નવી દિલ્હી: વર્ષ ૨૦૦૨માં ગોધરામાં ટ્રેનના ડબ્બા સળગાવવાના કેસમાં આજીવન કેદ ભોગવતા કેટલાક આરોપીઓની જામીન અરજી અને ગુજરાત સરકારની અપીલની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં આગામી ૨૪ માર્ચે હાથ ધરવામાં આવશે. શુક્રવારે ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ગુજરાત સરકારના વકીલ અને દોષિતોના વકીલને દરેકની સજાના પ્રમાણ અને અત્યાર સુધી જેલમાં વિતાવેલા સમયની વિગતો ધરાવતી સૉફ્ટ કૉપી અદાલતમાં રજૂ કરવા જણાવ્યું હતું.
ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતા ઉપલબ્ધ નહીં હોવાનું જણાવાયા પછી બેન્ચે સુનાવણી આવતા શુક્રવાર, ૨૪ માર્ચ પર મુલતવી રાખી હતી. આ કેસની ગઈ ૨૦ ફેબ્રુઆરીએ હાથ ધરાયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે ગુજરાત વડી અદાલતે વર્ષ ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરામાં ટ્રેનના એસ-૬ કોચને બહારથી બંધ કરીને આગ ચાંપીને લોકોને બાળવાના કેસના જે ૧૧ આરોપીઓની સજા ઘટાડીને આજીવન કેદની કરી હતી, એ ૧૧ આરોપીઓની સજા વધારીને તેમને મૃત્યુદંડ ફરમાવવાનો આગ્રહ અદાલતને કરવામાં આવશે. ગોધરાકાંડમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૯ જણને જીવતા બાળી નખાયાં હતાં.
સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે આ કેસમાં ટ્રાયલ કોર્ટે ૧૧ આરોપીઓને મૃત્યુદંડ અને ૨૦ આરોપીઓને આજીવન કેદનું ફરમાન કર્યું હતું.
ગુજરાતની વડી અદાલતે ૩૧ જણની સજા માન્ય રાખતાં ૧૧ આરોપીઓની સજા મૃત્યુદંડથી ઘટાડીને આજીવન કેદ કરી હતી. એ મૃત્યુદંડને ઘટાડીને આજીવન કેદ કરવાના વડી અદાલતના નિર્ણય સામે રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી છે. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે બે દોષિતોની જામીન અરજીઓ મંજૂર
કરી છે. સાત દોષિતોની જામીનની અરજીઓ અનિર્ણિત પડી છે.
(એજન્સી)ઉ