આ બે સ્ટેશનની વચ્ચે આવતીકાલે રાતના 12 વાગ્યાથી રવિવારે બપોરના બે વાગ્યા સુધી રહેશે બ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં જોગેશ્વરી અને ગોરેગાંવની વચ્ચે 14 કલાકનો મેજર બ્લોક હાથ ધરવામાં આવતા પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની હાર્બર લાઈનની ટ્રેનસેવા પર અસર થશે, જેથી આવતીકાલે મોડી રાતના ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું મુશ્કેલીજનક પડી શકે છે. આ બાબતે ખાસ પ્રવાસીઓએ તકેદારી રાખવી જોઈએ. જોગેશ્વરી અને ગોરેગાંવની વચ્ચેના બ્રિજ નંબર 46 ના રિ-ગર્ડરિંગ કામકાજ માટે અપ અને ડાઉન બંને લોકલ લાઇન તથા અપ અને ડાઉન હાર્બર લાઇન પર 14 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક 20/21 મે, 2023ના શનિવારના રાતના 12 કલાકથી બીજા દિવસે રવિવારના બપોરના બે વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે મુંબઈની કેટલીક ઉપનગરીય, મેલ-એક્સપ્રેસની ટ્રેન સેવાઓ પર અસર થશે. બ્લોકના સમયગાળા દરમિયાન તમામ અપ અને ડાઉન લાઈનની સ્લો લોકલ ટ્રેનોને અંધેરી અને ગોરેગાંવ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે, જ્યારે પ્લેટફોર્મની ઉપલબ્ધતા ન હોવાને કારણે રામ મંદિર સ્ટેશન પર રોકાશે નહીં.
ઉપરાંત, બ્લોકના સમયગાળા દરમિયાન મધ્ય રેલવેમાંથી ચલાવવામાં આવતી તમામ હાર્બર લાઇન સેવાઓ ફક્ત બાંદ્રા સુધી જ ચાલશે, જ્યારે ચર્ચગેટ-બોરીવલીની અમુક સ્લો ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે અંધેરીથી રિવર્સ કરવામાં આવશે. મધ્ય રેલવેમાં સીએસએમટી-ગોરેગાંવ વચ્ચે ગોરેગાંવ લોકલ અને પનવેલથી 10.37 વાગ્યાની લોકલ ટ્રેન પનવેલ-ગોરેગાંવની વચ્ચે રદ રહેશે. ગોરેગાંવથી બપોરના 12.53 વાગ્યાની સીએસએમટી લોકલ અને ગોરેગાંવથી બપોરના 12.14 વાગ્યાની ગોરેગાંવ-પનવેલ લોકલ રદ રહેશે. આ ઉપરાંત, મેઈન લાઈનમાં ચર્ચગેટથી 12.16 વાગ્યા અને બપોરના 2.50 કલાકે ઉપડતી ચર્ચગેટ-બોરીવલી લોકલ વિરાર સુધી લંબાવવામાં આવશે.
આ ઉપરાંત, બોરીવલીથી બપોરના 1.14 વાગ્યે અને બપોરના 3.40 કલાકે ઉપડતી બોરીવલી-ચર્ચગેટ લોકલ રદ રહેશે, જ્યારે તેના બદલે બે વધારાની ફાસ્ટ લોકલ ટ્રેન વિરારથી ચર્ચગેટ સુધી બપોરના 1.45 કલાક અને બપોરના સવાચાર કલાકે દોડશે, એમ રેલવેએ જણાવ્યું હતું.