નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહ દરમિયાન કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ. એમ ક્રિષ્ણા, વિખ્યાત ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને જાણીતી ગાયિકા સૂમન કલ્યાણપૂર ઉપરાંત અનેક જાણીતી-અજાણી વ્યક્તિને પદ્મ અવૉર્ડથી નવાજ્યા હતા.
ગયા વરસે જેમનું નિધન થયું હતું તે શેરબજારમાં રોકાણ કરનાર અબજોપતિ રાકેશ ઝૂનઝૂનવાલાને પણ (મરણોત્તર) પદ્મ અવૉર્ડ એનાયત કર્યો હતો.
રાષ્ટ્રપતિએ બે ડબલ કેસ (ડબલ કેસમાં અવૉર્ડની ગણતરી એક જ કરવામાં આવે છે) સહિત ૧૦૬ જણને પદ્મ અવૉર્ડ આપવાની મંજૂરી આપી હતી.
બુધવારે આમાંથી લગભગ પચાસ જેટલા લોકોને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
અગાઉ કૉંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારમાં વિદેશ પ્રધાન રહેલા અને બાદમાં ભાજપમાં જોડાયેલા ક્રિષ્ણાને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણા દોશીને (મરણોત્તર) દેશનો બીજા ક્રમાંકનો સર્વોચ્ચ પદ્મવિભૂષણ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
બિરલા, ઈન્ડિયન ગ્રામેટિકલ થિયરિસ ઍન્ડ મૉડેલ્ય પુસ્તક માટે વ્યાપક રીતે જાણીતા બનેલા દિલ્હીસ્થિત પ્રોફેસર કપિલ કપૂર, આધ્યાત્મિક નેતા કમલેશ. ડી. પટેલ અને કલ્યાણપૂરને દેશના ત્રીજા ક્રમાંકના સર્વોચ્ચ અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ શ્રેણીમાં પદ્મ અવૉર્ડ એનાયત કરવામાં આવે છે.
ભારતનો સર્વોચ્ચ ગણાતો ‘ભારતરત્ન’ અવૉર્ડ ૨૦૧૯થી કોઈને આપવામાં નથી આવ્યો.
કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, સાયન્સ ઍન્ડ ઍન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, મૅડિસિન, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, સિવિલ સર્વિસ સહિતના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનારને આ અવૉર્ડ આપવામાં આવે છે.
અસાધારણ અને અલગ પ્રકારની સેવા માટે પદ્મવિભૂષણ, ઉચ્ચ હોદ્દા પર રહીને અસાધારણ સેવા આપનારને પદ્મભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારને પદ્મશ્રી અવૉર્ડથી નવાજવામાં આવે છે.
વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી સમાજના વિવિધ ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનાર અનેક વ્યક્તિને પદ્મ અવૉર્ડથી નવાજી રહી છે. (એજન્સી)