મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના નજદીકી ગણાતા નેતા સંદિપ દેશપાંડે પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર આવ્યા છે. તેમને તરત સારવાર અર્થે હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દેશપાંડે પર અજાણી વ્યક્તિએ હુમલો કર્યો છે. દાદરના શિવાજી પાર્કમાં મોર્નિંગ વોક માટે ગયેલા સંદિપ દેશપાંડે પર કોઇ અજાણી વ્યક્તિએ હુમલો કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.
એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે મનસે નેતા સંદિપ દેશપાંડે દાદરના શિવાજી પાર્કમાં મોર્નીંગ વોક માટે ગયા હતા તે સમયે 4 થી 6 અજાણી વ્યક્તિઓએ સંદિપ દેશપાંડે પર પાછળથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત સંદિપ દેશપાંડેને સારવાર અર્થે હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના પર સારવાર ચાલુ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું પણ જાણવા મળ્યું છે.
મનસેના એક નેતાએ જણાવ્યું હતું કે સંદિપ દેશપાંડે પર સ્ટમ્પ વડે હમલો કરવામાં આવ્યો હતો. તેમના માથમાં જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે સમયસૂચકતા વાપરી સંદિપે પોતાનો બચાવ કરતા તેઓ માંડ માંડ બચ્યા હતા. જોકે હુમલામાં તેમના પગ પર ઇજા થઇ છે. હાલમાં તેઓ હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. હુમલાખોરો એ મોઢા પર માસ્ક લગાવ્યો હોવાથી તેમની ઓળખ થઇ શકી નથી. હાલમાં હિન્દુજા હોસ્પિટલમાં મનસે કાર્યકર્તાઓની ભીડ જામી રહી છે.
મનસે દ્વારા આ હુમલાનો નિશેધ કરવામાં આવ્યો છે. મનસેના માજી ધારાસભ્ય નિતીન સરદેસાઇએ જાણાવ્યું હતું કે સંદિપ દેશપાંડે પર થયેલ હુમલો અત્યંત આઘાતજનક છે. જેમણે આ હુમલો કર્યો છે તેમના પર તત્કાળ પોલીસ કાર્યવાહી થવી જોઇએ. તેવી માંગણી સરદેસાઇએ કરી હતી. સંદિપ દેશપાંડેએ અનેક કિસ્સાઓમાં અવાજ ઉઠાવ્યો છે તેમનો અવાજ દબાવવા માટે આ હુમલો થયો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.