શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં આર્મીની ટ્રક પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા મુદ્દે આજે સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પાંચ આતંકવાદીએ આ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ આતંકવાદી વિદેશી અને બે સ્થાનિક હતા. સૌથી મોટી સ્ફોટક માહિતી મળી છે કે આ હુમલાનો મૂળ ઉદ્દેશ તો જી-ટવેન્ટીની બેઠકમાં અરજાકતા ફેલાવવાનો હતો. આ હુમલા મુદ્દે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ વર્ષે ભારત જી-ટવેન્ટી સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે, ત્યારે દેશના અલગ અલગ શહેરમાં જી-ટવેન્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના અલગ અલગ શહેર પૈકી જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને લદ્દાખના લેહમાં યોજવામાં આવશે. 26મીથી 28મી એપ્રલિના લેહ અને 22થી 24મી એપ્રિલના શ્રીનગરમાં બેઠક યોજવામાં આવશે. આ બેઠક પૂર્વે હુમલો કરીને આતંકવાદીઓ એવો સંદેશ આપવા ઈચ્છતા હતા કે કાશ્મીરમાં હાલાત સામાન્ય નથી. આ બંને બેઠકોને લઈ પાકિસ્તાને વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, ભારતે પાકિસ્તાનના વિરોધને ફગાવી નાખ્યો હતો અને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લેહ ભારતનો અભિન્ન હિસ્સો છે.
ગઈકાલે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંધાધૂંધ ફાયરિંગ અને ગ્રેનેડના હુમલામાં આર્મી ટ્રકમાં આગ પછી વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફાલ્સના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે એકને ઈજા પહોંચી હતી. શહીદ થયેલા પાંચ જવાનમાં હવાલદાર મનદીપ સિંહ, સિપાહી હરકિશન સિંહ, લાન્સ નાયક કુલવંત સિંહ અને સેવક સિંહ પંજાબના રહેવાસી છે, જ્યારે લાન્સ નાયક દેબાશીષ ઓડિસાનો રહેવાસી છે.