યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ધાર્મિક સ્વતંત્રતા (Religious Freedom)પર તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. વર્ષ 2022 માટે બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટમાં ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત ધાર્મિક લઘુમતીઓ પર હુમલા અંગે સરકારની નિંદા કરવામાં છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે ‘આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા’ પર તેનો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં વિશ્વભરના દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિનું અવલોન છે.
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રશિયા, ભારત, ચીન અને સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોની સરકારો ખુલ્લેઆમ ધાર્મિક લઘુમતી સમુદાયના સભ્યોને નિશાન બનાવી રહી છે. વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન દ્વારા આ ‘આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અહેવાલ 2022 ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ વિશ્વભરના લગભગ 200 દેશો અને પ્રદેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિનો હકીકત-આધારિત વ્યાપક દૃષ્ટિકોણ પ્રદાન કરે છે.
ડીપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘ઘણી સરકારોએ તેમની સરહદોની અંદર ધાર્મિક સમુદાયના સભ્યોને નિશાન બનાવી રહી છે. ભારતના હિંદુ સમુદાયના ધાર્મિક નેતાઓએ હરિદ્વાર શહેરમાં મુસ્લિમો વિરુદ્ધ આપેલા દ્વેષપૂર્ણ ભાષણની અમે નિંદા કરીએ છીએ અને દેશને તેની બહુલવાદ અને સહિષ્ણુતાની ઐતિહાસિક પરંપરાને જાળવી રાખવા અપીલ કરીએ છીએ.’
રીપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ દ્વારા અનેક રાજ્યોમાં ધાર્મિક લઘુમતીઓના સભ્યો સામે હિંસાના અનેક બનવો બન્યા છે. ગુજરાતમાં નવરાત્રીનાં તહેવાર દરમિયાન પથ્થર મારાના આરોપ સર ચાર મુસ્લિમ યુવકોને પોલીસ દ્વારા જાહેરમાં મારપીટની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એપ્રિલમાં મધ્યપ્રદેશના ખારગોનમાં કોમી હિંસા બાદ મધ્યપ્રદેશ સરકાર દ્વારા મુસ્લિમોના ઘરો અને દુકાનોને બુલડોઝ કરવાની ઘટનાનો પણ ઉલ્લેખ છે.
એક વરિષ્ઠ યુએસ અધિકારીએ કહ્યું કે ભારતમાં સતત થઇ રહેલી ધાર્મિક હિંસાથી દુ:ખી છે. અમે ભારત સરકારને હિંસાની નિંદા કરવા અને ધાર્મિક લઘુમતીઓ પ્રત્યે અમાનવીય નિવેદનો કરનારાઓને જવાબદાર ઠેરવવા માટે અપીલ કરીએ છીએ.
આ રીપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે.