Homeઉત્સવ‘બાબુજી’ની જન્મશતાબ્દી પત્રકારથી રાજકારણી સુધીની યાત્રા

‘બાબુજી’ની જન્મશતાબ્દી પત્રકારથી રાજકારણી સુધીની યાત્રા

એક એવા સ્વાતંત્ર્યસેનાની જેમણે લોકમાન્ય ટિળકના અખબારને પુનર્જીવિત કરીને રાજ્યનું સૌથી વધુ વંચાતું દૈનિક બનાવ્યું: સામાજિક જીવનમાં એટલાં જનહિતનાં કામ કર્યાં કે લોકોએ આપી બાબુજીની ઉપાધિ

પ્રાસંગિક

કટ્ટર ગાંધીવાદી અને સામાજિક પરિવર્તનના મશાલધારક, અગ્રણી પંક્તિના સામાજિક ચળવળકર્તા, ગરીબો, શોષિતો અને દલિતોના કલ્યાણ માટે મહારાષ્ટ્રમાં લોકો-લક્ષી પત્રકારિતાનો પાયો નાખનારા સ્વાતંત્ર્યસેનાની જવાહરલાલ અમોલખચંદ દર્ડાની અત્યારે જન્મશતાબ્દી ચાલી રહી છે. લોકમાન્ય ટિળક (બાળ ગંગાધર ટિળક) દ્વારા ૧૯૧૮માં લોકોમાં સ્વાતંત્ર્યની મશાલ પેટાવવા માટે ચાલુ કરવામાં આવેલા લોકમતને અંગ્રેજ સરકારે બંધ કરી દીધું હતું. તેમની આ મશાલને ૧૯૫૨માં પુનર્જિવિત કરીને અત્યારે મહારાષ્ટ્ર અને ગોવાનું સૌથી વધુ વંચાતું અખબાર બનાવી નાખ્યું છે. તેઓ લોકમત ગ્રૂપ ઓફ ન્યૂઝપેપરના સ્થાપક તંત્રી હતા, મહારાષ્ટ્રના જાણીતા રાજકારણી હતા અને સામાજિક કાર્યકર્તા હતા જેમણે સતત જનતા અને દેશના હિતને વરેલા હતા. તેમણે ફક્ત સામાજિક અને રાજકીય જીવનમાં જ નહીં, પત્રકારિતાના ક્ષેત્રે પણ મૂલ્ય-આધારિત અને સમજદાર સમાચાર પ્રકાશનના ઉચ્ચ મૂલ્યોનો દાખલો બેસાડ્યો હતો. તેમની સેવાની ભાવનાને કારણે જ લોકોએ તેમને બાબુજીનું ઉપનામ આપ્યું હતું.
યવતમાળ જિલ્લાના બાભુલગાંવમાં તેમનો જન્મ બીજી જુલાઈ-૧૯૨૩ના રોજ થયો હતો. અત્યંત કુમળી વયે તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું હતું અને તેમના પરિવારને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. અત્યંત નાની ઉંમરમાં તેઓ પડકારોનો સામનો કરવાનું શીખી ગયા હતા. તેઓ ગાંધીજીથી અત્યંત પ્રભાવિત હતા અને ૧૭ વર્ષની કુમળી વયે તેમની પરવાનગીથી આઝાદીની ચળવળમાં ઝંપલાવી દીધું હતું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં સહભાગી થવા બદલ ૧૯ વર્ષની કુમળી વયે તેમને જબલપુરની જેલમાં એક વર્ષ અને નવ મહિનાના કારાવાસની સજા થઈ હતી. તેઓ આચાર્ય વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં પણ સામેલ થયા હતા.
આઝાદી બાદ તેમણે પત્રકારત્વમાં પોતાની યાત્રા ચાલુ કરી હતી અને ‘નવે જગ’ નામથી સાપ્તાહિક ચાલુ કર્યું હતું અને રાષ્ટ્રીયતાની ભાવના લોકોમાં જગાડી હતી. ૧૯૫૨માં તેમણે લોકમાન્ય ટિળકના લોકમત અખબારને પુનર્જિવિત કર્યું હતું. ત્યારે સાપ્તાહિક પ્રકારના આ અખબારને ૧૯૭૧માં દૈનિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમણે નાગપુરથી શરૂ કરવામાં આવેલા અખબારને આખા મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી ચાલુ કર્યું અને સાથે જ લોકમત સમાચાર નામે હિન્દીમાં અને લોકમત ટાઈમ્સ નામે અંગ્રેજીમાં પણ અખબાર ચાલુ કર્યા હતા. આજે લોકમત ભારતનું છઠ્ઠા ક્રમાંકનું સૌથી વધારે વંચાતું અખબાર છે અને મહારાષ્ટ્રનું સર્વાધિક વંચાતું અખબાર બન્યું છે.
જવાહરલાલ દર્ડા નિષ્ઠાવાન કૉંગ્રેસી હતા જેઓ જિલ્લા કૉંગ્રેસથી આગળ વધીને અખિલ ભારતીય કૉંગ્રેસમાં ઉચ્ચ પદે પહોંચ્યા હતા. તેઓ ૧૯૭૨થી ૧૯૯૫ની વચ્ચે ચાર વખત મહારાષ્ટ્ર વિધાનપરિષદમાં ચૂંટાયા હતા. મહારાષ્ટ્રના સિનિયર પ્રધાનની હેસિયતથી તેમણે અનેક ખાતાનું સૂપેરે સંચાલન કર્યું હતું. મહારાષ્ટ્રની સરકારમાં તેમણે લગભગ ૨૩ વર્ષ સુધી કામ કર્યું હતું અને તેમાં ઊર્જા, ઉદ્યોગ, સિંચાઈ, આરોગ્ય, અન્ન અને નાગરી પુરવઠા, રમત ગમત અને યુવા બાબતો, વસ્ત્રોદ્યોગ અને પર્યાવરણ ખાતાની જવાબદારી સંભાળી હતી. ૧૯૮૦માં મહારાષ્ટ્રમાં રાજ્ય ઔદ્યોગિક વિકાસ મહામંડળની સ્થાપના કરીને તેમણે ઔદ્યોગિક ક્રાંતીના દરવાજા ખોલ્યા હતા અને તેથી રાજ્યના ભંડારા, ચંદ્રપુર, ઔરંગાબાદ અને નાગપુર જેવા વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના થઈ હતી.
તેઓ પોતાના વિભાગોમાં નવી પહેલ અને પારદર્શકતા લાવ્યા હતા અને સામાન્ય લોકોને સરકારી યોજનાના લાભ મળે તેનું ધ્યાન રાખ્યું હતું. દૂરંદેશી ધરાવતા રાજકારણી તરીકેના તેમના પ્રયાસોને કારણે યવતમાળ અને રાજ્યના અનેક વિસ્તારોમાં અનેક હૉસ્પિટલો બની. તેમ જ નાગપુર અને મુંબઈમાં ગવર્ન્મેન્ટ મેડિકલ કૉલેજોના નૂતનીકરણ કરવામાં આવ્યા હતા અને તેમને અત્યાધુનિક તબીબી ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
દર્ડાને મૃત્યુ બાદ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તેમની ભારતની સ્વતંત્રતા ચળવળમાં યોગદાન અને ત્યારબાદની જીવનયાત્રા બદલ લાઈફટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ, લંડનમાં બ્રિટનના મિનિસ્ટર ઓફ એનર્જી એન્ડ બિઝનેસ એન્ગેજમેન્ટ વિથ ઈન્ડિયા, ગ્રેગરી બ્રેકર અને શેડો ફોરેન મિનિસ્ટર અને ભારતની જવાબદારી ધરાવતા કેરી મેકકાર્થીના હસ્તે આપવામાં આવ્યો હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને તેમના માનમાં પાંચ રૂપિયાના મૂલ્યની કોમેમોરેટિવ પોસ્ટેજ સ્ટેમ્પ બીજી ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ દિલ્હીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિના હસ્તે બહાર પાડી હતી.
કલા અને પ્રકૃતિના ચાહક તરીકે તેમણે કાયમ આદિવાસી કલાકારો, વૃક્ષારોપણ અને ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું. મુંબઈમાં ૨૫મી નવેમ્બર, ૧૯૯૭માં તેમનું નિધન થયું હતું, પરંતુ નક્કર સામાજિક સેવા, જનલક્ષી રાજકારણના મૂલ્યો ભાવિ પેઢીને પ્રેરણા આપતા રહેશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -