કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય જાડા અનાજનું વર્ષ જાહેર કર્યું છે. જાડા અનાજ ને Whole Grain પણ કહેવાય છે. વિશ્ર્વમાં ઘઉં અને મેંદાના અતિરેક ઉપયોગને લીધે લોકો બાજરી, જુવાર, મકાઈ, રાગી અને ઓટ તરફ વળ્યા છે.
કચ્છની સંસ્કૃતિ અને લોકજીવન એ તો બાજરી/બાજરાને પોતાના જીવનમાં વણી લીધું છે. જે આપણે ભાગ-૧માં જોયું.
આ પ્રકરણમાં બાજરાના ફાયદા વિશે આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું જે વૈજ્ઞાનિક રીતે અને સંશોધનોનાં તારણો છે. તે જાણીશું બાજરી/બાજરો સહેલાઈથી પચી જાય તેવું ધાન્ય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, અમીનો એસિડ, એન્ટી ઓક્સિડન્ટ, ફોલીક એસિડ, નાઈસીન, બીટા કેરોટીન અને ખનીજ ક્ષારો (મિનરલ્સ) પૂરતા પ્રમાણમાં છે. તેમ જ લોહતત્ત્વ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝિંક પણ સારા એવા પ્રમાણમાં છે.
૧૦૦ ગ્રામ બાજરામાં
પ્રોટીન – ૧૦.૯૬ ગ્રામ
ફાઈબર – ૧૧.૪ ગ્રામ
ચરબી (વસા) – ૫.૪૩ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ – ૬૧.૭૮ ગ્રામ
કેલેરી (ઊર્જા) – ૧૪૫૦ કિલો જુલ
આવેલા છે.
બાજરા! બાજરીનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ (GI) ખૂબ જ ઓછો છે. માટે જોડાયા બ્રિટિશના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેના સેવનથી રક્તમાં શર્કરાનું પ્રમાણ ત્વરાએ વધી જતું નથી.
– ‘ગ્લુટેન’ મુક્ત હોવાથી ‘સિલિયાક’ ડીઝિઝના દર્દીઓને માટે પથ્ય ધાન છે.
– તે જઠરમાં ચાંદા ને રૂઝાવવામાં મદદ કરે છે અને એસીડીટી ઓછી કરે છે.
– તેનાથી કબજિયાત દૂર થાય છે. કારણ કે તેમાં ‘ઈનસોલ્યુબલ ફાઈબર્સ’નું પ્રમાણ વિશેષ છે.
– તે શાકાહારી માટે પ્રોટીન અને અમાઈનો એસિડ માટેનો સારો સ્રોત છે.
– તેમાં પોટેશિયમ યોગ્ય પ્રમાણમાં હોવાથી રક્તચાપ (બ્લડ પ્રેશર) ઘટાડવામાં મદદ રૂપ થાય છે.
– તેમાં મેગ્નેશિયમ હોવાથી હૃદય માટે અનુકૂળ રહે છે.
– ફોસ્ફરસનું પ્રમાણ યોગ્ય હોવાથી અસ્થિઓને મજબૂત બનાવે છે અને ‘ઓસ્ટિયો પોરોસીસ’ નામના દર્દને નિવારે છે.
– બાજરાના રોટલા બનાવવા માટે કોઈ સાધન વેલણ કે પાટલા (ચકલા)ની જરૂર પડતી નથી. બે હાથમાં રાખીને તેની આંગળીઓની હલનચલનથી રોટલા બનાવી શકાય છે.
– તે વજન ઘટાડવા અને મેદસ્વિતાનું પ્રમાણ ઓછું કરવામાં પણ મદદરૂપ રહે છે.
આંતરડાના કૅન્સરને રોકથામ માટે પણ યોગ્ય ધાન છે.
આલ્કલાઈન હોવાથી તે જઠરમાં અને રક્તમાં PHનું પ્રમાણ નિયંત્રણ કરે છે.
બાજરાના રોટલાનું સેવન કર્યા પછી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી અને શ્રમજીવીઓને સતત ઊર્જા મળે છે.
માટે બાજરાનો રોટલો સરવાળે ખૂબ જ ઉપયોગી છે.
કચ્છીમાં બાજરાના રોટલાને ‘માની’ તરીકે ઓળખાય છે. તેમાં ‘મા’ શબ્દ સાથે સંકળાયેલો છે. તેમાં માતાનું મમત્વ અને ઊર્મી સભર શબ્દ છે. માટે કચ્છીઓએ કચ્છી બોલીમાં ખૂબ જ સંબંધોનું સામિપ્ય રહેલું છે. આમ બાજરા/બાજરીમાં અનેક ગુણો રહેલા છે. એવું સંશોધનો પછી સિદ્ધ થયેલું છે માટે બાજરા અને જાડા ધાનનો ઉપયોગ વધારી અને ઘઉં/મેંદાનો ઉપયોગ ઘટાડવો જ રહ્યો. (સંપૂર્ણ)