વડોદરા શહેરનો શ્વાસ એટલે કમાટીબાગ. મહાન રાજવી સયાજીરાવ ગાયકવાડે આજથી 144 વર્ષ પહેલાં આ અમૂલ્ય ભેટ વડોદરાને આપી હતી. સયાજી ગાર્ડનના નામે ઓળખાતા આ વિશાળ બગીચાનો આજે સ્થાપના દિન છે. તે સમયે ખૂબ જ વિવિધતા ધરાવતો આ બાગ આજે પણ સ્થાનિકો અને શહેરના મુલાકાતીઓમાં પ્રિય છે.
આજે આ બાગને 144 વર્ષ પૂર્ણ થયા છે અને ૧૪૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. વિશ્વામિત્રીને કિનારે મહારાજા સયાજીરાવે 1879ની સાલમાં ૧૧૩ એકર જમીનમાં બનાવ્યો. જે આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની વડોદરાના શહેરીજનોને અમુલ્ય ભેટ છે. સયાજીબાગ રેલવે સ્ટેશનથી પૂર્વ દિશામાં જતાં કાળા ઘોડા સર્કલ પાસે આજે 113 માંથી આજે લગભગ 82 એકર જમીનમાં ફેલાયેલો શહેરનો જુનામાં જુનો બગીચો છે. આ સ્થાપના દિવસની અહીં રોજ મોર્નિગ વોક કરવા આવતા લોકોએ કેક કાપી ઉજવણી કરી હતી.
આ બાગમાં પ્રાણીસંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ ઉપરાંત ખાસ આકર્ષણ ગણીએ તો જમીન પર બનેલ આશરે ૧૨ ફૂટ ઘેરાવવાળી ફ્લોરલ ક્લોક તેમજ ટોય ટ્રેન (ફક્ત ૨ ફૂટ ઊંચાઈ ધરાવતી, ૧૦ ઇંચ પહોળા ટ્રેક પર ચલતી બાળકો માટેની આ ખાસ ટ્રેન)હતી. એની જગ્યાએ બીજી સુંદર જોય ટ્રેન છે. સયાજીબાગમાં ઘણા દુર્લભ ફુલ, છોડ અને ઝાડ છે જે બીજે ભાગ્યે જ જોવા મળી શકે. એ સમયના પ્રમાણમાં શાંત વડોદરામાં કમાટીબાગ ગમે તેવા માનસિક તણાવ લઈને આવેલ માણસને પણ પળભર બધુ ભૂલાવીને પ્રકૃતિમાં ઓળઘોળ કરી દે તેવો હતો.
આ કમાટીબાગમાં જ મ્યુઝિયમથી ઝૂ તરફ જવાને રસ્તે ઘટાદાર વૃક્ષોની છાયામાં સામે વિશ્વામિત્રીનો કિનારો દેખાય છે. ૧૮૭૯માં કમાટીબાગના સર્જન થયા બાદ એવું જ બીજું અદ્દભુત સર્જન કમાટીબાગની અંદર ઊભુ થયું હતું તે મ્યુઝિયમ. મહારાજ સયાજીરાવ ત્રીજાના આદેશ પર ઇ.સ.૧૮૯૪માં આ મ્યુઝિયમ બન્યું પણ એની પીક્ચર ગેલેરી બનવાની શરૂઆત ઇ.સ.૧૯૦૮માં થઈ જે કામ ઇ.સ.૧૯૧૪માં પૂરું થયું. જો કે મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી ઇ.સ.૧૯૨૧માં આમ જનતા માટે ખુલ્લા મૂકવવામાં આવ્યા હતા.
આવી જ બીજી વિશિષ્ટ અજાયબી ત્યાં સંગ્રહાયેલું બ્લૂ વ્હેલનું હાડપિંજર હતી.વ્હેલ એ દરિયાઈ મગરમચ્છ છે. એના હાડપિંજર પાસે ઊભા હોઈએ ત્યારે ખ્યાલ આવે કે વ્હેલ ખરેખર કેટલું વિશાળકાય પ્રાણી છે. આ ઉપરાંત કલા, શિલ્પ તેમજ સ્થાપત્યના આકર્ષક નમુનાઓ, ઇતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર તેમજ માનવ સંસ્કૃતિના વિકાસનાં વિવિધ પાસા આલેખતા આ મ્યુઝિયમમાં ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. ગાયકવાડી, યુરોપિયન અને મોગલકાળના સંસ્કૃતિ તેમજ કલા વારસાનો ત્રિવેણી સંગમ એટલે આ મ્યુઝિયમ.