કવર સ્ટોરી-વર્ષા અડાલજા
હવે તો આ વિશ્ર્વપ્રસિદ્ધ ઘટનાઓ છે. બાવીસ વર્ષની ઈરાનીયન-કુર્દિશ યુવતી મ્હાસા અમીનીનું મોગલિટી પોલીસનાં અત્યારચારથી લોકઅપમાં મૃત્યુ. સ્ત્રીઓનો રોષ ભભૂકી ઊઠયો અને નિર્ભયા બની શેરીઓમાં ઉતરી પડી. એનાં લાઈવ દૃશ્યો દુનિયાએ જોયા.
એ ટ્રીગર પોઈન્ટ હતો. ૨૫ વર્ષનાં ઈરાનીયન સંગીતકાર શેરવીન હજીપૂરે (તવયદિશક્ષ ઇંફષશાીયિ)માટે.
અસંખ્ય સ્ત્રીઓની ધરપકડ, હત્યા, રંજાડ જોઈ એનું હૃદય દ્રવી ઉઠયું. સ્વાતંત્ર્ય અને સન્માનની એ લડતમાં પુરુષો પણ હતા. અનેક નિર્દોષ સ્ત્રીઓનાં આંસુમાં કલમ બોળી તેણે એક ગીત લખ્યું. ત્યારે એને ખબર ન હતી કે એ ગીત સમગ્ર વિશ્ર્વની ચેતનાને ઢંઢોળશે.
એ ગીત વિષે મેં થોડા સમય પહેલાં મુંબઈ સમાચારમાં ‘નારીનું રાષ્ટ્રગીત’ લેખ લખ્યો હતો.
અને આનંદની ઘટના એ છે કે તાજેતરમાં અમેરિકાનાં લોસ એન્જલિસમાં પ્રખ્યાત મ્યુઝીક એવૉર્ડ્ઝ, ગ્રેમી એવૉર્ડ્ઝમાં આ વર્ષનો સામાજિક પરિવર્તનનો શ્રેષ્ઠ ગીતનો એવૉર્ડ શેરવીનને જાહેર થયો. અકાદમી માટે આ પ્રથમ જ ઘટના હતી.
અને ત્યારે શેરવીન ઈરાનના એના અંધારિયા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે ટી.વી. પર જોઈ રહ્યો હતો. અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઈડન ગ્રેમી એવૉર્ડ વિનર તરીકે એનું નામ જાહેર કરતા હતા અને એમણે સ્વયં શેરવીન વતી એ એવૉર્ડ સ્વીકાર્યો. એમણે એવૉર્ડ સ્વીકારતા કહ્યું,
‘એક ગીત સહુને જોડે છે, પ્રેરણા આપે છે અને ગીત વિશ્ર્વ પર અમીટ છાપ છોડવા સક્ષમ હોય છે.
ખરેખર આ એક ઐતિહાસિક ઘટના હતી. શેરવીને આંખમાં આંસુ સાથે ઈન્સ્ટાગ્રામ પર તેનાં સ્વીકાર વક્તવ્યમાં એટલું જ લખ્યું, ઠય ઠજ્ઞક્ષનઆપણી જીત થઈ.
સપ્ટેમ્બર મહિનાની એક સાંજે તહેરાનમાં શેરવીન પિયાનો પર બરાયે ગીત ગાઈ રહ્યો હતો ત્યારે તેને કલ્પના ન હતી કે એ ગીત આ દેશનું ક્રાન્તિગીત બની જશે! એ ગીત પાંખો પસારી ઉડતું ઉડતું માત્ર ઈરાનમાં નહીં દુનિયાભરમાં એક મશાલથી અસંખ્ય મશાલો પ્રગટાવતું રહ્યું છે.
ઈરાનની સ્ત્રીઓને હૈયે અને હોઠે ગીત વસી ગયું અને તે બધી શેરીમાં નીકળી પડી, ‘ડેથ ટુ ધ ડીક્ટેટર, સરમુખત્યારનો નાશ થાઓ. દરેક સ્ત્રીને હોઠે બરાયે ગવાતું રહ્યું. યુવતીઓ વાળ ખુલ્લા કરી બુલંદ સ્વરે બરાયે ગાતી રહી. સરકારે ક્રૂર દમન રીતિ અપનાવી પણ બરાયેનું ગળું ન ઘોંટી શકી. દુનિયાભરમાં જ્યાં જ્યાં ઇરાનીઓ હતા બધાનાં હોઠ પર બરાયે.
બરાયે હવે એક ચળવળ બની ગયું હતું. બરાયે ગીત પ્રકાશમાં આવતાનાં બે જ દિવસમાં શેરવીનની ધરપકડ થઈ અને સોશિયલ મીડિયામાંથી ગીતને દૂર કરવા એની બળજબરી થઈ. પણ આતંકવાદી સરકારને ક્યાંથી સમજાય કે કવિતા અને એનાં શબ્દો અમૃત શાહીથી લખાયેલા હોય છે. અજર અમર.
જ્યાં જ્યાં સ્ત્રીઓ પર અત્યાચાર થતા હતા ત્યાં ગીત સ્વયં પહોંચીને સ્વાતંત્ર્યનું રાષ્ટ્રગાન બની ગયું.
દિવસો સુધી જેલવાસ પછી શેરવીનને જામીન પર છોડ્યો.
કેનેડાની સાંસદે પાર્લામેન્ટમાં ગીતને ન્યાયની બુલંદ પુકાર કહી વધાવ્યું, એટલું જ નહીં ચાલુ પાર્લામેન્ટે ગીત ગાયું. જર્મનીમાં અઢાર વીસ હજાર શ્રોતાઓ સામે ઈરાનીયન ગાયકે ગાયું અને હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો.
પણ નવેમ્બર ૨૦૨૨માં ગીતને વૈશ્ર્વિક આવકાર મળ્યો કોલ્ડપ્લે બેન્ડ ગ્રુપે બ્યુનોએર્સમાં ગ્લોબલ પ્લેટફોર્મ પર રજૂ કર્યું. દુનિયાના બીજા દેશોમાં પણ સ્ત્રી-પુરુષોએ આ ગીત મુક્તકંઠે ગાયું “બરાયે આઝાદી, હવે સ્વાતંત્ર્ય માટેનો પોકાર બની ગયું. જેમ વંદે માતરમ્ ભારતની
પ્રજાની ચેતનાને સંકોરી હતી.
દુનિયાભરનું એ ક્રાંતિગાન બન્યું. એક સાદા સીધા યુવાન ગીતકારને
ગ્રેમી એવૉર્ડનું અમેરિકન ફર્સ્ટ લેડીનાં હાથે બહુમાન મળ્યું.
પણ શેરીન પર સરકારની કરડી નજર છે. ઈરાન છોડવાની મનાઈ છે અને હિંસા ભડકાવવા માટે સરકારનો ખોટો પ્રચાર કરવા માટે અનેક આરોપોનો એ ૨૫ વર્ષનો યુવાન સામનો કરી રહ્યો છે.
સત્તાધીશો પાસે અભરે ભરેલા ભયંકર વિનાશક શસ્ત્રાગારો છે પણ એક વિચારની શક્તિ કેવી જબરદસ્ત સ્ફોટક હોય છે. વોલ્ટેર જ્યારે ફ્રાન્સમાં હતો ત્યારે એ કોઈને ખપતો ન હતો, કારણ કે એનાં વિચારોથી માણસ ખળભળી ઊઠતો. એકવાર એ પેરિસ જતો હતો ત્યારે જકાતનાકા પર તેની ગાડી રોકી તેને પૂછવામાં આવ્યું.
‘ઇઝ ધેર એનિથિંક ઓબ્જેક્શનેબલ ઈન યોર કેબ? (તારી કેબમાં કંઈ વાંધાજનક છે?)
વોલ્ટેરનો જવાબ:
યસ, આય એમ ધ ઓન્લી પર્સન હૂ ઇઝ ઓબ્જેક્શનેબલ. (હા, હું પોતે જ વાંધાજનક છું.)
‘બરાયે’ ગીત અત્યાર સુધી એકતાલીસ ભાષામાં અનુદિત થયું છે.
‘બરાયે’:- ‘એ માટે’
શેરીમાં નાચી શકું એ માટે
ચુંબન કરવાના ભય માટે
મારી બહેન, તમારી બહેન
આપણી બહેનો માટે.
સડી ગયેલું મગજ બદલવા માટે
શરમ માટે, ગજવામાં એક પાઈ ન હોવા માટે
એક સામાન્ય સરળ જીવન જીવવા માટે
ઉકરડામાંથી ખાવાનું અને સપનાં શોધવા બાળક માટે
આર્થિક ભીંસ માટે
આ પ્રદૂષિત હવા માટે
આ કરમાયેલા વૃક્ષો માટે
એશિયાના ચિત્તાની વિનાશ થતી જાતિ માટે
રસ્તે રખડતા નિર્દોષ કૂતરાંઓ માટે
સતત થતા રૂદન માટે
મુખ પરના હાસ્ય માટે
ધર્માંધતામાંથી મુક્તિ માટે
શાંતિ અને સ્થિરતા માટે
નિરર્થક જપમાંથી મુક્તિ માટે
લાંબી અંધારી રાત પછી સૂર્યપ્રકાશ માટે
માનસિક સ્વાસ્થ્ય, બીમારી અને દવાઓ માટે
મનુષ્ય, પિતૃભૂમિ અને સમૃદ્ધિ માટે
એવી છોકરી માટે જેને છોકરો બનવાની ઈચ્છા છે.
સ્ત્રીઓ જીવન અને સ્વાતંત્ર્ય માટે
સ્વાતંત્ર્ય માટે
સ્વાતંત્ર્ય માટે
સ્વાતંત્ર્ય માટે