કરાચીમાં મફતમાં રાશન લેવા જતા નાસભાગમાં 12 જણનાં મોત
કરાચીઃ અહીં એક જ દિવસમાં બે ખરાબ સમાચાર જાણવા મળ્યા હતા, જેમાં એક હિંદુ ડોક્ટર પર હુમલો કરવાના કિસ્સામાં ડોક્ટર હિંદુનું મોત થયું હતું. અન્ય એક કિસ્સામાં રાશન લેવાની નાસભાગમાં બાર જણનાં મોત થયા હતા.
કરાચીમાં એક હિંદુ ડોક્ટર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે અજ્ઞાત હુમલાખોરોએ બંદૂકની ગોળી મારીને હત્યા કરી નાખી હોવાનું જણાવાયું હતું. અહીંના હિંદુ ડોક્ટર બીરબલ જીનાની ટાર્ગેટ કિલિંગના શિકાર બન્યા હતા. કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનના ભૂતપૂર્વ આરોગ્ય અને ઓપ્થેમોલોજિસ્ટ ડોક્ટર બીરબલ જીનાની પર અજ્ઞાત હુમલાખોરોએ જીવલેણ હુમલો કર્યો હતો. ડો. બીરબલ અને તેમની સહાયક મહિલા ડોક્ટર રામસ્વામી ગુલશન એ ઈકબાલ સાથે હતા ત્યારે હુમલો કર્યો હતો. એક્સપ્રેસવે પર ગાર્ડન ઈન્ટરચેન્જ નજીક અજ્ઞાત લોકોએ તેમની કાર પર હુમલો કર્યો હતો, જેમાં જીનાનીનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ હુમલા પછી બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પડોશી દેશ પાકિસ્તાન આર્થિક જ નહીં, નાણાકીય કટોકટીના ખપ્પરમાં હોમાતું જાય છે. સરકારની સાથે જાહેર જનતાની હાલત પણ કફોડીમાં છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ આજનું છે. શુક્રવારે મફતમાં રાશન લેવા જવાની હોડમાં ભાગદોડ થઈ હતી, જેમાં 12 જેટલા લોકોના મોત થયા છે તથા અને એની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે.
આ બનાવ શુક્રવારે કરાચીના નૌરસ ચોરા નજીકના એક કારખાનામાં બન્યો હતો. અહીં મફતમાં લોકોને રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે નાસભાગ થઈ હતી. મફત રાશન લેવા જવાની લાલચમાં નાસભાગ થઈ હતી, પરિણામે ઘટનાસ્થળે દોડાદોડ થવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દોડાદોડી થવાને કારણે અનેક લોકોને ઈજા પહોંચી હતી, ત્યારબાદ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે