ઔરંગાબાદઃ રાજ્યમાં છેલ્લાં કેટલાય દિવસથી ધમકીભર્યા ફોનનું સત્ર ચાલી રહ્યું છે અને હવે આ સેશનમાં ઔરંગાબાદની હાઈકોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. આ ફોનને પગલે આખું તંત્ર દોડતું થઈ ગયું હતુ અને આખરે તપાસના અંતે આ ફોનકોલ ફેક હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પૈસા દેકર ભી કામ નહીં હોતે, ઈસલિયે મૈંને હાઈકોર્ટ મેં બોમ્બ રખ દિયા હૈ… એવું જાણ કરતો નનામો ફોન સિટી પોલીસના કન્ટ્રોલ રૂમમાં મંગળવારે સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ શહેરના એક વકીલનું નામ અને મોબાઈલ નંબર આપીને ફોન કટ કરી દીધો હતો.
આ ફોન કોલ બાદ આખું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. બોમ્બ સ્ક્વોડ ટીમ હાઈકોર્ટ સિક્યોરિટી, પુંડલિકનગર પોલીસ સ્ટેશનના પોલીસોએ હાઈકોર્ટમાં દોટ મૂકી હતી. આખો પરિસર શોધી લીધા બાદ પણ કંઈ શંકાસ્પદ ન મળતાં આ ફોન કોલ ફેક હોવાનું સ્પષ્ટ થયું હતું અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
દરમિયાન આ પહેલાં પુણેના કોરેગાંવ પાર્કમાં ગૂગલની ઓફિસમાં બોમ્બ હોવાની ધમકીનો ફોન આવ્યો હતો. ગૂગલ ઓફિસની બિલ્ડિંગમાં મુંબઈના ગૂગલ ઓફિસમાં અને પુણેની ગૂગલ ઓફિસ ઉડાવી દેવાની ધમકી નનામા ફોન કોલથી આપવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને આ ફોન કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી.