મેલબોર્ન: ભારતીય ક્રિકેટ ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ૪ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાનારી આ ટેસ્ટ શ્રેણી માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ તેની ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ભારતની ટર્નિંગ પિચોને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ૪ સ્પિનરોનો સમાવેશ કર્યો છે.
સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ ૯ ફેબ્રુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ૯ માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે ૩ મેચની વન-ડે શ્રેણી રમાશે, જેની શરૂઆત ૧૭ માર્ચથી મુંબઈથી થશે.
અનુભવી નાથન લિયોન ઉપરાંત ઑસ્ટ્રેલિયાની ટીમમાં જે ૪ સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એશ્ટન અગર, મિશેલ સ્વેપ્સન અને ટોડ મર્ફીનો સમાવેશ થાય છે. બેટર પીટર હેન્ડ્સકોમ્બ ૩ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. હેન્ડ્સકોમ્બને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેને મેટ રેનશોની સાથે રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે.
મર્ફી માટે છેલ્લું વર્ષ શાનદાર રહ્યું છે. તેણે આ સમયગાળા દરમિયાન ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ૨૨ વર્ષીય મર્ફીએ ગત સીઝનમાં માર્શ શેફિલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટની ૩ મેચમાં ૧૪ વિકેટ ઝડપી હતી.
ઑસ્ટ્રેલિયાની ટીમમાં મિશેલ સ્ટાર્ક અને કેમરૂન ગ્રીનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ હાલ ઈજાથી ઝઝૂમી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ જણાવ્યું હતું કે મર્ફીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. આ કારણે તેને ઑસ્ટ્રેલિયાની મુખ્ય ટીમમાં સ્થાન મળ્યું છે.
અનકેપ્ડ પેસર લાન્સ મોરિસે ઑસ્ટ્રેલિયાના ઘરેલું પ્રવાસ બાદ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તેની પાસે નાગપુરમાં પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક છે. મિશેલ સ્ટાર્ક ઈજાગ્રસ્ત છે અને તેના માટે આ ટેસ્ટ પહેલા મેચ રમવા માટે ફિટ થવું મુશ્કેલ છે.
———-
ભારત પ્રવાસ માટે ઑસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કૈરી, કેમરૂન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બસ જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મૈથ્યૂ રેનશો, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર