Homeઆમચી મુંબઈમાનખુર્દ સ્ટેશન પર બહાદુર કોન્સ્ટેબલ અને પ્રવાસીએ માતા-બાળકના જીવ બચાવ્યા

માનખુર્દ સ્ટેશન પર બહાદુર કોન્સ્ટેબલ અને પ્રવાસીએ માતા-બાળકના જીવ બચાવ્યા

…ચાલતી ટ્રેન પકડવાના ચક્કરમાં જીવ ગુમાવ્યા હોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાર્બર લાઈનમાં માનખુર્દ રેલવે સ્ટેશન ખાતે કોન્સ્ટેબલની સતર્કતાને કારણે એક વર્ષના બાળકની સાથે તેની માતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. મંગળવારે બપોરના ૧૨ વાગ્યાના સુમારે બે નંબરના પ્લૅટફૉર્મ પરથી મહિલા તેના બાળક સાથે ચાલતી ટ્રેન પકડવા જતા તેણે સંતુલન ગુમાવ્યું હતું અને એ જ વખતે પ્લૅટફૉર્મ પરના કોન્સ્ટેબલે બહાદુરીપૂર્વક જમ્પ મારીને બાળકને ખેંચી લીધું હતું. ત્યાર બાદ બીજી ક્ષણે મહિલાએ ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો, પરંતુ પ્લૅટફૉર્મ પરના પ્રવાસીઓએ તેને ખેંચી લેતા એક સાથે બે જણનો જીવ બચી જવાને કારણે પ્રવાસીઓની સાથે રેલવે પ્રશાસને રાહતનો શ્ર્વાસ લીધો હતો.
આ મુદ્દે રેલવે પોલીસે કહ્યું હતું કે મંગળવારે બપોરના ૧૨.૦૨ વાગ્યાના સુમારે અપ સીએસએમટી લોકલ ટ્રેનને હોલ્ટ મળ્યા પછી સીએસએમટી માટે રવાના થઈ ત્યારે એક મહિલા તેના બાળકની સાથે ચાલતી ટ્રેન પકડવા દોડી હતી. ટ્રેને સ્પીડ પકડવાને કારણે બાળક સાથે ચઢવામાં મહિલાએ સંતુલન ગુમાવવાને કારણે પ્લૅટફૉર્મ પર પડવા જતી હતી, ત્યારે હાજર કોન્સ્ટેબલ અક્ષય સોનેએ સીધી ટ્રેન સામે કૂદકો માર્યો હતો અને મહિલાના બાળકને પકડી લેવાને કારણે બાળકનો જીવ બચી ગયો હતો. પોતાના બાળકની ચિંતાને કારણે મહિલાએ પોતાની ચિંતા કર્યા વિના ચાલતી ટ્રેનમાંથી ઝંપલાવ્યું હતું, પરંતુ એ જ વખતે મહિલાને ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લૅટફૉર્મની ગેપમાંથી પ્રવાસીએ ખેંચી લીધી હતી, તેથી મહિલાનો પણ જીવ બચી જવાને કારણે પ્રવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. વાસ્તવમાં પોલીસ કોન્સ્ટેબલની સતર્કતા અને બહાદુરીને કારણે મહિલાની સાથે તેના બાળકનો જીવ બચી ગયો હતો. આ બનાવ પછી બંને જણને સ્ટેશન માસ્ટરની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બંને જણને નખમાં પણ જરાય વાગ્યું નહોતું. મહિલાની ઓળખ સુમન અખિલેશ સિંહ (રહેવાસી નવી મુંબઈ) અને બાળકની દિવ્યાંશ તરીકે કરવામાં આવી હતી, જ્યારે બાળકનો કબજો તેની માતાને સોંપવામાં આવ્યો હતો, એમ આરપીએફના અધિકારીએ જણાવ્યું હતું. આરપીએફના કોન્સ્ટેબલ અક્ષય સોનેની સાથે અન્ય કોન્સ્ટેબલ-પ્રવાસીઓની બહાદુરીને કારણે પ્રવાસીના જીવ બચ્યા છે, પરંતુ વારંવાર પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યા પછી ચાલતી ટ્રેનમાં ચઢવા અને ઊતરવાનું બંધ થતું નથી. તેના કારણે અકસ્માતમાં વધારો થાય છે, જ્યારે ટ્રેનો ખોટકાવવાનું પ્રમાણ વધ્યું છે, તેથી પ્રવાસીઓએ બિનજરૂરી ચાલતી ટ્રેનમાં ચઢવા-ઊતરવાનું ટાળવું જોઈએ, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
——–
નવ મહિનામાં ૬૨ જણના જીવ બચાવાયા
જાન્યુઆરીથી સપ્ટેમ્બરના નવ મહિના દરમિયાન પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાને કારણે આ વર્ષે ૬૨ જેટલા પ્રવાસીના જીવ બચાવ્યા છે, જેમાં એકલા મુંબઈ ડિવિઝનના ૨૪ કેસ છે. રેલવે પોલીસ કોન્સ્ટેબલ તથા કર્મચારીઓની સતર્કતા અને બહાદુરીને કારણે પ્રવાસીઓના જીવ બચાવવાના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, પણ પ્રવાસીઓએ વધારે સાવધાની દાખવવાની જરૂરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -