રોજ બરોજ -અભિમન્યુ મોદી
ન્યૂ ઝીલેન્ડના બહુચર્ચિત, બહુમુખી પ્રતિભા ધરાવતા જેસિંડા આર્ડર્નએ રાજીનામાની જાહેરાત કરી તેની અસર વૈશ્ર્વિક રાજકારણ પર પડી છે. જેસિંડાએ રાજીનામાંનું જે કારણ આપ્યું એટલું હાસ્યાપદ બન્યું કે મિમ માર્કેટ જેસિંડાની તસવીરોથી છલકાય ગયું. જેસિંડાના મતે તેમણે બે ટર્મ સુધી દેશની સેવા કરી હવે પરિવાર પ્રત્યે સભાનતા દાખવવાની જરૂર છે. આ અમૂલ્ય જ્ઞાન ચૂંટણીના ૧૦ મહિના પૂર્વે જ કેમ લાધ્યું. જેસિંડા તો સગર્ભા હતા ત્યારે પણ દેશ-વિદેશનો પ્રવાસ કરતા, ૮માં મહિના સુધી તેમની એક્ટિવનેસને જગતભરની સરકારે બિરદાવી હતી જેમાં પીએમ મોદીનો પણ સમાવેશ થાય છે. એ વખતો એક કિસ્સો પ્રખ્યાત છે.
ન્યૂ ઝીલેન્ડમાં ૧૫, માર્ચ ૨૦૧૯ના રોજ મસ્જિદ પર આતંકવાદી હુમલો થયો. શહેરના ક્રાઇસ્ટ ચર્ચ નજીક આવેલ અલ નૂર મસ્જિદ અને લિનવૂડ ઇસ્લામિક સેન્ટરમાં મુસ્લિમો જુમ્માની નમાઝ અદા કરવા માટે એકઠા થયા હતા. ૨૮ વર્ષના બ્રેન્ટન હેરિસન ટારેન્ટ નામના આતંકવાદીએ બંને સ્થળોએ આડેધડ ફાયરિંગ કરીને ૫૧ લોકોની નિર્મમ હત્યા કરી નાંખી. વિકૃત મગજના બ્રેન્ટને આ હુમલાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લાઇવ કર્યું હતું. ઘટનાના દૃશ્યો જોઇને આખી દુનિયામાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. પિતાના પગ પકડીને રડતા ત્રણ વર્ષના એક બાળકને ગોળી વાગી અને તેનું મોત થયું એ ઘટનાએ બધાને હચમચાવી નાખ્યા હતા. આ ઘટના બાદ વડાપ્રધાન જેસિંડાએ સંવેદનાસભર પ્રવચને લોકોને ભાવુક બનાવી દીધા હતા. આ ઘટના પછી તેમણે હથિયારોની પરવાનગી સહિત અનેક એવા નિર્ણયો લીધા જેની દુનિયાએ સરાહના કરી હતી. ૨૦૨૧માં આતંકવાદી બ્રેન્ટનને ન્યૂ ઝીલેન્ડની અદાલતે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી. ન્યૂ ઝીલેન્ડમાં મોતની સજા આપવાનો કાયદો જ નથી. જેથી બ્રેન્ટનને આજીવન કારાવાસનો દંડ મળ્યો. માત્ર દોઢ વર્ષમાં જ બ્રેન્ટન ઉપર કેસ ચલાવીને તેને સજા ફરમાવવામાં આવી હતી તે જેસિંડા સરકારની સિદ્ધિ હતી. હુમલો થયો તેની ૪ મિનિટ પૂર્વે જ બંગલાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાંથી બહાર નીકળી હતી. જેસિંડાએ એ દિવસને ન્યૂઝીલેન્ડની હિસ્ટ્રીનો બ્લેક ડે કહ્યો હતો. બ્રેન્ટનનો ઇરાદો તો ત્રીજી મસ્જિદે પણ હુમલો કરવાનો હતો પણ અશબર્તોન મસ્જિદે પહોંચે એ પહેલા જ તેને પકડી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જેસિંડા સગર્ભાવસ્થામાં સામાન્ય નાગરિકની માફક તબીબ પાસે પણ જતા અને આતંકી હુમલા વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરતા, આજે તો ન્યૂ ઝીલેન્ડ એવી કોઈ વિષમ પરિસ્થિતિમાંથી પસાર નથી થતું કે એવા કોઈ રાજકીય સંકટનું ઠીકરું પણ જેસિંડાના શિરે ફોડવામાં નથી આવ્યું. તો રાજીનામાનું આટલું બાલિશ કારણ કેમ?
બ્રિટનમાં ભારે પબ્લિસિટી એકઠી કરીને પીએમ બનેલા લિઝ ટ્રસે જયારે રાજીનામું આપ્યું. એ સમયે દુનિયાના ૧૮ દેશમાં મહિલાઓનું નેતૃત્વ હતું, જેમાં ૧૫ દેશમાં વડા પ્રધાન અને ત્રણમાં રાષ્ટ્રપતિ પદ પર પ્રતિભાવાન મહિલાઓએ રાષ્ટ્રના વિકાસમાં અનેરું યોગદાન આપ્યું હતું. ત્યારે રાજકારણમાં મહિલા મોરચે સફળ થયેલા બે મહિલા પીએમનું નામ તેમની ઉત્તમ કાર્યક્ષમતા અને કુનેહને કારણે ચર્ચામાં આવ્યું હતું. એક તો જેસિંડા અને બીજા ફિનલેન્ડના મહિલા પીએમ સના મારીના. આ ચર્ચાઓ વચ્ચે જેસિંડાએ મીડિયા સમક્ષ વિચારો રજૂ કર્યા ત્યારે તેમના ચહેરા પર ગર્વના નામે ગંભીરતા હતા. તેમના નિવેદનથી સ્પષ્ટ થતું કે તેમની જ પાર્ટીમાં ચાલતો જૂથવાદ જેસિંડાની સરકારને ચૂંટણીના સમયે ઉથલાવવા માંગે છે. જેસિંડાની લેબર પાર્ટી અને ભાજપ બન્ને જોડાય બંધુઓની જેમ અનેક સમાનતા ધરાવે છે. એક દેશના પ્રમુખ પદ પર પહોંચ્યા બાદ કોઈ નેતા તેમનાથી આગળ વધે એ પક્ષને મંજૂર નથી. જયારે જેસિંડા તો ઉત્તમ રાષ્ટ્રપ્રમુખની મિસાલ બન્યા હતા.
ન્યૂ ઝીલેન્ડના લોકો જેસિંડા પર ઓવારી ગયા એના ઘણા કારણો છે પણ સૌથી મોટું કારણ કોરોનાના પડકારને ઝીલવા માટે તેમણે લીધેલા પગલાં છે. પચાસ લાખની વસતિ ધરાવતા ન્યૂ ઝીલેન્ડમાં કોરોનાના કારણે માત્ર ૨૫ લોકોના મોત થયા છે. કોરોનાના કુલ ૧૮૮૯ કેસો નોંધાયા હતા. તેમાંથી ૧૮૬૪ દર્દીઓ સાજા થઇ ગયા હતા. માર્ચમાં જ્યારે ન્યૂ ઝીલેન્ડમાં ૧૦૦ કેસ નોંધાયા ત્યારે જેસિંડાએ દેશમાં કડક લોકડાઉન લાગુ કરી દીધું હતું. દેશના લોકોએ પણ જેસિંડાને પૂરો સાથ આપ્યો હતો. જેસિંડાએ દેશમાં કોરોનાના કેસોને વધવા જ ન દીધા. જેટલા કેસો થયા એમાં પણ એક એક કેસનું ફોલોઅપ લઇને તેના કારણે બીજા લોકો કોરોનાગ્રસ્ત ન થાય એ માટે જબરજસ્ત વ્યવસ્થા ગોઠવી હતી. વચ્ચે તો સતત ૧૦૨ દિવસ સુધી ન્યૂ ઝીલેન્ડમાં એક પણ કેસ નોંધાયો નહોતો. નવા કેસો પણ એ જ હતા જે બીજા દેશમાંથી ન્યૂ ઝીલેન્ડ આવ્યા હતા. ન્યૂ ઝીલેન્ડ પહેલો એવો દેશ હતો જેણે સત્તાવારરીતે કોરોનાથી મુક્તિની જાહેરાત કરી હતી અને જ્યારે છેલ્લો પેશન્ટ કોરોનાથી મુક્તિ મેળવીને ઘરે જતો હતો ત્યારે તેની ઉજવણી પણ કરવામાં આવી હતી.
પ્રસિદ્ધિ એક મહિલાને મળે એ પણ સતત બે ટર્મ સુધી એ પક્ષના રુઢિગત નેતાઓને કઈ રીતે ગમે? વિજય રૂપાણી જ્યારે સીએમ હતા એ વખતે સી.આર. પાટીલ સાથે કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલો ગજગ્રાહ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ન્યૂ ઝીલેન્ડમાં પણ કોરોનાથી મુક્તિની ઉજવણીના ૩ મહિના બાદ અચાનક કેસમાં ઉછાળો આવ્યો હતો. એ સમયે ત્રીજી લહેર ચાલતી હતી. કોરોનાનું જોર ઘટી ગયું હતું પરંતુ જેસિંડા સરકારના જ એક મંત્રી તેમના વિરુદ્ધ એવું નિવેદન આપ્યું હતું કે પીએમની બેદરકારીના કારણે સંક્રમણ વકર્યું છે. એ બાદ આ વાંકદેખા મંત્રી છાશવારે જેસિંડાની ટીકા કરતા રહ્યા. જેસિંડા પોતાની પુત્રીને પણ સાથે લઈને ઓફિસે આવતા હતા. ત્યારે મંત્રી મહોદયે સોશિયલ મીડિયામાં એવા મીમ શેર કરતા હતા જે દેશના પીએમ પોતાની બાળકીમાં રચ્યા પચ્યા હોય તે દેશને કઈ રીતે સંભાળશે!. જેસિંડાના રાજીનામાંની જાહેરાત કરી તેના ૩ સપ્તાહ પહેલા યુનિસેફના એક અહેવાલમાં ન્યૂઝીલેન્ડના બાળકો અને યુવાનોની શારીરિક અને માનસિક હાલત નબળી પડતી જતી હોવાનું જણાવવામાં આવ્યું, ન્યૂ ઝીલેન્ડમાં ૧૫ વર્ષથી નીચેની ઉંમરના ૬૪ ટકા બાળકો ગણિત અને ભાષામાં નબળા હોવાનું બહાર આવ્યું હતું. એ ઉપરાંત યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ન્યૂ ઝીલેન્ડમાં એક લાખે આત્મહત્યાનું પ્રમાણ ૧૪.૯ ટકા જેટલું છે. આ રિપોર્ટ આવ્યા બાદ વડા પ્રધાન જેસિંડા પર એવો આક્ષેપ થયો હતો કે તેઓ ઘર ગૃહસ્થીમાં જ વ્યસ્ત છે. આ સાથે પેલા મંત્રીએ જેસિંડાના માનીતા ધારાસભ્યોને પોતાની તરફેણમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો.
ન્યૂ ઝીલેન્ડમાં ૧૯૯૬માં નવી સંસદીય પ્રણાલીઓ લાગુ કરવામાં આવી હતી. એ પછી કોઇ પોલિટિકલ પાર્ટીને એકલા હાથે સરકાર બનાવી શકે એટલી બેઠકો મળી નહોતી. ન્યૂઝીલેન્ડમાં દર ત્રણ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાય છે. ન્યૂ ઝીલેન્ડ સંસદમાં કુલ ૧૨૦ બેઠકો છે. સરકાર બનાવવા માટે ૬૧ બેઠકોની જરૂર પડે છે. જેસિંડાની પાર્ટીને ૨૦૨૦માં ૬૪ બેઠકો મળી હતી. ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં છેલ્લા પચાસ વર્ષની આ સૌથી મોટી જીત હતી. ન્યૂ ઝીલેન્ડની મુખ્ય હરીફ પાર્ટી નેશનલ પાર્ટી છે. નેશનલ પાર્ટીના જૂડિથ કોલિન્સ મત ગણતરી પૂરી થાય એ પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. આ વર્ષે ઑક્ટોબર માસમાં યોજનાર ચૂંટણીમાં જીત મેળવવા પ્રચાર અભિયાન શરૂ થયું તેની પહેલા જ જેસિંડા વિરુદ્ધ તેમના જ મંત્રી મંડળમાંથી વિરોધની દુર્ગંધ ફેલાય હતી. અંતે જેસિંડાએ પરિવારનું જ કારણ ધરીને રાજીનામાની જાહેરાત કરી દીધી અને એ જ વ્યક્તિ ન્યૂ ઝીલેન્ડના પાસે પ્રમુખ પદનો તાજ આવ્યો જેણે ‘જેસિંડા હટાવો’ અભિયાન ચલાવ્યું હતું. એ નેતા એટલે ક્રિસ હિપક્ધિસ. જેઓ જેસિંડા બાદ વડા પ્રધાન બનશે.
કાવતરા બાજ ક્રિસ હિપક્ધિસના આગમનથી ભારતે નવી કૂટનીતિ અપનાવવી પડશે. ન્યૂ ઝીલેન્ડમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા ૨૩ લાખ છે. તેમાં ૧.૧૭ લાખ લોકો એવા છે જેનો જન્મ જ ભારતમાં થયો હતો. ન્યૂ ઝીલેન્ડની કુલ વસતિમાં ૪.૭ ટકા ઇન્ડિયન્સ છે. ન્યૂ ઝીલેન્ડના મુખ્ય શહેર ઓકલેન્ડમાં જ ભારતીય મૂળના ૧.૫૪ લાખ લોકો વસે છે. વેલિંગ્ટનમાં ૨૨,૨૨૭ ભારતીયો રહે છે. ન્યૂ ઝીલેન્ડના તમામ શહેર અને નાના ગામડામાં પણ તમને ભારતીય જોવા મળશે. ૨૭ હજારથી વધુ ગુજરાતીઓ ન્યૂ ઝીલેન્ડમાં વસ્યા છે. વેપારથી માંડી મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ગુજરાતીઓની નામના છે. ન્યૂ ઝીલેન્ડની ગણના દુનિયાના સ્ટુડન્ટસ માટે ભણવા આવવાની શ્રેષ્ઠ જગ્યામાં થાય છે. દર વર્ષે એક લાખથી વધુ ફોરેન સ્ટુડન્ટસ સ્ટડી માટે ન્યૂ ઝીલેન્ડ આવે છે, તેમાં ભારતીય વિધાર્થીઓની સંખ્યા બીજા નંબરે છે. ભારતના ચેન્નઇમાં જન્મેલા ૪૩ વર્ષનાં પ્રિયંકા રાધાકૃષ્ણન હાલ ન્યૂ ઝીલેન્ડની સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવે છે. ન્યૂ ઝીલેન્ડની ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં ભારતીયો ઉચ્ચ સ્થાને બિરાજમાન છે. ન્યૂ ઝીલેન્ડના ભારતીય મૂળના સસંદ સભ્ય ડૉ. ગૌરવ શર્માએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ ઘટનાનો ઉલ્લેખ કરીને ખુશી વ્યક્ત કરી હતી. સરળ શબ્દોમાં સમજીએ તો ભારતીયોએ ન્યૂ ઝીલેન્ડમાં સારું કાઠું કાઢ્યું છે. ન્યૂ ઝીલેન્ડના લોકો પણ ભારતીયોને સારા અને મહેનતુ સમજે છે. ત્યારે ન્યૂ ઝીલેન્ડની ન્યુ સરકાર ભારત માટે કેટલી ફળદાયી નીવડશે એ જોવાનું રહેશે.