રાજસ્થાનના બારા જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં એક માતાએ પોતાના દીકરાનો જીવ બચાવવા માટે દીકરીને મોતને ઘાટ ઉતારી હતી. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મહિલાએ ટુવાલની મદદથી તેની દીકરીની ગળુ દબાવીને નિર્મમ હત્યા કરી નાંખી છે. આ દરમિયાન મૃતક બાળકીનો નાનો ભાઈ ત્યાં જ હાજર હતો. મહિલાનો પતિ શિવરાજ સિંહ ઓટો ડ્રાઈવર છે અને એ જ્યારે ઘરેથી કામ માટે બહાર નીકળ્યો ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
આરોપી મહિલાના બે દિકરા અને એક દીકરી છે. 13 વર્ષની દીકરી સંજના અને 11 વર્ષનો દીકરો સિંઘમ સ્કૂલ જવા તૈયાર થઈ રહ્યા હતાં ત્યારે અચાનક મહિલા આવીને સંજનાને મારવા લાગી હતી અને પછી એક રૂમમાં કેદ કરી નાંખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ રૂમની અંદર ટુવાલ વડે સંજનાનું ગળુ દબાવી નાંખ્યું હતું.
સંજના પાંચમાં ધોરણમાં ભણતી હતી અને પાડોસીએ આ અઇંગે જણાવ્યું કે, બહેને તેના ભાઈને માતાના હાથેથી પીટતા બચાવી લીધો હતો તો રોષે ભરાયેલી માતાએ દીકરીનું ગળુ દબાવી દીધુ હતું. તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. દીકરીના પિતાએ તેની માતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી.
મહિલાએ પુછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, મોટા દીકરાના હૃદયમાં છેદ છે અને સારવાર કરાવ્યા બાદ પણ તેની તબિયત સારી થઈ નહીં, જે બાદ મહિલાને સપપના આવ્યા હતાં કે પરિવારના કોઈ સભ્યની બલી આપવી પડશે, જેથી તેનો દીકરો સાજો થઈ જાય. થોડા દિવસો પહેલા મહિલાએ તેના પતિને મારવાની કોશિશ પણ કરી હતી. શનિવારે મોકો મળતાં તેણે બંને બાળકોને મારવાની કોશિશ કરી હતી. જોકે, મૃતક બાળકીએ તેના નાના ભાઈને રૂમમાંથી બહાર કાઢી મૂક્યો હતો.