Homeવેપાર વાણિજ્યસોનામાં બૅન્કોની આયાત વધી, રિટેલ સ્તરની અપેક્ષિત માગનો વસવસો

સોનામાં બૅન્કોની આયાત વધી, રિટેલ સ્તરની અપેક્ષિત માગનો વસવસો

કોમોડિટી -રમેશ ગોહિલ

વિતેલ સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક બજારમાં ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવામાં આવે તેવી ભીતિ સપાટી પર રહેતાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં ખાસ કરીને ભારતીય બૅન્કોની સોનામાં લેવાલી રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ એક ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. જોકે, આ પૂર્વેના સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૧.૫૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. વધુમાં સપ્તાહના આરંભના બે દિવસ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં છૂટીછવાઈ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખૂલી હતી. તેમ છતાં ગત સપ્તાહે હોળાષ્ટકનો સમયગાળો અથવા તો કમૂહર્તનો સમયગાળો ચાલી રહ્યો હોવાથી રિટેલ સ્તરની અપેક્ષિત માગનો વસવસો રહ્યો હતો. વધુમાં ગત સપ્તાહે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સ્થાનિક ઝવેરી બજારમાં ભાવઘટાડો મર્યાદિત માત્રામાં જોવા મળી રહ્યો હતો. તેનાથી વિપરીત સપ્તાહના અંત આસપાસ વિશ્ર્વ બજારમાં ડૉલરમાં વધ્યા મથાળેથી પીછેહઠ થતાં સોનામાં સુધારો આવ્યો હતો, પરંતુ સપ્તાહના અંતે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૬૩ પૈસા ઉછળી આવતા આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે સ્થાનિક સોનામાં સુધારો પણ મર્યાદિત રહ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૪ ફેબ્રુઆરીના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫,૯૫૭મા બંધ સામે નરમાઈના ટોને ૫૫,૭૧૨ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૫,૫૫૦ અને ઉપરમાં ૫૬,૧૪૦ ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૧૪૬ અથવા તો ૦.૨૬ ટકા વધીને રૂ. ૫૬,૧૦૩ની સપાટીએ બંધ રહ્યા હતા. એકંદરે વિતેલા સપ્તાહ દરમિયાન ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં ખાસ કરીને રિટેલ સ્તરની માગની ચહેલપહેલ જોવા મળી હોવાનું મુંબઈ સ્થિત એક હોલસેલરે જણાવતાં ઉમેર્યું હતું કે ભાવના કરેક્શનના પગલે છેલ્લાં કેટલાક સપ્તાહોથી બૅન્કોની પુન: ખરીદી નીકળી હતી. તેમ જ અમુક રિફાઈનરોની પણ લેવાલી જોવા મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગયા મહિને એક તબક્કે સ્થાનિકમાં સોનાના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૭૦૦ની સપાટી સુધી પહોંચ્યા હતા તેની સામે ગત સપ્તાહે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫,૮૦૦ સુધી ઘટ્યા હતા. વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે સોનાની આયાત નિયંત્રણ હેઠળ હોવાથી પીપલ્સ બૅન્ક ઑફ ચાઈના દ્વારા વાણિજ્ય બૅન્કોને ક્વૉટાની ફાળવણી કરવામાં આવે છે અને અમને બજાર વર્તુળો તરફથી સાંભળવા મળ્યું છે કે ક્વૉટાને મંજૂરી આપવામાં આવી છે અને અમુક સપ્તાહથી ચીનમાં આયાતી સોનાનો આંતરપ્રવાહ જોવા મળી રહ્યો છે, એમ ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે ચીન ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૫થી ૩૦ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા.
વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સપ્તાહ દરમિયાન સોનામાં નરમાઈતરફી વલણ રહ્યા બાદ સપ્તાહના અંતે ડૉલરમાં પીછેહઠ થવા ઉપરાંત ઓવરસોલ્ડ પૉઝિશનને કારણે વેચાણો કપાતા સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવ્યો હતો. તેમ જ સાપ્તાહિક ધોરણે ભાવમાં પાંચ સપ્તાહમાં પહેલી વખત ૨.૨ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.
અમેરિકી ફેડરલના વ્યાજવધારાની અર્થતંત્ર પર માઠી અસરો વર્તમાન વસંતઋતુ આસપાસથી શરૂ થઈ શકે છે અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવા માટે મક્કમ હોવાનું એટલાન્ટા ફેડનાં પ્રમુખ રાફેલ બોસ્ટિકે ગઈકાલે જણાવ્યું હતું. વધુમાં અમેરિકા ખાતે બેરોજગારી ભથ્થું મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યામાં ઘટાડો થવાથી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી વ્યાજદર ઊંચી સપાટીએ રાખે તેવી શક્યતા પણ પ્રબળ બની હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે. સામાન્યપણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પ્રબળ હોવાથી ડૉલરમાં મજબૂતાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે રોકાણકારો સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણથી દૂર રહેતા હોય છે, પરંતુ સપ્તાહના અંતે ડૉલરમાં પીછેહઠ અને અમુક ખેલાડીઓએ પૉઝિશન સરભર કરતાં સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે, જ્યારે ૧૮૪૫ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે. જો પ્રતિકારક સપાટી તૂટે તો ભાવ વધીને ૧૮૬૦થી ૧૮૮૦ ડૉલર સુધી પહોંચી શકે છે. વધુમા સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદા માટે તેમણે સપ્તાહ દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩,૮૦૦થી ૫૭,૫૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. દરમિયાન ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સત્રના અંત આસપાસ હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૮ ટકાના ઉછાળા સાથે અનુક્રમે ૧૮૫૦ ડૉલર અને ૧૮૫૪.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હવે આગામી સપ્તાહે રોકાણકારોની નજર અમેરિકાના જોબ ડેટા અને ક્ધઝ્યુમર પ્રાઈસનાં ડેટા પર સ્થિર રહેશે તે પૂર્વે ભાવ સાંકડી ઔંસદીઠ ૧૮૩૦થી ૧૮૫૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે
તેવી શક્યતા ટીડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ હેડ બાર્ટ મિલેકે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -