પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ગત રાત્રે વધુ એક જવાનનું મોત થયું છે. આર્મીના જણાવ્યા પ્રમાણે હથિયાર તૈયાર કરતી વખતે જવાનને ભૂલથી ગોળી વાગી જવાથી દુર્ઘટના ઘટી છે. સેનાએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
જણાવી દઈએ કે આ પહેલા બુધવારે વહેલી સવારે ભટિંડાના આ જ મિલિટરી સ્ટેશનની કેન્ટીનમાં માસ્ક પહેરેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું, જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદથી બંને શખ્સોની શોધ ચાલુ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બુધવારે એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ એક જવાન પોતાનું હથિયાર તૈયાર કરી રહ્યો હતો એ દરમિયાન ભૂલથી ગોળી ચાલી હતી. જેના કારણે જવાનનું મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દૃષ્ટિએ આત્મહત્યા હોવાનું જણાય છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ ઘટનાને બુધવારે ભટિંડા મિલિટરી સ્ટેશન પર બનેલી ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. મૃતક જવાનની ઓળખ લધુ રાજ શંકર તરીકે થઈ છે.
ભારતીય સેનાએ કેન્ટમાં બનેલી આ ઘટના વિશે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ભટિંડા મિલિટરી સ્ટેશનમાં ગોળી વાગવા કારણે એક જવાન શહીદ થયો હતો. મૃતક જવાન પાસેથી પાસેથી એક હથિયાર અને કારતુસનું એક બોક્સ મળી આવ્યું છે. સેનાએ કહ્યું કે, દુર્ઘટના બાદ તરત જ જવાનને તાત્કાલિક સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેનું મોત નીપજ્યું હતું. સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, સૈનિક 11 એપ્રિલે રજા પરથી પરત ફર્યો હતો.
પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર બુધવારે ગોળીબાર કરનાર માસ્ક પહેરેલા બે શંકાસ્પદોની શોધ ચાલુ છે. આર્મી મેજરે આ મામલે FIR નોંધાવી છે. FIRમાં કુર્તા પાયજામા અને ચહેરા પર નકાબ પહેરેલા બે હુમલાખોરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ આર્મી કેમ્પમાંથી બે દિવસ પહેલા ગુમ થયેલી ઇન્સાસ રાઇફલ્સ પણ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે ભટિંડા કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને આર્મ્સ એક્ટ હેઠળ બે અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.