રાજ્યમાં 12 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી જાહેર રેલી/કાર્યક્રમો યોજવા પ્રતિબંધ
મુંબઈઃ નવી મુંબઈમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહમાં કથિત લૂને કારણે ડઝનથી વધુ લોકોનાં મોત થવાના મુદ્દે વિપક્ષોએ સરકારની ઝાટકણી કાઢી છે. આ બનાવ મુદ્દે દોષીઓ સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવાની વિપક્ષે માગણી કરી છે ત્યારે આ મુદ્દે બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્રમાં બપોરના સમયે યોજાનારી ઓપન રેલી/જાહેર સભા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં બપોરના 12 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીના વચ્ચેના જાહેર કાર્યક્રમો અને રેલીઓ યોજવા અંગે પ્રતિબંધ મૂક્યો છે, એમ રાજ્યના પર્યટન ખાતાના પ્રધાન મંગળપ્રભાત લોઢાએ જણાવ્યું હતું.
નવી મુંબઈમાં આયોજિત મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહમાં ગરમી, હીટવેવ સંબંધિત લૂની સમસ્યાને કારણે 13 જણનાં મોત થયા હતા. અહીંના સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. અપ્પાસાહેબના નામથી જાણીતા સમાજસુધારક દત્તાત્રેય નારાયણ ધર્માધિકારીને પુરસ્કાર આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અપ્પાસાહેબને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવાનું આયોજન કર્યું ત્યારે લગભગ 20 લાખથી વધુ લોકો આવ્યા હતા.
17 એપ્રિલના એક અહેવાલ અનુસાર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના કિશોર તિવારીએ આ બનાવ લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારને જાહેર યોજનારા કાર્યક્રમોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) બનાવવાની માગણી કરી હતી, જેથી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થાય નહીં.
આ મુદ્દે પ્રધાને કહ્યું હતું કે આ નિર્ણય ખાસ કરીને નવી મુંબઈની કમનસીબ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થાય નહીં. આ કમનસીબ બનાવ મુદ્દે કોંગ્રેસ અનેક સવાલ કર્યા હતા. કોંગ્રેસે આરોપ મૂકતા કહ્યું હતું કે સમારોહના સ્થળે દોડાદોડીને કારણે આટલા લોકોના મોત થયા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને કોંગ્રેસે સરકારને આ મુદ્દે સ્પષ્ટતા કરવાની માગણી કરી હતી. આ મુદ્દે વાસ્તવિકતા શું છે અને સરકાર શું છુપાવે છે એવો સવાલ કર્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય દેવેન્દ્ર ફડણવીસ એમ બંનેને રાજીનામું આપવાની માગણી કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોળેએ કહ્યું હતું કે હું રાજ્યપાલને સરકારને બરખાસ્ત કરવાની અપીલ કરું છું.
આ મુદ્દે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાનીમાં તપાસ કરવાની વિપક્ષ નેતા અજિત પવારે પણ માગણી કરી હતી. દોષીઓ સામે સદોષમનુષ્યવધનો ગુનો નોંધવાની માગણી કરી હતી. સરકારે 25 લાખ રુપિયાના મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર માટે 13 કરોડનો ખર્ચ કર્યો છે.