વાતાનુકૂલિત યંત્રના વિષચક્રમાં ફસાયા છીએ આપણે!?
કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
ગાડી લેવા જઈએ ત્યારે આપણે અમુક સગવડતાઓ ખાસ જોઈએ. જેમ કે, ગાડીની હાઇવે ઉપર સ્ટેબિલિટી કેવી છે? રોડ ઉપર પકડ તો જ મજબૂત બને જો ગાડીનું વજન સપ્રમાણ વહેંચાયેલું હોય અને તેના ટાયર પહોળાં હોય. હવે ટાયર સામાન્ય ગાડી કરતા એક ઇંચ પણ વધુ પહોળાં હોય એટલે ગાડીની માઇલેજ ઘટે. માઈલેજ ઘટે એ ગ્રાહકને કેમ પોષાય? માઈલેજ વધુ મેળવવા માટે ગાડીનું વજન ઓછું જોઈએ પણ વજન ઓછું કરો તો ગાડીની મજબૂતી ઉપર અસર પડે અને અંદર બેઠેલા મુસાફરોની સલામતી ઉપર સવાલો ખડા થાય. તો કરીએ શું? વજન વધારીએ તો માઇલેજ ઘટે અને માઈલેજ વધારવા ટાયર સાંકડા રાખીએ તો હાઇવે ઉપર સ્પીડમાં ગાડી હંકારી રહી હોય ત્યારે રોડ ઉપર પકડ ગુમાવી દે. આવા કિસ્સામાં નાનકડો અમથો જર્ક પણ ગાડીને ફંગોળવા માટે સક્ષમ બને. તો આ એક એવું દુષ્ચક્ર થયું જેનો જવાબ અઘરો છે અને માટે જ ગાડી બનાવવી સહેલી નથી. આઝાદીના દાયકાઓ વીતી ગયા પછી છેક રાજીવ ગાંધીના જમાનામાં પહેલી સ્વદેશી ગાડી આવી એ પણ જાપાની કંપનીના સહયોગથી – મારુતિ સુઝુકી. આ દુષ્ચક્રને બાળકો સમજે એવી ભાષામાં સમજવો હોય તો મસાલા ઢોસો ભાવે ક્રિસ્પી પણ કડક ઢોસામાં મસાલો ભરી ન શકાય અને ઢોસો તૂટી જાય. ઢોસો પોચો રાખો તો મસાલો રોટલીના બટકામાં શાક ભરો એમ ભરી શકાય પણ એ ભાવે નહીં. તો કરે તો કરે ક્યા બોલે તો બોલે ક્યા?
આવો જ અઘરો કોયડો વાતાવરણની વિષમ પરિસ્થિતિ વિશે છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આખી દુનિયા ઉપર ફેણ ચડાવીને બેઠી છે. પૃથ્વીના સરેરાશ વાતાવરણમાં સતત વધારો થઈ રહ્યો છે. દરેક ઉનાળો પાછલા બધા ઉનાળાના રેકોર્ડ તોડીને જાય છે. સમુદ્રની સપાટી વધી રહી છે અને ઘણા જીવો લુપ્ત થઈ રહ્યા છે – આ બધું આપણે વર્ષોથી સાંભળી રહ્યા છીએ. હવે ગરમી વધે તો આપણે ’કુલ’ રહેવા શું કરીએ? એર-કન્ડિશનર ચાલુ કરીએ. એ.સી. વળી વાતાવરણને વધુ હોટ બનાવે. માટે વધુ ફાસ્ટ એ.સી. ચાલુ કરવું પડે તો વાતાવરણમાં તેનું કોમ્પ્રેસર વધુ ગરમી ફેંકે. આ દુષ્ચક્ર ચાલુ જ રહે. વધુ ગરમી, વધુ એ.સી.- પરિણામે વધુ ગરમી અને બહુ બધા એ.સી. નિષ્ણાતોના મત મુજબ ૨૦૫૦ સુધી આ દુનિયામાં ૪.૫ અબજ એ.સી. હશે. જેટલા મોબાઈલ ફોન છે એટલા જ એર-કન્ડિશનર હશે. હવે તેના કોમ્પ્રેસર દ્વારા વાતાવરણમાં ફેંકાતી પ્રદૂષિત વાયુ યુક્ત ગરમ હવા વિશે વિચારો. પછી આ પૃથ્વીના તાપમાનની અને સરવાળે પૃથ્વીના જમીન ઉપરના તથા દરિયાઈ જીવોની હાલત વિશે વિચારો. મુંબઈ જેવા સમુદ્રકિનારાનાં શહેરો ઉપર તો અમસ્તું પણ સંકટ તોળાઈ રહ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સતત ચેતવણી આપી રહ્યું છે કે આ સદીના અંત સુધીમાં ફક્ત એ.સી.ના કારણે જ પૃથ્વીના સરેરાશ તાપમાનમાં અડધી ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે! ફક્ત આટલો વધારો ઘણા દેશોના અર્થતંત્ર, લાખો જીવો અને કરોડો લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્યને હણવા માત પૂરતો છે. સંખ્યામાં વધી રહેલા એ.સી.ના વપરાશને કારણે ઊભી થઈ રહેલી પરિસ્થિતિથી ઘડાતો મામલો ગંભીર છે.
હવે એ.સી. શક્ય એટલા વધુ ઇકો-ફ્રેન્ડલી થાય એ જરૂરી છે. એ.સી. અને ફ્રિજમાં ઠંડુ પાડવાની પ્રાથમિક પ્રક્રિયા પદ્ધતિનું વિજ્ઞાન છેલ્લા એકસો વર્ષથી બદલાયું જ નથી. ઓઝોનનું લેયર હોય કે વાતાવરણની ગરમી, આ બંને ઘરવપરાશની ઇલેક્ટ્રોનિક/ઇલેક્ટ્રિક વસ્તુ ખૂબ નુકસાન કરતી આવી છે. તો એક ક્રાંતિકારી અપગ્રેડેશનની જરૂર છે. વિલિસ કેરિયર નામના એક અમેરિકન એન્જિનિયરે તેના પ્રિન્ટિંગ પ્રેસમાં ભેજનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ.સી. બનાવ્યું હતું. તેણે દુનિયા બદલી અને હવે એ.સી. ખરા અર્થમાં પૃથ્વી બદલી રહ્યું છે, નકારાત્મક રીતે. ભારત, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, બ્રાઝિલ આ બધા દેશો મધ્યમ વર્ગીય દેશો છે અને દર વર્ષે લાખો પરિવારો તેના આખા ખાનદાનમાં એવી પહેલી પેઢી બને છે જે પહેલું એ.સી. વસાવી રહ્યા હોય. તેના લીધે જે ગરમી વાતાવરણમાં વધશે તેનો સામનો કરવાની જે તે દેશની સરકારની તાકાત છે? માનવજાત તેના માટે તૈયાર છે ખરી?
એ.સી. આપણા ગ્રહ પૃથ્વી માટે શું કામ આટલું વધુ નુકસાનકારક છે? ચાર મુખ્ય મુદ્દાઓ:
૧. ઝેરી વાયુઓ
કલોરો ફ્લોરો કાર્બન અને હાઇડ્રો ફલોરો કાર્બન. આ નામ અઘરા નથી, કારણ કે હવે ફ્રિઝ કે એ.સી. બનાવતી કંપનીઓ પણ આ વાયુઓની વાત કરીને માર્કેટિંગ ગીમિક કરે છે. આ બન્ને વાયુઓ શીતળતા આપતા વાયુઓ છે. પણ આ વાયુઓ જ્યારે હવામાં ભળે ત્યારે આપણી ચામડીને સૂર્યના ઘાતકી કિરણોથી રક્ષણ આપતા ઓઝોન વાયુના સ્તરને તોડી ફોડી નાખે છે. નવી ટેકનોલોજી ધરાવતા એ.સી. બીજા વાયુઓ વાપરે છે એવો દાવો કરે છે, પરંતુ તે પણ વાતાવરણ માટે ખૂબ હાનિકર્તા છે.
૨. ઊર્જાનો વપરાશ
એ.સી. કેટલાં બધાં યુનિટ વીજળી વાપરી જાય છે એ આપણે સૌ જાણીએ છીએ. ઉનાળા દરમિયાન આવતું લાઈટ બિલ કેટલું મોટું હોય છે. ફક્ત પંખાઓ પણ જો આટલા યુનિટ વીજળી બાળતા હોય તો એ.સી. તો વીજળીને ઓહિયા કરી જાય. જેટલી વધુ વીજળી વપરાય વીજળીનું ઉત્પાદન એટલું વધુ કરવું પડે. કોલસો વધુ વપરાય. વાતાવરણમાં પ્રદૂષણ વધુ ફેલાય. ગ્લોબલ વોર્મિંગ વકરે. ગ્રીનહાઉસ ગેસ વધુ હવામાં ભળે. ઓઝોન સ્તરમાં વધુને વધુ ગાબડાં પડે.
૩. એ.સી.ના અસ્વચ્છ ડક્ટ
એ.સી. માનવશરીર માટે હાનિકારક છે. આ વાત જો ખબર ન હોય તો થઈ રહ્યું. સામાન્ય બુદ્ધિની વાત છે કે લાંબો સમય એ.સી. માં રહેવાથી આપણા શ્ર્વસન તંત્ર, ચામડી, રોગપ્રતિકારક શક્તિ, પાચનતંત્ર બધામાં નકારાત્મક અસર પડે છે. ખાસ કરીને એ.સી. ની પાઇપો અને વેન્ટમાં કચરો તથા બેક્ટેરિયા રહેતા હોય છે. જેટલી પણ વખત એ.સી. ચાલુ કરો એટલી વખત તે હવામાં પ્રસરે. ગમે તેટલા ફિલ્ટર લગાડ્યા હોય અમુક સમય પછી તે ગંદી હવાનો પ્રસાર જ કરે. જે શરીર માટે નુકસાનકારક છે. બાળકોની હેલ્થ બગડતી તરત ન દેખાય પણ મોટા થતાં તેના શરીરના અમુક તંત્રો એ.સી.ના કારણે નબળા પડે. જો કે ડક્ટલેસ મિની- સ્પ્લિટ એ.સી. માર્કેટમાં આવ્યા છે પણ તે મોંઘાં છે અને તેનું ચલણ ઓછું છે.
૪. એ.સી.ની બનાવટ
એ.સી. ની સ્વિચ ચાલુ કરો એ પહેલા જ એ.સી. નું યુનિટ પર્યાવરણને નુકસાન કરવાનું ચાલુ કરી દે. એ.સી. બનાવવા માટે જે ધાતુઓ અને બીજા પદાર્થો વપરાય છે તે પદાર્થો બનાવવાની પ્રોસેસથી લઈને એ.સી.ના ઉત્પાદન યુનિટમાં એસેમ્બલ થાય ત્યાં સુધી જે કુદરતી સ્રોતો વપરાય એ પર્યાવરણને નુકસાન પહોંચાડે. ધાતુ વજનદાર પડે છે માટે એ.સી. બનાવતી કંપનીઓ પ્લાસ્ટિક વાપરવા લાગી. પ્લાસ્ટિક કેટલું નુકસાન કરે એ હવે દરેક બાળક જાણે છે. પ્લાસ્ટિક બનાવવાની પ્રક્રિયા જ બહુ નુકસાનકારક છે. ઝેરીલા વાયુઓ પ્લાસ્ટિક બનાવટ પ્રક્રિયા દરમિયાન હવામાં છૂટતા હોય છે.
આ બધા ઉપરથી એવું લાગશે કે એ.સી. માત્ર નુકસાન કરે છે. એવું નથી. અમુક વિસ્તારો જ્યાં તાપમાન ૫૦ ડિગ્રીની આસપાસ રહે છે ત્યાં એ.સી. મનુષ્યોના જીવ બચાવે છે. ઘણી લેબોરેટરી કે એનિમલ હાઉસમાં પ્રાણીઓને એ.સી. માં રાખવા પડે છે જેથી તે મૃત્યુ ન પામે. હોસ્પિટલમાં ઘણા દર્દીઓ માટે એ.સી. આશીર્વાદ રૂપ સાબિત થાય છે. એ.સી.માં બેસીને શાંતિથી કામ કરીને નિષ્ણાતો અને વિજ્ઞાનીઓ આ જગતને તેના આવિષ્કારો દ્વારા સરળ સુગમ બનાવે છે. ગરમીમાં થતાં વલોપાત સામે એ.સી. હંમેશાં સ્થિરતા બક્ષે છે.
પણ અતિ સર્વત્ર વર્જ્યતે. અતિ વપરાશ થાય ત્યાં નુકસાન થાય. તંદુરસ્ત માનવશરીરનું તાપમાન ૩૭ ડિગ્રી છે. હવે મોટા ભાગના લોકો પોતાના રૂમમાં કે ઓફિસોમાં ૨૦ ડિગ્રીથી ઓછા તાપમાને એ.સી. રાખે છે. આટલી ‘ચીલિંગ ઇફેક્ટની’ જરૂર જ નથી. શરીરને પણ નુકસાન થાય અને વીજળી પણ વધુ વપરાય. બારી ખોલવાથી ગરમી ન થતી હોય તો પણ બારી બંધ કરીને એ.સી. ચાલુ કરવાના ધખારા ઘણાને હોય છે. રૂમમાં એક વખત ઠંડક થઇ જાય પછી પંખાથી કામ ચાલી જવાનું હોય તો પણ આખી રાત ૧૮ ડિગ્રી ઉપર એ.સી. રાખવાનો કોઈ અર્થ જ નથી. આ લખનારના માટે સતત ૧૬ ડિગ્રી કે ૧૮ ડિગ્રી ઉપર એ.સી. નું તાપમાન રાખવું એ વિકૃતિ કહેવાય. આવા લોકોને પર્યાવરણની તો નથી જ પડી પણ પોતાના સ્વાસ્થ્યની પણ નથી જ પડી. એ.સી.નું રિમોટ હોય કે જિંદગી, પ્રમાણભાન ભૂલનારો માણસ પોતાની જાત ઉપરાંત પોતાના નજીકના બધા લોકોને ચોપાસના પરિસરનું નુકસાન કરતો જાય છે.