અઢી મીટર કરતાં ઊંચાં વાહનો માટે હાઈટ બૅરિયર લાગશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પૂર્વ ઉપનગર અને શહેર વચ્ચે મહત્ત્વનો ગણાતો પરેલ ટી.ટી. ફ્લાયઓવરનું સમારકામ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવવાનું છે, તેથી આ ફ્લાયઓવર પર ટુ વ્હીલર અને ભારે વાહનો માટે પહેલી જૂનથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ સાથે જ ફ્લાયઓવર માટે હાઈટ બૅરિયર લગાવવાનું કામ પણ પાલિકાના વોર્ડ સ્તરે કરવામાં આવવાનું છે, જેનું કામ ૩૧ મે સુધીમાં પૂરું થશે.
પાલિકાના પૂલ વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાં પહેલાના કામ માટે ફ્લાયઓવરના બંને માર્ગ પર એક્સપાન્શન જોઈન્ટ ભરવા સહિત રસ્તા પર રહેલા ખાડા પૂરવાનું કામ હાલ કરવામાં આવી રહ્યું છે. તેથી ફ્લાયઓવર પર ટુ વ્હીલર સહિત ભારે વાહનો પર પહેલી જૂનથી પ્રતિબંધ રહેશે.
પરેલ ટી. ટી. ફ્લાયઓવર પર ચોમાસાના સમય દરમિયાન નાગરિકોને અગવડ પડે નહીં તે માટે રસ્તા પર ખાડા પૂરવાનું કામ ચાલી રહ્યું છે. આ જગ્યાએ દર વર્ષે ભારે વાહનને કારણે દર વર્ષે ચોમાસામાં મોટા પ્રમાણમાં ખાડા પડતા હોય છે. તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે આ ફ્લાયઓવર પર ભારે વાહનોને એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી. ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસ પાસેથી નો ઑબ્જેકશન સર્ટિફિકેટ મળી ગયું છે. તેથી પરેલ ટી.ટી. ફ્લાયઓવર પર ભારે વાહનો પરનો પ્રતિબંધ અમલમાં આવે તેના અઠવાડિયા પહેલાં જ હાઈટ બેરિયર લગાડવામાં આવવાના છે. આ ઠેકાણે ૨.૫ મીટર કરતા વધુ ઊંચાઈના વાહનો પ્રવેશ કરી શકશે નહીં. ફક્ત હલકા વાહનોને આ ફ્લાયઓવર પર પ્રવેશ હશે.
પાલિકાના પૂલ ખાતાના કહેવા મુજબ હાલની પરિસ્થિતિમાં પુલના સાંધાના ભાગને કારણે પુલ વાહનવ્યહાર માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી ફ્લાયઓવર માટે હાઈટ બેરિકેટ લગાડવાનું કામ વોર્ડ સ્તરે હાથ ધરવામાં આવવાનું છે. તે મુજબ ૩૧ મે, સુધી આ પૂરું કરવામાં આવવાનું છે.
વાહનચાલકોને અગવડ પડે નહીં તે માટે ચોમાસાંના કામમાં જ ફ્લાયઓવરની દેખરેખનું કામ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો પાલિકાના પુલ ખાતાએ કર્યો હતો. તે મુજબ ૩૧ મે સુધીમાં ફ્લાયઓવરનું તમામ સમારકામ અને દેખરેખનું કામ પૂરું કરવામાં આવશે એવો દાવો પૂલ વિભાગના ચીફ ઍન્જિનિયર સંજય કૌંડણ્યપુરેએ કર્યો હતો.
લોકોને તકલીફ ના થાય તેને ધ્યાનમાં રાખીને હાલ ફ્કત રાતના સમયમાં પુલ પર દેખરેખ અને સમારકામ કરવામાં આવવાનું છે. રાતના ૧૧થી સવારના પાંચ વાગ્યા સુધીમાં ટ્રાફિક પોલીસની સૂચના મુજબ આ ઠેકાણે ખાડા ભરવાનું અને સાંધા ભરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ ૩૧ મે સુધી પૂરું થશે.