Homeએકસ્ટ્રા અફેરજાડેજા પર બોલ-ટેમ્પરિંગનું આળ, પીળિયો હોય તેને પીળું દેખાય

જાડેજા પર બોલ-ટેમ્પરિંગનું આળ, પીળિયો હોય તેને પીળું દેખાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સીરિઝ શરૂ થઈ છે ને પહેલી ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. નાગપુરના જામથા સ્ટેડિયમમાં ગુરુવારે શરૂ થયેલી પહેલી ટેસ્ટનો પહેલો દિવસ ભારતીય સ્પિનરોના નામે રહ્યો. ભારતીય સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિનના ચરખા સામે ઑસ્ટ્રેલિયન બેટ્સમેન ધરાશાયી થઈ ગયા. ઑસ્ટ્રેલિયાની આખી ટીમ ૧૭૭ રનમાં તો સમેટાઈ ગઈ. રવિન્દ્ર જાડેજાએ પાંચ અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાની ટીમને સાવ નબલી સાબિત કરી દીધી.
રવિન્દ્ર જાડેજા લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર હતો. ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં તેણે પુનરાગમન કર્યું અને પહેલા જ ધડાકે ખતરનાક બોલિંગ કરીને પાંચ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાની ટીમને સાવ સસ્તામાં પેવેલિયન ભેગી કરી દીધી.
ઑસ્ટ્રેલિયાની બેટિંગ લાઈન અપ બહુ મજબુત કહેવાય છે પણ રવિન્દ્ર અને રવિચંદ્રન સામે આ બેટિંગ લાઈન અપ પત્તાંના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. ભારતીય સ્પિનરોએ જોરદાર બોલિંગ કરીને ઑસ્ટ્રેલિયાને પાડી દીધું એ આખી દુનિયાએ જોયું પણ ઑસ્ટ્રેલિયાથી આ વાત સહન થઈ નથી તેથી તેમણે પાણીમાંથી પોરા કાઢીને આડકતરી રીતે રવિન્દ્ર જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ મૂકી દીધો છે.
ઑસ્ટ્રેલિયન મીડિયા જાન્ટ ફોક્સસ્પોર્ટ્સડોટકોમે સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂક્યો છે. વીડિયોમાં જાડેજા બોલિંગ કરતાં પહેલાં મોહમ્મદ સિરાજ પાસે જઈને તેની પાસેથી કંઈક લે છે ને પછી પોતાની આંગળી પર લગાડે છે. ઑસ્ટ્રેલિયાના મીડિયાએ આ વીડિયો મૂકીને જાડેજાએ બોલ ટેમ્પરિંગ કરેલું કે શું એવો સવાલ ઊભો કરી દીધો છે.
આ વીડિયોને ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ ચાહકો તો ફેલાવી જ રહ્યા છે પણ કેટલાક ક્રિકેટરો પણ વીડિયોને શેર કરીને જાડેજાએ પોતાની આંગળી પર શું લગાડ્યું એવો સવાલ કર્યો છે. ઈંગ્લેડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોને ફોક્સ સ્પોર્ટ્સના ટ્વિટને શેર કરી લખ્યું કે, જાડેજા પોતાની સ્પિનિંગ ફિંગર પર શું લગાવી રહ્યો છે? અમે આ પહેલાં આવું ક્યારેય જોયું નથી. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની ટિમ પેને પણ એ જ પ્રકારની કોમેન્ટ કરી છે.
ઑસ્ટ્રેલિયાની ટીમે સત્તાવારરીતે કોઈ ફરિયાદ કરી નથી પણ ઑસ્ટ્રેલિયા વતી બીજા બધા આ વિવાદને ચગાવવામાં પડેલા તેથી ટીમ ઈન્ડિયાએ પહેલાં જ ચોખવટ કરી નાંખી કે, જાડેજા પોતાની આંગળ પર બીજું કશું નહોતો લગાડતો પણ પેન-રીલિફ બામ લગાવતો હતો. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ પાસે જઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ સામેથી ચોખવટ કરીને સારું કર્યું કે, જેથી નવી કોઈ મગજમારી ઊભી ના થાય પણ આ વિવાદે ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરો સુદ્ધાં ભારતની કઈ હદે ઈર્ષા કરે છે, ભારતની સફળતાને સ્વીકારી શકતા નથી એ છતું કરી દીધું.
માઈકલ વોન અને ટીમ પેન સહિતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ એવી છાપ ઊભી કરવા પ્રયત્ન કર્યો કે, જાડેજાએ આંગળી પર કશુંક લગાડીને બોલને સ્પિન કર્યો તેમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ગબડી ગઈ. વાસ્તવમાં જાડેજા સહિતના ભારતીય બોલરો સામે ઑસ્ટ્રેલિયા પહેલાં જ ધરાશાયી થઈ ગયેલું. આ વીડિયો ઉતારાયો એ વખતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૫ વિકેટે ૧૨૦ રન હતો. આ સ્કોર કોઈ રીતે સારો ના કહેવાય. ઑસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડર બેટ્સમેન ૧૨૦ રનમાં તંબુભેગા થઈ ગયેલા એ જોતાં ઑસ્ટ્રેલિયન બેટિંગ નિષ્ફળ સાબિત પહેલા જ થઈ ચૂકેલી.
બીજું એ કે, જાડેજાએ બોલ સાથે કોઈ ચેડાં કર્યાં નથી એ બિલકુલ સ્પષ્ટ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય જ છે કે, જાડેજાએ પોતાની આંગળીઓને આરામ આપવા કોઈ મલમ લગાવ્યો હતો. જાડેજાના હાથમાં બોલ છે પણ એ બોલને કશું કરતો જ નથી. આટલું સ્પષ્ટ દૃશ્ય હોવા છતાં માઈકલ વોન અને ટિમ પેઈનની ટિપ્પણીઓ જોઈને લાગે જ કે, વિદેશી ખેલાડીઓ અને ઑસ્ટ્રેલિયન મીડિયાને રવિન્દ્ર જાડેજાની સફળતા ગમી નથી. આ કારણે આડકતરી રીતે એ લોકોએ જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કરી નાંખ્યો.
ઑસ્ટ્રેલિયન મીડિયા અને વિદેશી ખેલાડીઓ આ બધી વાતો કરે છે કેમ કે એ લોકો આ બધા ધંધા કરે છે. ઑસ્ટ્રેલિયાની ટીમ તો આ બધા ગોરખધંધા માટે પંકાયેલી છે. પાચં વર્ષ પહેલાં બોલ-ટેમ્પરિંગ માટે ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ પર પ્રતિબંધ મૂકાઈ ગયેલો. ૨૦૧૮ના માર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઑસ્ટ્રેલિયાનું પહેલા દાવમાં સસ્તામાં પડીકું થઈ ગયું હતું ને આફ્રિકાને ૫૬ રનની મહત્ત્વની લીડ મળેલી. બીજા દાવમાં આફ્રિકાના બેટ્સમેને ઑસ્ટ્રેલિયનોના બોલરોને બરાબરના ધોયેલા. માર્કરામે, એબી ડીવિલિયર્સ ને ડી કોકે ઑસ્ટ્રેલિયાને હંફાવી દીધેલા. ઑસ્ટ્રેલિયનો રીતસરના ઘાંઘા થઈ ગયેલા ને ગમે તે રીતે ડીવિલિયર્સ ને ડીકોકની જોડીને તોડવા માગતા હતા એટલે સાવ છેલ્લે પાટલે બેસીને બોલ ટેમ્પરિંગ કરી નાંખેલું.
કેપ્ટન સ્ટીવ સ્મિથ, વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર વગેરેએ ભેગા મળીને નવા બોલર કેમરોન બેનક્રોફ્ટ બોલ-ટેમ્પરિંગનું હલકું કામ સોંપેલી. બેનક્રોફ્ટ પોતાના પેન્ટમાં પીળા રંગની ચીપ સંતાડીને લાવેલો ને વચ્ચે વચ્ચે ચીપથી બોલને ખોતર્યા કરતો હતો તેમાં કેમેરામાં ઝડપાઈ ગયો હતો. હદ તો એ થઈ ગઈ કે, સાંજે ઑસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રેસ કોન્ફરન્સ ભરીને બેશરમીથી જાહેર કરેલું કે, બેનક્રોફ્ટે જે કંઈ કર્યું તેની અમને ખબર હતી. વાસ્તવમાં અમે જ તેને આ કામ સોંપેલું. સ્મિથે સાવ નફ્ફટાઈથી કહેલું કે, અમારા માટે આ મેચ મહત્ત્વની હતી તેથી અમે ગમે તે ભોગે જીતવા માગતા હતા એટલે અમે આ કર્યું.
ઑસ્ટ્રેલિયનોની આ માનસિકતા છે. ગુજરાતીમાં કહેવત છે કે, પીળિયો હોય તેને બધું પીળું દેખાય. ઑસ્ટ્રેલિયનો પોતે બોલ-ટેમ્પરિંગ કરી કરીને જીતે છે તેથી તેમને બીજા પણ એ જ ધંધો કરતા હોય એવું લાગે તેથી જાડેજા પર આળ મૂકી દીધું.
ઑસ્ટ્રેલિયન મીડિયાએ ભૂતકાળમાં સચિન તેંડુલકર જેવા જેન્ટલમેન ખેલાડી પર બોલ-ટેમ્પરિંગનો આરોપ મૂકેલો છે એ જોતાં જાડેજાના સામે આવો આક્ષેપ કરાય તેમાં તો કશું જ આંચકાજનક નથી. ભારતમાં હારને પચાવવાની ખેલદિલી છે જ તેથી ખાલી જીતવા માટે આ બધા ધંધા કરવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -