Homeએકસ્ટ્રા અફેરબાદલે ભ્રષ્ટાચાર અને વંશવાદ બંનેને પોષ્યાં

બાદલે ભ્રષ્ટાચાર અને વંશવાદ બંનેને પોષ્યાં

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું મંગળવારે ૯૫ વર્ષની વયે નિધન થયું એ સાથે જ દેશના રાજકીય તખ્તેથી વધુ એક પીઢ રાજકારણીની વિદાય થઈ. પાંચ વાર પંજાબના મુખ્યમંત્રી બનેલા બાદલ ૯૫ વર્ષના હતા અને તેમની તબિયત લાંબા સમયથી નરમગરમ રહ્યા કરતી હતી જૂન ૨૦૨૨માં તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ વખતે તેમના મોતની અફવા પણ ઊડી હતી પણ બાદલ સાજા થઈ ગયા હતા ને થોડા સમય બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સપ્ટેમ્બર ૨૦૨૨માં તેમની તબિયત ફરીથી બગડતાં ચંદીગઢમાં પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ બાદલ સાજા થઈ ગયા હતા. આ વખતે શુક્રવારે સવારે તેમની તબિયત બગડતાં તેમને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કમનસીબે આ વખતે બાદલ પાછા ના આવી શક્યા ને કાયમ માટે વિદાય થઈ ગયા.
પ્રકાશસિંહ બાદલ પંજાબના રાજકારણના બહુ જૂના ખેલાડી હતા ને દેશની આઝાદી સમયથી જ રાજકારણમાં સક્રિય હતા. પ્રકાશસિંહ બાદલે ૧૯૪૭માં પોતાના બાદલ ગામમાં સરપંચની ચૂંટણી જીત્યા ત્યારે ૨૦ વર્ષના પણ નહોતા ને દેશમાં સૌથી નાની વયના સરપંચ બન્યા હતા. ૧૯૫૭માં ૩૦ વર્ષની ઉંમરે પ્રથમ વિધાનસભા ચૂંટણી લડીને જીત્યા રસપ્રદ વાત એ છે કે, બાદલ ૧૯૫૭માં કૉંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. ૧૯૬૨માં ફરી જીત્યા પણ ૧૯૬૭માં હારી ગયા હતા. ૧૯૬૯માં વિધાનસભાની પેટાચૂંટણીમાં બાદલ ફરી જીત્યા અને એ પછી પછી તેમણે ૨૦૨૨માં પંજાબ વિધાનસભાની ચૂંટણી સિવાય કદી હાર નહોતી જોઈ.
પેટાચૂંટણીમાં જીતના પગલે પ્રકાશસિંહ બાદલ ૧૯૬૯-૭૦ દરમિયાન પંજાબમાં પંચાયત રાજ, પશુપાલન, ડેરી મંત્રી બન્યા હતા. ૧૯૭૦માં રાજ્યસભાની ચૂંટણીમાં અકાલી દળના ઉમેદવારની હાર થતાં અકાલી દળના પ્રમુખ સંત ફતેહસિંહે મુખ્યમંત્રી ગુરનામસિંહને રાજીનામું આપવા કહ્યું ને બાદલની લોટરી લાગી ગઈ. એ જમાનામાં ૪૩ વર્ષની ઉંમરે કોઈ મુખ્યમંત્રી બને એવી કલ્પના પણ નહોતી થતી ત્યારે બાદલ મુખ્યમંત્રી બની ગયેલા. બાદલનો સૌથી નાની ઉંમરે પંજાબના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ આજેય તૂટ્યો નથી. બાદલ એ પછી તો ફરી ચાર વાર પંજાબના મુખ્યમંત્રી બન્યા ને સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. ૨૦૨૨ની પંજાબ વિધાનસભા ચૂંટણી લડ્યા ત્યારે તેમની ઉંમર ૯૪ વર્ષ હતી ને બાદલ દેશના ઈતિહાસમાં વિધાનસભાની ચૂંટણી લડનારા સૌથી વૃદ્ધ ઉમેદવાર બન્યા હતા. વૃદ્ધાવસ્થાના કારણે બાદલ ચૂંટણી લડવા માગતા ન હતા પણ પુત્ર સુખબીર બાદલના આગ્હથી અને પંજાબમાં અકાલી દળની દયનીય સ્થિતિ જોઈને પ્રકાશસિંહ બાદલ ચૂંટણી મેદાનમાં ઊતર્યા હતા. બાદલનો આ નિર્ણય ધોળામાં ધૂળ પડ્યા જેવો સાબિત થયો. બાદલ ૨૦૨૨માં પંજાબ વિધાનસભાની ચૂંટણી હારી જતાં વિધાનસભાની ચૂંટણી જીતનારા સૌથી વૃદ્ધ ઉમેદવાર ના બની શક્યા. તેમની યશસ્વી રાજકીય કારકિર્દીનો હાર સાથે અંત આવ્યો.
બાદલ વરસો સુધી રાજકારણમાં રહ્યા તેથી તેમને અપાતી શ્રદ્ધાંજલિઓમાં તેમનાં વખાણ જ વખાણ હોય એ સ્વાભાવિક છે પણ બાદલની રાજકીય કારકિર્દીમાં વખાણ કરવા જેવું બહુ ઓછું છે. પ્રકાશસિંહ બાદલ ટિપિકલ રાજકારણી હતા કે જેમણે પોતાને મળેલી સત્તાનો ભરપૂર લાભ લીધો ને પોતાના પરિવારને થાળે પાડવા માટે બેશરમ બનીને વંશવાદને પણ પોષ્યો . ભ્રષ્ટાચારમાં તો બાદલ પરિવારે બધા રેકોર્ડ તોડી નાખ્યો છે એમ કહીએ તો ચાલે.૧૯૨૦માં સ્થપાયેલી અકાલી દળ શીખ સમાજના દિગ્ગજ આગેવાનોની પાર્ટી હતી. શીખ સમાજના લોકોમાં આદરણીય ને સંત કહેવાતા આગેવાનો અકાલી દળના પ્રમુખ બને એવી પરંપરા હતી. જ્ઞાની કરતારસિંહ, સંત હરચરણસિંહ લોંગોવાલ, જગદેવસિંહ તલવંડી જેવા લોકોની વચ્ચે રહેનારા નેતા અકાલીદળના પ્રમુખ બનતા. તેમના માર્ગદર્શનમાં અકાલી દળ સામૂહિક નેતાગીરીથી ચાલતો પક્ષ હતો પણ પ્રકાશસિંહ બાદલે તેને બાપીકી પેઢી બનાવી દીધો. એક જમાનામાં અકાલી દળના સર્વોચ્ચ નેતા તરીકે સુરજીતસિંહ બરનાલાનું નામ લેવાતું પણ બાદલે દાવપેચ કરી કરીને બરનાલાને વખારભેગા કરીને અકાલી દળ પર કબજો કરી લીધો. ૧૯૯૫માં પ્રકાશસિંહ બાદલ અકાલી દળના પ્રમુખ બન્યા પછી તેમણે અકાલી દળનો વહીવટ બાપીકી પેઢીની જેમ જ ચલાવ્યો છે. ૨૦૦૮ લગી બાદલ પોતે જ શિરોમણી અકાલી દળના પ્રમુખ હતા. એ પછી તેમણે પોતાના પનોતા પુત્ર સુખબીરસિંહ માટે પ્રમુખપદ છોડ્યું ને ૨૦૦૮થી સુખબીરસિંહ અકાલી દળનો પ્રમુખ છે. પ્રકાશસિંહ બાદલ ૨૦૦૭માં પંજાબના મુખ્યમંત્રી બન્યા પછી પોતાના સપૂત સુખબીરસિંહને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધેલો. સુખબીરસિંહ ૨૦૦૮થી ૨૦૧૭ સુધી પંજાબનો નાયબ મુખ્યમંત્રી રહ્યો ને પંજાબમાં બાપ-દીકરાનું એકચક્રી શાસન ચાલ્યું. બાદલ પરિવારમાંથી સુખબિરસિંહની પત્ની હરસિમરત કૌર ભટીંડામાંથી લોકસભામાં ચૂંટાયાં છે અને નરેન્દ્ર મોદી સરકારમાં ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હતાં. સુખબીરસિંહ બાદલે પોતાના સાળા બિક્રમસિંહ મજીઠિયાને પણ અકાલી દળની ટિકિટ પર ધારાસભ્ય ને પછી પ્રકાશસિંહ બાદલ સરકારમાં પ્રધાન બનાવ્યો હતો. આ મજીઠિયા પંજાબના ડ્રગ્સ કૌભાંડનો સૂત્રધાર હોવાના આક્ષેપ લાંબા સમયથી થાય છે.
ભારતમાં સૌથી ભ્રષ્ટ રાજકીય પરિવારોની વાત કરો ત્યારે તેમાં તમારે બાદલ પરિવારનું નામ સૌથી પહેલાં લેવું પડે. પ્રકાશસિંહ બાદલે અને તેમના ખાનદાને કરેલી કબાડેબાજી બદલ તેમની સામે કેસ પણ થયેલો. વરસો લગી એ કેસ ચાલ્યો અને બાદલ મુખ્યમંત્રી બન્યા પછી એ કેસમાં નિર્દોષ છૂટ્યા કેમ કે તેમની સામેના સાક્ષીઓ ફરી ગયા હતા. બાદલ પરિવારના ભ્રષ્ટાચારથી કંટાળીને તો ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિદ્ધુએ ભાજપને રામરામ કરી દીધા હતા. બાદલ પરિવારે પંજાબમાં પીટીવી નામે મીડિયા સામ્રાજ્ય જમાવ્યું છે ને તેના જોરે બધાંને દબાવતા હતા. આ ભ્રષ્ટાચારના કારણે જ આમ આદમી પાર્ટીને પંજાબમાં ઘૂસવાની તક મળી.
નરેન્દ્ર મોદી નવાસવા વડા પ્રધાન બન્યા ત્યારે લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતી નિમિત્તે દિલ્હીમાં કટોકટી સામે લડનારા લોકોનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પછી મોદી સાહેબે ટ્વિટ કરેલી કે, બાદલ સાહિબ અહીં બેઠા છે અને એ ભારતના નેલ્સન મંડેલા છે. તેમણે ઘણાં બધાં વરસો જેલમાં જ વિતાવ્યાં છે અને એ પણ રાજકીય લડત માટે. મોદીની ટ્વિટનાં જે ખરાબ રીએક્શન આવેલાં એ જ બાદલની પ્રતિષ્ઠા કેવી છે તેના પુરાવારૂપ હતી.
ખેર, હવે બાદલ રહ્યા નથી ત્યારે વધારે કહેવાનો મતલબ નથી.ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -