મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં ગાઝીપુર એમપી-એમએલએ કોર્ટે દોષી ઠેરવ્યો છે. કોર્ટે તેને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યાં જ મુખ્તારના ભાઇ અને બસપાના સાંસદ અફજઝલ અંસારી અંગે હજી સુધી કોર્ટનો ચૂકાદો આવ્યો નથી. થોડા જ સમયમાં તેનો પણ ફેંસલો આવવાની શક્યતા છે. આ બંને સામે કરંડા પોલીસ સ્ટેશન અને મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધવામાં આવી હતી. મુખ્તાર અંસારી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સામે હાજર રહ્યો હતો. જ્યારે અફઝલ રુબરુ કોર્ટમાં હાજર છે.
યુપીના બહુ ચર્ચિત કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ અને વેપારી નંદકિશોર રુંગટાના અપહરણ બાદ મુખ્તાર અને અફઝલ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે 2007માં ગેંગસ્ટર એક્ટ અંતર્ગત અફઝલ અંસારી અને તેના ભાઇ માફિયા ડોન મુખ્તાર અંસારી તથા તેમનો જીજાજી એજાજુલ હક જેનું મૃત્યું થઇ ગયું છે તેમના વિરુદ્ધ 1 એપ્રિલના રોજ સુનાવણી પૂરી થઇ ગઇ હતી. પહેલાં આ મામલે 15મી એપ્રિલે ચૂકાદો આવવાનો હતો. જોકે પાછળથી તારીખ લંબાવીને 29મી એપ્રિલ કરવામાં આવી હતી. આ કિસ્સામાં વર્ષ 2012માં ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટમાં ટ્રાયલ શરુ થઇ હતી.
કોર્ટના આ ચૂકાદા બાદ કૃષ્ણાનંદ રાયના દિકરા પિયુષે આ ચૂકાદાને વધાવી લીધો હતો. તેણે કહ્યું કે મારા પિતાની 18 વર્ષ પહેલાં હત્યા થઇ હતી. પણ મુખ્તાર વિરુદ્ધ અમારો સંઘર્ષ 28 વર્ષનો છે. તેણે કહ્યું કે આજનો આ નિર્ણય મારી માતા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય છે. મારી માતાએ આ લોકો વિરુદ્ધ લડતાં લડતાં તેના જીવનના 30 વર્ષ કાઢી નાંખ્યા છે. તેણે કહ્યું કે જ્યારે મારા પિતાની હત્યા થઇ ત્યારે તેમની શિખા પણ કાપવામાં આવી હતી. એ આખા સમાજની શિખા હતી. આજે એ શિખાનો માન કોર્ટે વધાર્યો છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, તેમણે આવા માફિયાઓ સામે જે ઇચ્છાશક્તિ બતાવી છે જો આવી ઇચ્છાશક્તિ પહેલાં કોઇએ બતાવી હોત તો કદાચ આજે આ દિવસ જોવો ના પડત.
અત્રે ઉલ્લેખનિય છે કે ગાઝીપુરમાં 29મી નવેમ્બર 2005માં મહોમ્મદાબાદથી ભાજપના તત્કાલીન વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત કુલ 7 લોકોને ગોળીએ વિંધી દેવામાં આવ્યા હતાં. ચૂંટણીના વિવાદમાં આ હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડમાં મુખ્તાર અને અફઝલને આરોપી બનાવવામાં આવ્યા હતાં.