકુળેના નિવેદન અંગે ભાજપના નેતાઓ દ્વારા હવે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેના વચ્ચે 2024ની વિધાનસભાની ચૂંટણી બાબતે હજી કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો નથી અને આ બાબતની કોઈ માહિતી મારા સુધી આવી નથી અને બાવનકુળેએ શું કહ્યું છે એની મને કોઈ માહિતી નથી. બંને પક્ષની કોર કમિટીમાં ચૂંટણીમાં જગ્યા વિતરણ અંગે નિર્ણય લેવામાં આવશે.