હાલમાં જ માર્ચ મહિનામાં બેંક કર્મચારીઓને 10થી 12 દિવસની રજા મળવાની હોવાના સમાચારો આવ્યા હતા અને હવે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) દ્વારા બેંક કર્મચારીઓને વધુ ખુશી અને આનંદ થાય એવા સમાચાર મળે એવી શક્યતા છે. બેંક યુનિયન દ્વારા ફાઈવ ડેઝ અ વીકની માગણી પર વિચાર કરાઈ રહ્યો છે. જોકે, રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં ફાઈવ ડેઝ કામ કરવાથી રોજના કામકાજના કલાકોમાં 40 મિનિટનો વધારો કરાઈ શકે છે.
હાલમાં બેંક કર્મચારીઓને એક અઠવાડિયા બાદ શનિવારની એક દિવસની રજા મળે છે. જો આ માગણી પર વિચાર કરવામાં આવશે તો બેંક કર્મચારીઓને મહિનામાં છ રજાને બદલે આઠ રજાઓ મળશે. IBA અને યુનાઈટેડ ફોરમ ઑફ બેંક એમ્પ્લોઈઝ (UFBI) વચ્ચે અઠવાડિયામાં ફાઈવ ડેઝ વર્કિંગ અને 2 દિવસની રજા માટે વાટાઘાટ ચાલી રહી છે.
અહેવાલ અનુસાર, એસોસિએશન અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે સંમત છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (IIBOA)ના જનરલ સેક્રેટરી એસ નાગરાજનના જણાવ્યા અનુસાર સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ તમામ શનિવારને રજા તરીકે સૂચિત કરવા પડશે. હાલમાં બેંક કર્મચારીઓને મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા મળે છે.
તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોના માલિક તરીકે સરકારનો પણ અભિપ્રાય છે. આરબીઆઈ પણ પ્રસ્તાવ સ્વીકારે એ જરૂરી છે. એટલું જ નહીં રિપોર્ટ અનુસાર કર્મચારીઓને દરરોજ સવારે 9.45થી સાંજના 5.30 સુધી એમ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવું પડશે.
માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સહિત 12 દિવસ બેંકો બંધ રહેશે. જ્યારે કેટલીક બેંક રજાઓ દેશભરમાં હશે, તો કેટલીક સ્થાનિક રજાઓ હશે, એટલે કે, રાજ્યમાં ઉજવાતા તહેવાર અનુસાર. જાહેર રજાના દિવસે તમામ બેંકો બંધ રહે છે. કેટલીક બેંકો પ્રાદેશિક તહેવારો અને રજાઓ ઉજવે છે, તેથી તે રાજ્યમાં બેંકો તે દિવસે બંધ રહે છે. માર્ચ 2023માં ઘણા તહેવારો છે જેમ કે હોળી, ચૈત્ર નવરાત્રી, રામ નવમી વગેરે વગેરે…