Homeદેશ વિદેશઅમેરિકાની બૅન્ક ઊઠી ગઈ

અમેરિકાની બૅન્ક ઊઠી ગઈ

ભારતના આઈટી ક્ષેત્રને ફટકો

ન્યૂ યોર્ક: અમેરિકાની સિલિકોન વૅલી બૅન્ક ઊઠી જતાં તેની માઠી અસર ભારતના ઈન્ફોર્મેશન ટૅક્નોલૉજી (આઈટી) ક્ષેત્રને થવાની શક્યતા છે. તેને લીધે ભારતના શૅરબજારોમાં આઈટી, બૅન્ક, ફાઈનાન્સ ક્ષેત્રની કંપનીઓના શૅરના ભાવમાં કડાકો બોલવાની ભીતિ સેવાઈ રહી છે.
ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એફડીઆઈસી)એ સિલિકોન વૅલી બૅન્કની મિલકત ટાંચમાં લીધી હતી.
વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી દરમિયાન વૉશિંગ્ટન મ્યુચ્યુઅલની નિષ્ફળતા બાદ બૅન્કની નિષ્ફળતાની આ સૌથી મોટી ઘટના છે. થાપણદારો-મોટાભાગના ટૅક્નોલૉજી ક્ષેત્રના કામદારો અને રોકાણકાર કંપનીઓએ બૅન્કમાંથી નાણાં ઉપાડવાનું શરૂ કરી દેતાં આ કટોકટી સર્જાઈ હતી.
મોટાભાગની ટૅક કંપનીઓ સિલિકોન વૅલી બૅન્ક સાથે સંકળાયેલી છે.
જોકે, મોટાભાગની અન્ય અગ્રણી બૅન્કો પાસે પૂરતી મૂડી હોવાને કારણે તે આ પ્રકારની પરિસ્થિતિને ટાળી શકશે. લગભગ એક દાયકા અગાઉ મહામંદીને કારણે અમેરિકાના બૅન્કિંગ ક્ષેત્ર પર પડી હતી તેવી માઠી અસર થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.
કેલિફોર્નિયા બૅન્કિંગ નિયામકે સિલિકોન વૅલી બૅન્ક બંધ કરી બૅન્કની તમામ થાપણો પર અંકુશ મેળવ્યો હતો.
વર્ષ ૨૦૦૮ની મહામંદી બાદ રિટેલ બૅન્કિંગની આ સૌથી મોટી નિષ્ફળતા છે.
ટૅક સ્ટાર્ટઅપમાં રોકાણ કરી ભારે કમાણી કર્યા બાદ સિલિકોન વૅલી બૅન્ક (એસવીબી)એ તેની પાસેની મોટાભાગની મિલકતનું યુએસ બૉન્ડમાં રોકાણ કર્યું હતું.
ફુગાવાના દરને અંકુશમાં લેવા ફૅડરલ રિઝર્વે ગયા વરસે વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું.
એફડીઆઈસીએ સિલિકોન વૅલી બંધ કરવાનો આદેશ આપ્યા બાદ તરત જ બૅન્કની તમામ થાપણો પર અંકુશ મેળવી લીધો હતો.
નિષ્ફળતાને સમયે એસવીબી બૅન્ક ૨૦૯ અબજ ડૉલરની મિલકત અને ૧૭૫.૪ અબજ ડૉલરની થાપણ ધરાવતી હતી, એમ એફડીઆઈસી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
હાલને તબક્કે ઈન્સ્યોરન્સની ૨,૫૦,૦૦૦ ડૉલરની ટોચમર્યાદાથી વધુ કેટલી થાપણો છે તેની સ્પષ્ટતા થઈ શકી નથી.
ઉલ્લેખનીય છે કે એફડીઆઈસીએ સિલિકોન વૅલીની મિલકત ખરીદનારના નામની જાહેરાત નથી કરી.
કામકાજના દિવસ દરમિયાન અધવચ્ચે જ એફડીઆઈસીએ એસવીબીની મિલકતો ટાંચમાં લીધી હતી એ બાબત પરિસ્થિતિ કેટલી ગંભીર હતી તે દર્શાવે છે.
અર્થતંત્રની સ્થિતિ અને ઊંચા વ્યાજદરની ચિંતા વચ્ચે આર્થિક સ્થિતિ સદ્ધર કરવા બૅન્કે ૧.૭૫ અબજ ડૉલર ઊભા કરવાની કરેલી જાહેરાત બાદ આ અઠવાડિયે એસવીબીની આર્થિક સ્થિતિ સામે સતત પ્રશ્ર્નાર્થ ઊભો થઈ રહ્યો હતો.
નાસ્દાક પર ઑપનિંગ બેલ અગાઉ જ ટ્રેડિંગ રોકવામાં આવ્યા અગાઉ જ એસવીબીની પિતૃ કંપની એસવીબી ફાઈનાન્શિયલ ગ્રૂપના શૅરના ભાવમાં લગભગ ૭૦ ટકાનો ઘટાડો થયો હતો.
મૂડી ઊભી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને એસવીબી હવે બૅન્ક વેચી દેવા અંગે વિચારણા કરી રહી છેે.
સિલિકોન વૅલી નાની બૅન્ક નથી. ૨૧૦ અબજ ડૉલરની સંપત્તિ સાથે અમેરિકાની ૧૬મા ક્રમાંકની આ સૌથી મોટી બૅન્ક છે.
ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારી જોખમી ટૅક મિલકતોમાંનું રોકાણ બિન આકર્ષક બનાવતા છેલ્લાં ૧૮ મહિના દરમિયાન જે કંપનીઓને માઠી અસર થઈ હતી તે કંપનીઓને રોકાણ આપવાનું કામ એસવીબી કરતી હતી.
શ્રમ ખાતા દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા બાદ બૅન્ક ઑફ અમેરિકા અને જેપી મૉર્ગને રોકાણ પાછું ખેંચી લીધું હતું, પરંતુ ટૅક કંપનીઓ સાથે સંકળાયેલી પ્રાદેશિક બૅન્કોમાં એ પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.
જોકે, આમ છતાં આ અઠવાડિયે મોટાભાગની અગ્રણી બૅન્કના શૅરના ભાવમાં ૭થી ૧૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -