Homeવીકએન્ડઑટોમૅટેડ સ્થાપત્ય

ઑટોમૅટેડ સ્થાપત્ય

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

સ્થાપત્યની રચનામાં અભૂતપૂર્વ કહી શકાય તેવી બાબતો ઊભરાતી જાય છે. જેમ મોબાઇલ સ્માર્ટ બની ગયા. જેમ કાર સ્માર્ટ બનતી જાય છે. તેમ મકાનો પણ ઑટોમૅટેડ રચનાઓનો સમાવેશ કરી સ્માર્ટ બનવા તરફ પગલાં માંડતા જાય છે. મકાનની અંદર આ પ્રકારના પ્રયાસમાં એક એવી સંરચનાનું માળખું નેટવર્ક પ્રયોજાય છે. જેનાથી આપમેળે અમુક ઘટનાઓ ઘટીત થાય. જેમ કે કૃત્રિમ પ્રકાશ વ્યવસ્થા, વાતાનુકૂલતાની વ્યવસ્થા, આની આવ-જાની ગોઠવણ, અગ્નિપ્રતિરોધક સંરચના કે પછી સલામતીને લગતી બાબતો આ અને આવી બધી જ પ્રક્રિયાઓ જાણે આપમેળે થતી હોય તેમ જણાય. આ માટે મકાનમાં વિશેષ પ્રકારનું નેટવર્કિંગ કરવામાં આવે. આ પ્રકારની રચનાના મેનેજમેન્ટ તથા રાખરખાવ-મેઇટેનન્સ માટે પણ આવી જ વિશેષ વ્યવસ્થા પ્રયોજાય. આના ઉપયોગમાં તથા રાખરખાવ માટે જરૂરી ઊર્જા પણ સ્માર્ટ કહી શકાય તેવી વ્યવસ્થા રાખવી પડે.
આપણો ચહેરો જોઇને બારણા ખૂલી જવા, બેઠાં બેઠાં જ દૂરની ચાંપ રિમોટ ક્ધટ્રોલથી બારીના પડદા ઉઘાડ-બંધ કરવા, હાથ મૂકવાથી નળ-ચાલુ બંધ થવાં, કારને ઓળખીને ગેરેજના દરવાજા ખોલી જવા, મોબાઇલની જેમ આંગળાની છાપ કે અંક-ચાવીથી જ ચોક્કસ ઉપકરણો ચાલુ થવા, નિર્ધારિત સમયગાળામાં ચોક્કસ તાપમાને વાતાનુકૂલ પદ્ધતિ આપમેળે ચાલુ બંધ થવી, સેંકડો કિલોમીટર દૂરથી ઘરની કેટલીક સંરચનાઓનું નિયંત્રણ કરવું. ચોક્કસ પૂર્વનિર્ધારિત પરિસ્થિતિમાં અગ્નિશામક પદ્ધતિનું આપ મેળે ચાલુ થઇ જવું. વરસાદના સમયે બારી-બારણાં તથા છત પર આપમેળે એક વધુ આવરણ આવી જવું. તડકાની ઇચ્છા થાય ત્યારે દીવાલો તથા છતને ખોલી નાંખવી, ઇચ્છા પ્રમાણે મકાનને તેના સ્થાને જ ઘુસાવવું. રાચરચીલાને તેના અન્ય પ્રકારમાં તબદીલ કરવું, રસોડામાં આપમેેળે ચીમની
કાર્યરત થવી, આ અને આવી કેટલીય બાબતો ઑટોમૅટેડ સ્થાપત્યમાં સમાવવામાં આવી છે. આનાથી માનવીને જાણે મકાન તેની ઇચ્છાઓ તથા જરૂરિયાતોને પ્રતિભાવ આપતું જણાય.
મકાનને ઑટોમૅટેડ બનાવવા માટે ચાર પ્રકારની વ્યવસ્થા ઉપયોગમા લેવાય છે. સ્થાયી અર્થાત્ ફિકસ્ડ, કાર્યકમિત અર્થાત્ પ્રોગ્રામેબલ, પરિવર્તન કામ અર્થાત્ ફલેકિસબન અને ચોથી સંયોજિત અર્થાત્ ઇન્ટિગ્રેટેડ. આ ચારેય પોતપોતાની રીતે આગવી અને અલગઅલગ પ્રકારનાં પરિણામો આપનારી છે. તેની પસંદગીમાં તેમાં લાગનાર અંદાજિત ખર્ચ, જરૂરી ઑટોમૅટેડ પરિણામ, પ્રાપ્ય સંસાધનો તથા મકાનની માળખાગત રચના ધ્યાનમાં લેવાય છે. પણ આ બધા માટે ઇન્ટરનેટનું વ્યવસ્થિત જોડાણ હોવું ખૂબ જરૂરી છે. આ બધી જ સંરચનાઓ ઇન્ટરનેટ થકી જ જોડાય છે.
ઑટોમૅટેડ સ્થાપત્યના ફાયદા તથા ગેરફાયદા એમ બન્ને છે. જોકે આ એક ચર્ચાનો વિષય છે અને દરેક પરિસ્થિતિમાં પરિણામ અલગ હોઇ શકે. એમ કહેવાય છે કે ઑટોમૅટેડ મકાનમાં જે તે બાબતના ઉપયોગનો ખર્ચ ઓછો આવે, તો તેની સામે તે બાબતને પ્રયોજવામાં જે પ્રારંભિક ખર્ચ હોય તે વધુ રહે છે. અહીં રોબોટિક પદ્ધતિ જે રીતે ઉપયોગમાં લેવાય છે. તેનાથી કાર્યમાં વધુ ચોકસાઇ આવે અને ક્યાંક ઊર્જા બચી શકે, તેની સામે આ રોબોટિક વ્યવસ્થા માનવીની જેમ દરેક પરિસ્થિતિ માટે સજાગ અને સંવેદનશીલ ન જ હોય જેનાથી ક્યારેક મોટા અનર્થ થઇ શકે. ઑટોમૅટેડ વ્યવસ્થામાં જોખમ ભરેલા કાર્યોથી માનવીને દૂર રાખી શકાય જે એક સારી બાબત છે.
ઑટોમૅટેડ વ્યવસ્થા પોતાની જરૂરિયાત મુજબ ચોકસાઇથી નિયંત્રિત કરી શકાય છે. આમાં નાનું નાનું ટયુનિંગ પણ શકય બને છે. પણ માનવીની જે તે પરિસ્થિતિને અનુકૂળ થઇ જવાની ક્ષમતા આ પ્રકારના પ્રયત્નોથી કદાચ ક્ષીણ થતી જાય. વાંચવા માટે એક વ્યક્તિને ૫૦૦ લક્ષ જોઇએ તો કોઇને પર૫ લક્ષમાં વધુ અનુકૂળ રહેતું હોય. આટલો ગાળો તો બધાંને માન્ય હોવો જ જોઇએ. ઑટોેમૅટેડ રચનામાં ક્યાંક સમયનો બચાવ થઇ શકે, જે મનોરંજનમાં કે અન્ય ઉપયોગિતામાં લઇ શકાય. પણ જિંદગીનું સમયપત્રક તો હોવું જ જોઇએ. જેમાં દરેક પ્રકારની પ્રવૃત્તિ અને દરેક પ્રકારનું હલનચલન શક્ય બને. ચાંપ દબાવીને બારીને ખોલબંધ કરી પછી જિમમાં જઇને કસરત કરવા સામે તે બારી ખોલ બંધમાં જ થોડો શ્રમયજ્ઞ કરી લેવો સારો એમ ઘણાં માને છે. અને આમ પણ ઑટોમૅટેડ વ્યવસ્થામાં જે ઊર્જા વપરાય છે તે અંતે તો પર્યાવરણને નુકસાન જ કરે ને!
ઔદ્યોગિક મકાનોમાં ઑટોમૅટેડ વ્યવસ્થા સારું પરિણામ આપે છે. અહીં સમયનો બચાવ થાય છે. ઉત્પાદનની ગુણવત્તા સુધરે છે અને તે એકધારી રહે છે. ઑટોમૅટેડ વ્યવસ્થાથી ઔદ્યોગિક વ્યવસ્થામાં ઉત્પાદન પણ વધારી શકાય. અને સલામતી પણ વધી શકે. અસરકારકતા વધે અને સમગ્ર પ્લાનિંગ-આયોજન સુવ્યવસ્થિત થઇ શકે. અહીં સ્થાન અને સામગ્રી એ બન્નેનો વ્યય ઘટી શકે. આ પ્રકારની વ્યવસ્થાને કારણે દરેક કાર્ય માટે જરૂરી માનવશ્રમ ઓછો થઇ જાય જેથી માનવીય ભૂલોને કારણે ઊભી થતી પરિસ્થિતિની સંખ્યા પણ ઘટતી જાય. લાંબા ગાળે મજૂરવર્ગના પ્રશ્ર્નો પણ ન ઉદ્ભવે.
આની સામે પ્રારંભિક તેમ જ ઉપયોગ અને રાખરખાવનો ખર્ચ વધી જાય. વળી તકનિક કે ઉત્પાદન સામગ્રીમાં આવતાં ફેરફારને કારણે આખી જ ઑટોમૅટેડ વ્યવસ્થા નકામી બની રહે. તેમાં અસલામતીનાં નવાં જ પરિમાણો ઉમેરાય. આ બધા સાથે આ ઑટોમૅટેડ વ્યવસ્થા ચલાવી શકે, ટકાવી શકે. મરામતી શકે તેવા નવાં જ પ્રકારના વ્યવસાયિકો બજારમાં આવતાં થાય. આ ઑટોમૅટેડ વ્યવસ્થા માનવીની વિવિધ પ્રકારની ક્ષમતા તથા સામર્થ્યને આંબી ન શકે, હા, એક જ પ્રકારના કાર્ય માટે મકાનને ‘યંત્ર’ કે ઇલેકટ્રોનિક ઉપકરણ સમાન બનાવી શકાય.
ઑટોમૅટેડ વ્યવસ્થામાં સેન્સર અગત્યના બની રહે. કેટલી ક્ષમતાના કેવા પ્રકારના પરિણામ માટે, કેવા પ્રકારનાં સેન્સર કયાં લગાવવા-આ બાબત મકાનની રચનામાં અગત્યની બની રહે. આ પ્રકારનાં સેન્સરનું માળખું તથા તેની સાથે જોડાયેલાં ઉપકરણો, આ બધું જ ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રયોજાયેલું હોવું જોઇએ. અને તેમાં પણ ખાસ બાબત એ છે કે સંકટ કે કટોકટીના સમય માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ હોવી જોઇએ. આ વૈકલ્પિક વ્યવસ્થા કઇ રીતે કામ કરે તે બાબતે બધાંને માહિતગાર રાખવા પડે. આ સાથે આ આખી વ્યવસ્થા ફૂલ પ્રૂફ હોવી જોઇએ.
સંભાવનાઓ છે ભવિષ્યનો ધનિક વર્ગ આ પ્રકારના ઑટોમૅટેડ સ્થાપત્યની માંગ કરશે જ તે માટે સ્થપતિ વર્ગ અને જે તે તકનિકી નિષ્ણાતોએ અત્યારથી જ દિશા નિર્ધારિત કરવી પડશે કે આ પ્રકારની રચનામાં શું અને તે કેટલી માત્રામાં ઇચ્છનીય ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -