રુદ્રપ્રયાગઃ ફોટોગ્રાફીનો શોખ વ્યક્તિને નવું શીખવે છે, પરંતુ આંધળો મોહ વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી શકે છે. તાજેતરમાં કેદારનાથમાં એક સરકારી અધિકારીએ સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો હતો.
ઉત્તરાખંડના કેદારનાથમાંથી એક દુખદ સમાચાર જાણવા મળ્યા છે, જેમાં હેલિકોપ્ટરના પંખાની ટક્કરમાં એક સરકારી અધિકારીનું મોત થયું હતું. આ મુદ્દે રુદ્રપ્રયાગ પોલીસ કમિશનરે કહ્યું હતું કે આજે અમિત સૈની નામના એક સરકારી અધિકારી હેલિકોપ્ટરમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, હજુ હેલિકોપ્ટરમાં બેઠાં ત્યાં ટેલ રોટરની ટક્કર વાગી હતી, જેમાં સૈનીના માથામાં ગંભીર વાગ્યું હતું. આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
અમિત સૈની રાજ્ય સરકારના એવિયેશન વિભાગ સંબંધિત એજન્સી ઉત્તરાખંડ સિવિલ એવિયેશન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ફાઈનાન્સ કંટ્રોલર હતા. શનિવારથી કેદારનાથ યાત્રાનો પ્રારંભ થયા પૂર્વે તેઓ હેલિકોપ્ટર સંબંધિત વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા જવાના હતા. નિરીક્ષણ કરનારી ટીમના તેઓ એક સભ્ય હતા. રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી નંદન સિંહે કહ્યું હતું કે રવિવારે ક્રિસ્ટલ એવિયેશનના હેલિકોપ્ટરના રોટરની ટક્કરથી અમિત સૈનીનું મોત થયું હતું.