અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે અને આ મેચ જોવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની એલ્બનીઝ પણ હાજર રહેશે. ઓસ્ટ્રેલિયન પીએમ ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાના પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપશે. આ હાઈ પ્રોફાઈલ વિઝિટને પગલે ગાંધી આશ્રમમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન પીએમની મુલાકાત બન્ને દેશો વચ્ચે વ્યાપારિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આદાન – પ્રદાન માટે મહત્વની રહેશે.
મેચ પહેલા પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામા અનુસાર 8મી માર્ચથી 13 માર્ચ સુધી સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન રહેશે.