ઓસ્ટ્રેલિયાની T20 ટીમના કેપ્ટન એરોન ફિન્ચે તમામ ફોર્મેટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ ટેસ્ટ અને વનડે ક્રિકેટમાંથી પહેલા જ નિવૃત્તિ લઈ ચુક્યા છે. હવે તેમણે ટી20માંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. ફિન્ચ ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ T20 કેપ્ટન રહ્યા છે. તેમના નેતૃત્વમાં કાંગારૂ ટીમે વર્ષ 2021માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. એરોન ફિન્ચે 76 ટી-20 અને 55 વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન સંભાળ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ 9 ફેબ્રુઆરીથી નાગપુરના મેદાન પર શરૂ થશે, પરંતુ તે પહેલા કાંગારૂ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે 7 ફેબ્રુઆરીની સવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
ફિન્ચે તેની નિવૃત્તિ વિશે એક નિવેદનમાં કહ્યું, “હું જાણું છું કે વર્ષ 2024માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં હું રમી શકીશ નહીં. આવી સ્થિતિમાં હવે મારા માટે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે, જેથી કરીને ટીમ આગળની વ્યૂહરચના પર કામ કરી સારા ખેલાડીને તૈયાર કરી શકે છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “હું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, મારી ટીમ, પરિવાર અને પત્નીનો આભાર માનું છું, જેમણે મને હંમેશા સાથ આપ્યો છે. હું મારા ચાહકોનો હૃદયથી આભાર માનું છું. વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ અને વર્ષ 2015માં ODI વર્લ્ડ કપ જીતવો એ મારી કારકિર્દીની શ્રેષ્ઠ યાદો હશે.”
ઓસ્ટ્રેલિયન ટીમને પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ વિજેતા બનાવનાર એરોન ફિન્ચની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 146 વનડેમાં 38.89ની એવરેજથી કુલ 5406 રન બનાવ્યા છે, જેમાં 17 સદી સામેલ છે. બીજી તરફ, ફિન્ચે 103 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 34.29ની એવરેજથી 3120 રન બનાવ્યા છે, જેમાં 2 સદી સામેલ છે.