મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
પોતાની પ્રેમિકાને મળવા જો બીજો “કોઈ શેરીમાં આંટાફેરા મારવા લાગે તો સાચો પ્રેમી બીજા “કોઈ ની પાછળ શેરીના કૂતરા દોડાવે.આ જેટલું સત્ય છે તેટલું જ સત્ય તમે કોઈ ખોટું કાર્ય કરો,નીતિ વિરુદ્ધનું કાર્ય કરો તો કુદરત તમારી પાછળ ખોટા ડૉક્ટર લગાડે. નડે ખોટું બધે નડે હોં.
આમ તો ધરતી પર જન્મ લો ત્યારથી જ કોઈને અને કોઈને ન નડે તો ધરતી પરનો તેનો અવતાર જ એળે ગયો કહેવાય! પણ અમૂક લોકો હોય જેણે અવતાર જ નડવા માટે લીધો હોય. કોઈ પણ સીધી અને સરળ વાત હોય તો પણ નડવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. કેમ છો? જેવો સાદો સવાલ કર્યો હોય તો જવાબ આવે કે ’ કેમ હું બીમાર હોઉં તો જ તને મઝા આવે?’ શેરીમાં વાહન પણ પાર્ક એ રીતે કરે કે નીકળતા તમામ લોકો જતા જતા આવા વ્યક્તિના માતા-પિતાને યાદ કરતા જાય! અમારા ચૂનિયાના પિતા દેવ થયા એ પહેલા તેમના ગામ પાસેથી જે વટેમાર્ગુ નીકળતા તેમને પાણી પીવડાવતા અને મરતા પહેલા ચૂનિયાને એટલી જ સલાહ આપી ગયા હતા કે ‘બેટા તું મને સારો કહેવડાવજે’ ચૂનિયાના પિતાના અવસાન પછી જ્યાં તેઓ પાણી પીવડાવવા બેસતા ત્યાં જ ચૂનિયાએ બેસવાનું શરૂ કર્યું અને જે વટેમાર્ગુ નીકળે તેને ધોકો લઈને મારવાનું શરૂ કર્યું. બહુ થોડા સમયમાં જ લોકો કહેવા લાગ્યા કે ‘આના કરતાં તો આનો બાપ સારો હતો, પાણી તો પીવડાવતો.’ આવા અવતારી પુરુષો ઇશ્ર્વર દરેક સ્થળે ઘડે છે અને એટલે જ કહેવત પડી છે કે જેની અહિંયા જરૂર નથી તેની ઉપર પણ જરૂર ન હોય
અમારા સગા ભનુભાઈ. તેમને જ્યારથી હું ઓળખુ છું ત્યારથી મેં તેમને નડતા જોયા નથી. ખૂબ સરળ સ્વભાવ, મોજીલા માણસ અને બધાને પ્રેમ કરવાવાળું વ્યક્તિત્વ. અત્યારે ૮૦ વર્ષ વટાવી ગયા અને તેના પુત્રને મળવાનું થયું. બહુ સહજ રીતે મેં વાત કરી કે અત્યાર સુધીમાં કોઈને નડ્યા નહીં એટલે બાપુજી આટલું જીવ્યા. હમણા જ સમાચાર મળ્યા કે ભગજી કનુની ગાઠિયાની દુકાને રોજ ૧૦૦ ગ્રામ ગાંઠિયા ખાવા પહોંચી જાય છે. મેં એક ખાસ નોંધ લીધી કે ‘નડ્યા’ શબ્દ પર તેના ચહેરાની વક્ર રેખાઓ ફરી હતી. સાંભળ્યા પછી મને જાણવા મળ્યું કે નહોતા નડ્યા એ ભૂતકાળ હતો. છેલ્લે જે નડ્યા તેની વાત તેના મોઢે જ સાંભળી
વરસ પહેલા બાપુજીની તબિયત બગડી. ડૉક્ટરને ઘેર બોલાવ્યા. પરિસ્થિતિ જોતા ડૉક્ટરે હોસ્પિટલાઇઝ કરવાની સલાહ આપી. તાત્કાલિક એમ્બ્યૂલન્સ બોલાવી બાપુજીને શીફ્ટ કર્યા પરંતુ ડાયાબિટીઝ, બ્લડપ્રેસર, અધૂરામાં પૂરુ બંને કીડનીઓ વાયરલ ઇન્ફેક્શનને કારણે કામ કરતી બંધ થઈ રહી હતી એટલે ડોક્ટરે તાત્કાલિક ડાયાલિસિસ કરવાનું કહેતા મોટી હોસ્પિટલમાં ખસેડ્યા. ત્યાં ડાયાલિસિસની શરૂઆત કરવા ગયા અને બાપુજી અનકોસ્ન્સિયસ થઈ ગયા. નાના સેન્ટરમાં અમારે નિયમ છે કે જેવું પેશન્ટ સિરિયસ દેખાય એટલે મોટા સેન્ટરમાં રીફર કરી દે કેમ કે જો તેમની હૉસ્પિટલમાં મૃત્યુ પામે તો આખા ગામને ખબર પડી જાય કે ફલાણા ડૉક્ટરને ત્યાં ગુજરી ગયા એટલે ઘેર ઘેર ભાભલાઓ તેમના છોકરાઓને બેસાડીને કહી દે કે જો હું માંદો પડુ તો એ ડૉક્ટરને ત્યાં નહીં લઈ જતા એટલે અમને પણ આ જ થિયેરી પ્રમાણે ડૉક્ટરે અમદાવાદ લઈ જવા કહ્યું. શ્ર્વાસની તકલીફ હોય ઓક્સિજન સાથે રાખવાની સલાહ આપી. ન છૂટકે આઇ.સી.યુ. વેન બૂક કરી અને અમદાવાદ જવા નીકળ્યા. એ.સી. એમ્યૂલન્સ હોવાના કારણે સાથે કોણ આવશે એવું કહેવાની જરૂર ન પડી. અમારા કુટુંબ સાથે બે પાડોશી પણ બેસી ગયા. રસ્તામાં સતત મૃત્યુંજયના જાપ કરતા કરતા અમે બપોરે એકાદ વાગે મોટી હૉસ્પિટલમાં પહોંચી ગયા. અમારા સ્વાગત માટે હૉસ્પિટલની કોર્પોરેટ ટીમ હાજર હતી. બાપુજીને ઇમરજન્સી વોર્ડમાં અને મને એકાઉન્ટ ઓફિસ તરફ દોરી ગયા. મેં ૧૦,૦૦૦ ડિપોઝિટ ભરી એટલે બાપુજીનું ચેકઅપ શરૂ થયું. એક કલાકને અંતે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી અને મને પૂછી લીધું કે ભાઈ સાથે મારા શું સંબંધ છે. તેમને પુત્ર હોવાની જાણ થતા જ મને થાય એટલી સેવા કરવાના સુચન સાથે સૂચન પણ કર્યું કે વધીને ૨૪ કલાક છે એટલે સગા વહાલાને જાણ કરી દો અને પછી વધારાના ૪૨૦૦ રૂપિયા લઈ બિલ આપી રવાના કરી દીધો. એક સારા નસીબ એ થયા કે અમે બૂક કરેલી આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ હજુ રવાના નહોતી થઈ એટલે પરત આમ પણ ખાલી જવાને બદલે અડધા ભાવમાં પાછા લઈ જવા માટે રાજી હતો. એમ્બ્યુલન્સ ઊપડતાથી લઈને સગા વહાલાના બધાને ફોન પર જાણ કરી દીધી કે અમે અમદાવાદથી ઘેર પહોંચીએ છીએ, બાપુજીના છેલ્લાં દર્શન કરવા બધાને બોલાવી લીધા. રાતના ૧૦ વાગ્યે ઘેર પહોંચ્યા. બેભાન બાપુજીને પથારીમાં સુવડાવી બાકીની તૈયારીઓ આદરી. સગા વહાલાઓ માટે મેં મારા પત્નીને ચા મૂકવાનું સૂચન આપ્યું ત્યાં તો બાપુજી સળવળિયા, અડધા બેઠાં થયા અને બોલ્યા ‘મારા માટે પણ મૂકજો, મેં પણ ક્યાં સવારની પીધી છે’ ઘરમાં ખૂશીની લહેર દોડી ગઈ અને દુ:ખનો પ્રસંગ રાજીપામાં ફેરવાય ગયો. અચાનક બધાની ભૂખ ઉઘડી અને નક્કી થયું કે ચા બને ત્યાં સુધીમાં ગાંઠિયા લઈ આવીએ. બાપુજીએ પણ અમારી સાથે બેસી મરચાની ભારોભાર ગાંઠિયા ખાધા. બીજા દિવસે સવારે બધા રવાના થયા પણ બપોર ન થઈ ત્યાં બાપુજીની તબિયત પહેલા કરતા પણ બગડી. શ્ર્વાસ ધમણની જેમ ચાલતો હતો. મને થયું કે સગા વહાલા હજુ અડધે જ પહોંચ્યા હસે એટલે રસ્તામાંથી જ પાછા બોલાવી લઈએ એટલે ફોન શરૂ કર્યા અને હું બાપુજીને લઈને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે ઓક્સિજન પર લીધા અને ઓક્સિજનના બાટલા સાથે ઘેર લઈ અને પ્રાર્થના કરવાનું કહ્યું. અમે ઘેર પહોંચ્યા ત્યાં તો લગભગ બધા સગા વહાલા પાછા પહોંચી ગયા હતા. બાપુજીની આ હાલત જોઈને બધાએ કહ્યું કે હવે તેમને હેરાન કરવાનો કોઈ અર્થ નથી એટલે ઓક્સિજન રીમૂવ કરી નાખ્યો. અડધા કલાકમાં શ્ર્વાસ ધીમેધીમે બંધ થવા લાગ્યો. બધાએ ચમચી ચમચી ગંગાજળ પાવાનું ચાલુ કર્યું. લગભગ એકાદ લોટો ગંગાજળ પેટમાં ગયું હશે અને બાપુજી ઊભા થયા અને ‘આમ હોય? કેટલું પાણી પાયુ? ઊભા થઈને યુરિનલ જાતે જ ગયા! બધા સંબંધીઓને જોઈને રાજીપો વ્યક્ત કર્યો ’ સારું થયું બધા રોકાય ગયા. રાતે ભેળનો પ્રોગ્રામ કરીશુ આ સમયે સગાના મિશ્ર પ્રતિભાવો જોયા. ઘણાના મનમાં શંકા ગઈ કે બાપુજી બનાવતા નથી ને? આ વાતને એક વર્ષ થયું. દવા બધી જ બંધ કરી દીધી છે.
સગાઓને વચ્ચે બે વાર તેડાવ્યા હતા એટલે હવે તો સગા વહાલાઓ પણ આવું છું કહીને નથી આવતા અને ઉપરથી રાત્રે ફોન કરે છે કે ‘શું બાપુજીએ ગાંઠિયા ખાય લીધા?’ મેં પણ બાપુજીને રમતા મૂકી દીધા અને કહી પણ દીધું છે કે જે મનમાં આવે એ કરજો. ખાવ, પીવો. બાપુજીએ આ વાત બહુ ગંભીરતાથી લીધી છે. હજી ગઈ કાલની જ વાત કરું. આજે મહેમાન જમવા આવવાના હતા એટલે રાત્રે દૂધપાક બનાવી ફ્રીજમાં ઠંડો થવા રાખ્યો હતો. સવારે તપેલી ખાલી હતી!
આમ તો આ વાતથી અણીનો ચૂક્યો કહેવત યાદ રાખી પણ હકીકત એ પણ છે કે આ અણીનો ચૂક્યો કેટલી અણી કાઢે એ સમજી શકાય. છેલ્લા સમાચાર મુજબ ભાનુબાપા તો એકદમ બરાબર છે પણ એમની સેવા કરી કરીને બાની તબિયત બગડી છે એટલે હવે કોના સમાચાર વહેલા આવે એ નક્કી નહીં
વિચારવાયુ:
સિનિયર ડૉકટર: બહુ સમયસર ઑપરેશન કરી નાખ્યું.
જુનિયર ડૉક્ટર: નહીં તો તે મરી જાત ?
સિનિયર ડૉક્ટર :ના, નહિતર એમને એમ સાજો થઈ જાત.