આ દુનિયામાં જાત જાતના પશુ-પંખીઓ અને પ્રાણીઓ જોવા મળે છે અને તેમાંથી ઘણા વિશે તો આપણે સાંભળ્યું પણ નથી હોતું. આજે આપણે અહીં આવા જ એક વિલુપ્ત થઈ ગયેલાં પ્રજાતિના વિશાળકાય ગરૂડ વિશે વાત કરવાના છીએ. ઓસ્ટ્રેલિયામાં થોડાક સમય પહેલાં જ એક વિશાળકાય ગરુડનું જીવાશ્મ મળી આવ્યું છે અને આ એકદમ જ નવા પ્રકારનું જીવાશ્મ છે. અત્યાર સુધી આ પ્રકારના ગરૂડ બાબતે કોઈ માહિતી મળી નહોતી, પરંતુ હવે આ ગરુડ વિલુપ્ત થઈ ચૂક્યું છે.
આ ગરૂડની ખાસિયત વિશે વાત કરવાની થાય તો તેની પાંખોનો ફેલાવો દસ ફૂટ જેટલો હતો અને તે શ્વાન કે ભૂંડને લઈને ઊડી શકતું હતું અને આ ગરૂડનું નામ હતું ગાફ પાવરફૂલ ઈગલ. દક્ષિણ ઓસ્ટ્રેલિયાની એક 56 ફૂટ ઊંડી ગૂફામાંથી મળી આવ્યું હતું, જેના પરથી તેના શરીરના કદનો ખ્યાલ આવ્યો હતો. આ જીવાશ્મમાં ગરૂડની પાંખો, પગ, ટેલોન્સ, છાતીના હાડકા અને ખોપડી સુરક્ષિત અવસ્થામાં મળી આવ્યા છે.
આ ગરૂડના ટેલોન્સ 12 ફૂલ લાંબા હતા અને તેની પાંખોનો ફેલાવો 10 ફૂટ લાંબો હતો. આ ગરૂડને અત્યાર ઓસ્ટ્રેલિયાના ઈતિહાસનું સૌથી મોટું પક્ષી માનવામાં આવે છે અને તે અંગેનો રિપોર્ટ હાલમાં જ જર્નલ ઓફ ઓર્નિથોલોજીમાં પ્રકાશિત થયો હતો અને આ રિપોર્ટને લખનારા ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના વર્ટિબ્રેટ પેલિયોંટોલોજિસ્ટ ટ્રેવર વર્થી કહે છે કે 50 હજારથી સાત લાખ વર્ષ પહેલાં ધરતી પર આ ગરૂડનું અસ્તિત્વ જોવા મળતું હતું.
પ્રાચીન સમયમાં ઓસ્ટ્રેલિયામાં બીજા પણ વિશાળકાય પક્ષીઓ જોવા મળતા હતા અને તેમાંથી અનેક પક્ષીઓ ઊડી શકતા નહોતા. આજના સમયની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં જે વેજ ટેલ્ડ ગરૂડ જોવા મળે છે એની સરખામણીએ આ ગરૂડ કદમાં બે ગણા મોટા હતા, પણ પોતાના મોટા કદને કારણે આ ગરૂડ ખૂબ લાંબા સમય સુધી જીવી શક્યા નહીં, જોકે, તેમના શરીરના આકાર એશિયાના બીજા કેટલાક ગરૂડો સાથે હળતો-મળતો આવે છે. તમે પણ આ ગરૂડના ફોટા જોઈ લો અને તેની વિશાળતાનો અંદાજો લગાવી લો…