વિપુલ વૈદ્ય
- બાળ ઠાકરેના તૈલચિત્રના વિધાનભવનમાં અનાવરણમાં ઉદ્ધવ-આદિત્ય ગેરહાજર, રાજ ઠાકરે હાજર
મુંબઈ: લચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ ઠાકરેના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પૌત્ર આદિત્ય ઠાકરે હાજર રહ્યા નહોતા, પરંતુ તેમના ભત્રીજા રાજ ઠાકરે પરિવાર સાથે હાજર રહ્યા હતા.
વિધાનભવનમાં બાળ ઠાકરેના તૈલચિત્રના અનાવરણ સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે રાજ્યના પ્રધાનો, વિધાનસભ્યો, સંસદસભ્યો વગેરેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ જ રીતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેને પણ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તેની ભારે ઉત્કંઠા લોકોમાં લાગી હતી અને તેઓ હાજર રહે તો મુખ્ય પ્રધાન અને તેમની વચ્ચે કેવી તડાફડી થાય છે તે જાણવામાં પણ બધાને રસ હતો.
સોમવારે સાંજે કાર્યક્રમ શરૂ થવા સુધી ઉદ્ધવ ઠાકરે કે પછી આદિત્ય ઠાકરેમાંથી કોઈપણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા નહોતા.
બીજી તરફ સાંજે રાજ ઠાકરે વિધાનભવનમાં દાખલ થયા ત્યારે શિંદે-ફડણવીસ સરકારના પ્રધાન તેમના સ્વાગત માટે ગેટ પર હાજર હતા. રાજ ઠાકરેની સાથે મનસેના નેતા બાળા નાંદગાંવકર પણ હાજર હતા. રાજ ઠાકરે ઉપરાંત નિહાર ઠાકરે (બિંદુમાધવ ઠાકરેનો પુત્ર) અને સ્મિતા ઠાકરે આ કાર્યક્રમમાં હાજર રહેલા ઠાકરે પરિવારના વ્યક્તિ હતા.
રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ઠાકરે પરિવારની દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે આ કાર્યક્રમની ટીકા કરતાં કહ્યું હતું કે આ કાર્યક્રમમાં રાજકીય રંગ આપવામાં આવ્યો છે. આને કારણે બંને હાજર ન રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું.
- વિધાનભવનથી ફક્ત 100 મીટર દૂર આવ્યા હતા ઉદ્ધવ ઠાકરે
વિધાનભવનમાં દિવંગત બાળ ઠાકરેના તૈલચિત્રનું અનાવરણ થવાનું હતું ત્યારે તેનાથી 100 મીટર દૂર મ્યુઝિયમ અને રિગલ સિનેમાની સામેના ચોકમાં સ્થાપિત બાળ ઠાકરેની પ્રતિમાને હાર અર્પણ કરવા માટે ઉદ્ધવ ઠાકરે આવ્યા હતા, પરંતુ વિધાનભવન ગયા નહોતા. ત્યાંથી તેઓ સીધા કિંગ્સસર્કલમાં આવેલા ષણ્મુખાનંદ હોલમાં શિવસૈનિકોને સંબોધવા માટે પહોંચી ગયા હતા.
તેમણે આ પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરતાં કહ્યું હતું કે પરમદિવસે જે બાળાસાહેબનો માણસ હતો, ગઈકાલે તે મોદીનો માણસ હતો અને આજે તે શરદ પવારની સલાહ લે છે. તો હું શું કરી રહ્યો હતો? સરદાર પટેલ, બાબાસાહેબ અને બાળાસાહેબ પણ અમારા જ છે.
કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ ટોલ વગર કરવાનું કામ મુંબઈ મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે એમ પણ તેમણે કહ્યું હતું.
- બાળ ઠાકરેના બે કામ જેનાથી ઈતિહાસ રચાયો
શિવસેનાસુપ્રીમો તરીકેનું બિરુદ મેળવનારા દિવંગત બાળ ઠાકરેની જીંદગીના અનેક એવા કિસ્સા છે જેનાથી લોકોની તેમના પ્રત્યેની લાગણીનો તાગ મળે છે, પરંતુ તેમણે પોતાની જીંદગીમાં એવા બે કામ કર્યા હતા જેનાથી ઈતિહાસ રચાયો હતો. ઈન્દિરા ગાંધી દ્વારા 1975માં લગાવવામાં આવેલી કટોકટીનું બાળ ઠાકરેએ સમર્થન કર્યું હતું. આ પહેલાં 1973માં મુંબઈ મનપામાં શિવસેનાના 40 નગરસેવક હતા. 1978માં મુંબઈ મનપાની ચૂંટણી જાહેર થઈ અને બાળ ઠાકરેએ જાહેર કર્યું કે મુંબઈ મનપામાં ચૂંટણી હારી જઈશ તો પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપી દઈશ. ચૂંટણીમાં શિવસેનાને ફક્ત 22 બેઠક મળી અને પાલિકામાંથી તેમની સત્તા ગઈ. થોડા દિવસ પછી થયેલી શિવસેનાની બેઠકમાં તેમણે પોતાનું વચન પાળતાં પક્ષપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે શિવસૈનિકોએ બાળ ઠાકરેને વચન આપ્યું કે હવે મુંબઈ મનપા પરથી ભગવો ક્યારેય ઉતરવા નહીં દઈએ ત્યારે બાળ ઠાકરેએ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું હતું. ત્યાર પછી પાંચ વર્ષે 1985માં બાળ ઠાકરેને આપેલો શબ્દ શિવસૈનિકોએ પાળ્યો હતો. ત્યારથી શિવસેનાની પાલિકામાં સત્તા છે અને તે ફક્ત અને ફક્ત બાળ ઠાકરેના રાજીનામાને કારણે.
આવી જ રીતે બીજી વખત બાળ ઠાકરેએ રાજીનામું આપ્યું હતું તેમના પર વંશવાદને પાર્ટીમાં સ્થાન આપવાના આરોપ પછી. 1991માં ભુજબળે શિવસેના છોડી પછી પાર્ટીમાં વંશવાદ આવ્યો હોવાનો આરોપ થયો હતો અને 19મી જુલાઈએ સામનાના પહેલા પાને બાળ ઠાકરેના રાજીનામાના સમાચાર આવ્યા હતા. તે દિવસે ભારે વરસાદ પડી રહ્યો હોવા છતાં બાંદ્રામાં તેમના નિવાસસ્થાનની બહાર હજારોની સંખ્યામાં શિવસૈનિકો ઊભા હતા. તેમણે કહ્યું હતું કે બાળ ઠાકરેનું સમર્થન કરશે. ત્યારબાદ બાળ ઠાકરેએ એવું નિવેદન કર્યું હતું કે નામર્દ હોય તેમણે પક્ષમાંથી જતા રહેવું. એક પ્રકારે આ પોતાના પક્ષાંતર્ગત વિરોધીઓને પાર્ટીનું રિમોટ પોતાના જ હાથમાં રહેશે એવો સંકેત આપી દીધો હતો.
- બાળ ઠાકરેના પક્ષપ્રમુખપદને પડકારનારો નેતા કોણ હતો?
શિવસેનાના પક્ષપ્રમુખ તરીકે બાળ ઠાકરેનું જ નામ યાદ આવે, પરંતુ જેવી રીતે અત્યારે શિવસેનાના પક્ષપ્રમુખપદે ઉદ્ધવ ઠાકરે સામે એકનાથ શિંદેએ બળવો કર્યો છે તેવી જ રીતે બાળ ઠાકરેની સામે પણ બળવો કરવામાં આવ્યો હતો અને જ્યાં શિવસેનાનો ગઢ ગણાતો હતો તે ભાગમાં આ બળવો કરવામાં આવ્યો હતો. આ નેતાનું નામ હતું ભાઈ શિંગરે. ભાઈ શિંગરે અને તેના ભાઈ બંડુ શિંગરેની લાલબાગ વિસ્તારમાં ફટાકડાની દુકાન હતી અને તેને કારણે આ વિસ્તારમાં તેમનો દબદબો હતો. 1969માં પાલિકાની ચૂંટણીમાં ભાઈ શિંગરે નગરસેવક બન્યા હતા. 1970માં જ્યારે મોંઘવારીએ માઝા મુકી ત્યારે શિવસૈનિકોએ ગોદામમાં લૂંટ ચલાવીને નાગરિકોને સસ્તા દરે જીવનાવશ્યક વસ્તુઓ આપી હતી. આવી રીતે લૂંટીને વેંચવામાં આવેલી વસ્તુના પૈસામાં હેરાફેરીનો આરોપ બંડુ શિંગરે પર કરવામાં આવ્યો અને બાળ ઠાકરેએ તેમને પક્ષમાંથી બહાર કાઢ્યા. ત્યારબાદ શિંગરે ભાઈઓએ પ્રતિશિવસેના નામે પક્ષ કાઢ્યો હતો અને તેમાં ઘણા લોકો સાથે આવ્યા હતા, જોકે આ પ્રયોગ નિષ્ફળ ગયો હતો અને એક-એક કરીને બધા શિવસૈનિકો પાછા મૂળ શિવસેનામાં જોડાઈ ગયા હતા. જોકે, બંડુ શિંગરે આજીવન બાળ ઠાકરે વિરુદ્ધ લડ્યા હતા.