Homeમેટિનીએવોર્ડ્ઝ મતલબ? કુછ ભી!

એવોર્ડ્ઝ મતલબ? કુછ ભી!

એક એવોર્ડ માટે શું જોઈએ? મસ્ત ટ્રોફી ને મજેદાર કેચફ્રેઝ

શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા

હમણાં એવોર્ડ્ઝની સિઝન ચાલી રહી છે. છેલ્લાં અમુક વર્ષોથી જેમ બોલીવૂડ ફિલ્મ્સની ગુણવત્તાને લઈને દર્શકોમાં નારાજગી છે તેમ એવોર્ડ શૉઝને લઈને પણ એટલા જ સવાલો છે. એવોર્ડ્ઝની અધિકૃતતાને લઈને અનેક વાતો સામે આવતી રહી છે પણ એની ચર્ચા ખૂબ લાંબી થઈ જશે એટલે આજે આપણે વિવિધ એવોર્ડ શૉઝની અમુક એવી કેટેગરીઝની વાત કરીએ જે ફક્ત સ્ટાર્સની હાજરી માટે અને સ્પોન્સર્સ સાથેની ગોઠવણમાં તેમને કશુંક આપવાના નામ પર ઊભી કરવામાં આવી હોય અને ખાસ્સી હાસ્યાસ્પદ
ઠરી હોય.
એક એવોર્ડ શૉમાં વરુણ ધવનને જે એવોર્ડ મળ્યો તેનું નામ સાંભળીને તમે અવાચક રહી જશો. હા, ફક્ત ચોંકશો નહીં, અવાચક રહી જશો. કેમ કે નામ જ એવું છે ‘બેસ્ટ સુપરસ્ટાર ઓફ નેક્સ્ટ જેન’. મતલબ? કુછ ભી! ચાલો બેસ્ટ સુપરસ્ટાર તો કહ્યો તો કહ્યો પણ નેક્સ્ટ જેન? સાચે? એટલે શું હવે ભવિષ્ય ભાખીને એવોર્ડ અપાવા લાગ્યા? કોઈએ કોઈ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કામ કર્યું હોય તેનું સન્માન એટલે એવોર્ડ. પણ એ કામ થઈ ચૂક્યું હોવું જોઈએ એવી સામાન્ય શરત હોય કે નહીં? અહીં તો વરુણને ભવિષ્યના સુપરસ્ટાર બનવા માટેનો એવોર્ડ આપી દેવાયો. આને કહેવાય બુદ્ધિનું બિગ બજેટ દેવાળું. હદ છે! ને આવી હદો તો ઈવેન્ટ્સ કરીને તેના નામ પર પૈસા કમાવાવાળી આ એવોર્ડ્સ જમાતે ખૂબ કરી છે.
કરીના કપૂરને પણ એક શૉમાં ‘આઈ એમ મોર ધેન યુ કેન સી એવોર્ડ’થી નવાજવામાં આવી હતી. હવે આમાં વળી એવોર્ડ વિક્રેતા કહેવા શું માગે છે? એક તો, ફિલ્મ્સ સાથે આવી કેટેગરીને કોઈ લેવા-દેવા હોય નહીં ને ઉપરથી એક કેચફ્રેઝને કેટેગરી બનાવી દેવામાં આવે. ઉપરાંત આવી કેટેગરીઝમાં પાછા નોમિનેશન્સ તો ભાગ્યે જ હોય, સીધા જ બોલાવીને એવોર્ડ આપી દેવાના. ને એ જ એવોર્ડના પછીના વર્ષે પાછી એ કેટેગરીઝ જોવા પણ ન મળે. આપવા ને લેવાવાળા બન્નેને શરમ આવતી હોય તોય શું હેં, બિઝનેસ છે! અને તેમને શું લાગ્યું; ફક્ત કરીના જ ‘મોર ધેન વન કેન સી’ હશે, બીજું કોઈ નહીં? આવો જ એક એવોર્ડ કૃતિ સેનનને અપાયો હતો જે માટે એ એવોર્ડ શૉને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. એ એવોર્ડ એટલે ‘નથીંગ ટુ હાઈડ એવોર્ડ’. લો કરો વાત. સમજાયું કંઈ? આવડી મોટી ઈન્ડસ્ટ્રીમાં વર્ષ દરમિયાનની ફિલ્મ્સમાં બેસ્ટ પરફોર્મર કોણ એ બાબતે પણ મતમતાંતર હોય ત્યારે વ્યક્તિગત રૂપે કોની પાસે કશું જ છુપાવવા જેવું એ વળી કઈ રીતે નક્કી કરી શકાય? આ તે કંઈ કેટેગરી થઈ! પણ ચાલો એક અંદરની વાત કહું. એમાં થયેલું એવું કે એ એવોર્ડ શૉના એક સ્પોન્સરની બ્રાન્ડની ટેગલાઈન હતી ‘નથીંગ ટુ હાઈડ’. સમજી ગયા ને આખી વાત? સ્માર્ટ હો, બાકી.
શૉની ટિકિટ્સ અને ટીઆરપી માટે જે સ્ટાર્સને બોલાવાય એમને ખાલી હાથે કેમ જવા દેવાય. એ માટે ધડમાથા વગરની કેટેગરીઝ રાતોરાત બનાવવામાં આવે છે. એક એવોર્ડ શૉમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ બન્ને માટે નવી શોધાયેલી ખાસ કેટેગરી એટલે ‘૨૦ યર્સ બેસ્ટ એક્ટર (મેલ-ફિમેલ)’. છે ને કેટેગરીના નામ પર કોયડો! એકસાથે ૨૦ વર્ષ માટે એવોર્ડ, બોલો. મજાની વાત પાછી એ કે બેમાંથી એકેયને ઈન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ થયાં નથી. પણ ગમે તે આંકડો મૂકી દેવાનો હોય; પાંચ પણ ચાલે ને પચ્ચીસ પણ, બીજું શું! બીજું એ કે આપણા એક્ટર્સ દુનિયાની ગેમ બદલી નાખે ને રુલ તોડી નાખે તોય આપણને ખબર પડે ખરી? ના. એક એવોર્ડ શૉમાં આમ જ રમત-રમતમાં રિતિક રોશનને ‘ગેમ ચેન્જર ઓફ ધ યર’નો એવોર્ડ
અપાયેલો. એ જ રીતે કેટરીના કૈફને ‘રુલ બ્રેકર ઓફ ધ યર’નો એવોર્ડ અપાયેલો. હવે રિતિકે શું બદલી નાખેલું ને કેટરીનાએ કયો નિયમ તોડેલો એ તો એવોર્ડવાળાને ખબર. આપણે તો ઠીક બે દિવસ મૂંઝાઈને ભૂલી જઈએ પણ પાછું રિતિક અને કેટરીનાને કીધું હોય તો સારું. આખરે એવોર્ડ તો એમના ઘરે શૉકેસમાં મુકાવાનો ને. કોઈ પૂછી લે કે આ શાના માટે તો બિચારા શું જવાબ આપે.
આવા અગડમબગડમ એવોર્ડ્ઝની વચ્ચે પહેલાંની કેટેગરીઝમાં પણ ખાસ ભલીવાર રહી નથી. પરફોર્મન્સ માટે અપાતા એવોર્ડ્ઝમાં કોઈ એકને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવે એ દિવસો (સોરી, વર્ષો) હવે ગયા. પહેલી બે-ત્રણ લાઈનમાં બેઠેલા સૌને આજકાલ સાચવવા પડે છે. એટલે પછી એડિટર્સ ચોઈસ, પીપલ્સ ચોઈસ, ક્રિટીક્સ ચોઈસ, જ્યુરી ચોઈસ એમ કેટલીય ચોઈસના પાંચ-છ બેસ્ટ એક્ટર (મેલ-ફિમેલ) એવોર્ડ લઈને ઘરે જાય એવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પણ એથીય અજીબોગરીબ એક એવોર્ડ બોબી દેઓલને મળ્યો હતો ‘બેસ્ટ સાયલન્ટ એન્ડ પાવરફુલ પરફોર્મન્સ’. સાયલન્ટ? ના માથું ન કૂટો, ચક્કર આવી જશે તો બાકીના એવોર્ડ્ઝ વિશે વાંચશો કઈ રીતે?
અમિતાભ બચ્ચન જેવા સિનિયર એક્ટર્સ માટે એક લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે. સારી વાત છે. પણ એમને વારંવાર વળી નામે એવોર્ડ આપવા? લેજન્ડ ને લાઈફટાઈમ જેવા બધા શબ્દો વપરાઈ ગયા, હવે? ખોલો ડિક્સનરી! અમિતાભ બચ્ચનને એક શૉમાં ‘એક્સ્ટ્રાઓર્ડિનરી લેજન્ડ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. લેજન્ડમાંય પાછું ઓર્ડિનરી ને એક્સ્ટ્રાઓર્ડિનરી આવે એ આપણને નહોતી ખબર હોં ભાઈ! ને પાછું ખાલી બચ્ચન સર જ નહીં, કાર્ડમાં સહ પરિવાર નિમંત્રણ લખ્યું હોય તો બાકીનાને પણ કંઈક તો આપવું પડે ને. એટલે એક બ્યુટી એવોર્ડમાં બચ્ચન ફેમિલીની ત્રણ સ્ત્રીઓને સાગમટે ‘એજલેસ બ્યુટી’ એવોર્ડ આપી દેવામાં આવ્યો હતો- જયા બચ્ચન, શ્ર્વેતા બચ્ચન નંદા અને નવ્યા નવેલી નંદા. હવે એજલેસ બ્યુટી એટલે ઉંમરના એક પડાવ પછી પણ સૌંદર્ય અકબંધ હોય એ. બરાબર? અરે! તો પછી પેલા એવોર્ડવાળા ભાઈ/બેનને કોઈ કહો કે તમે એવોર્ડ આપ્યો ત્યારે નવ્યા માંડ ૧૯-૨૦ વર્ષની હતી. જોકે એમાં એમનો વાંક નથી. બિચારા એક તો કેટલી મહેનત કરીને એવોર્ડ આપે, ને એમાં તમે એમની પાસે લોજીક પણ માગો તો એ ક્યાંથી આપે હેં. હા, કદાચ આ સવાલ પર તેઓ તમને ‘બેસ્ટ સવાલ’નો એવોર્ડ આપી દે તો નવાઈ નહીં.
અને બ્યુટી એવોર્ડ્ઝની તો વાત જ જવા દો. એક જ એવોર્ડ શૉમાં કેટલા એવોર્ડના નામ ઊભા કરેલા ખબર છે? વર્સેટાઈલ બ્યુટી, અનસ્ટોપેબલ બ્યુટી, કેરિઝમેટિક બ્યુટી, લેજન્ડરી બ્યુટી, પાવર-પેક્ડ બ્યુટી, ઈમર્જિંગ બ્યુટી, ટાઈમલેસ બ્યુટી, ફલાણી બ્યુટી ને ઢીકણી બ્યુટી. ટૂંકમાં બ્યુટી આગળ ગમે તે મસ્ત ઈંગ્લિશ વિશેષણ લગાડી દો એટલે કામ પૂરું. હા, તમનેય કોઈ વિશેષણ યાદ આવે તો કહેજો, એમની પાસે મોમેન્ટો/ટ્રોફી તૈયાર છે, ખાલી લખીને સ્ટીકર લગાડીને આપવાનું જ બાકી છે!
લાસ્ટ શોટ
સ્ટાર્સ મીડિયા બિઝનેસમાં, કોર્પોરેટ્સ વેલ્યુએશન બિઝનેસમાં, મલ્ટીપ્લેક્સીસ પોપકોર્ન બિઝનેસમાં, ડિરેક્ટર્સ એવોર્ડ્ઝ અને રિયાલિટી ટીવી બિઝનેસમાં, બસ ફિલ્મ બિઝનેસમાં ફક્ત દર્શકો જ બચ્યા છે! – મયૂર પુરી (ફિલ્મ લેખક અને ગીતકાર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -