મુંબઈ: ફિલ્મ પ્રોડ્યુસર પતિને મોડેલ સાથે જોયા બાદ તેને રોકવા ગયેલી પત્નીને પતિએ કારથી કચડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના અંધેરીમાં બની હતી. પત્નીને પગ અને કપાળ પર ઇજા થઈ હોવા છતાં તેને ઘટનાસ્થળે જ છોડી કાર સાથે રવાના થઈ ગયેલા પતિની પોલીસે ગુરુવારે પૂછપરછ કરી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પત્નીએ નોંધાવેલી ફરિયાદ બાદ ગુરુવારે બપોરે ૪૦ વર્ષના ફિલ્મ પ્રોડ્યુસરને તેના ઘરેથી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અંધેરીની નિવાસી ઈમારતના પાર્કિંગ એરિયામાં ૧૯ ઑક્ટોબરે બનેલી આ ઘટના પ્રકરણે પત્ની યાસ્મીને નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસે ફિલ્મમેકર કમલ કિશોર મિશ્રા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૭૯ અને ૩૩૭ હેઠળ ગુનો નોંધ્યો હતો.
‘દેહાતી ડિસ્કો’ અને ‘શર્માજી કી લગ ગઈ’ જેવી ફિલ્મોના નિર્માતા કિશોર મિશ્રાનાં લગ્ન નવ વર્ષ અગાઉ ટીવી અભિનેત્રી યાસ્મીન સાથે થયાં હતાં. યાસ્મીનને શંકા હતી કે તેના પતિને કોઈ મોડેલ સાથે અફૅર છે.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટનાને દિવસે પાર્કિંગ એરિયામાં પતિ કમલ મિશ્રા સાથે કારમાં મોેડેલ આયેશાને જોઈ પત્નીએ કારને રોકવાનો ઇશારો કર્યો હતો. તેણે વાતચીત માટે પતિને કારની બહાર આવવાનું કહ્યું હતું. જોકે પતિએ કાર સ્ટાર્ટ કરતાં પત્નીએ બોનેટ પાસે ઊભા રહીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પતિએ કાર રોકવાને બદલે આગળ ચલાવી હતી, જેને પગલે પત્ની કારની અડફેટે આવી ગઈ હતી. જમીન પર પટકાયેલી પત્નીના પગ અને કપાળ પર ઇજા થઈ હતી. તેને ઘટનાસ્થળે જ છોડી પતિ કાર સાથે ત્યાંથી રવાના થઈ ગયો હતો. હૉસ્પિટલમાં દાખલ કરાયેલી પત્નીના કપાળ પર ટાંકા આવ્યા હોવાનું કહેવાય છે.