મુંબઈઃ ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને જાહેરમાં ત્રણ શૂટરે હત્યા કરી નાખ્યા પછી તેની પત્ની અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે, જ્યારે જેલમાં કેદ દીકરાની હાલત લથડી છે. ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદનું ફક્ત યુપી જ નહીં, પરંતુ પાકિસ્તાન સુધી કનેક્શન બહાર આવ્યું હતું, ત્યારબાદ બંને ભાઈની પોલીસ અને મીડિયાની હાજરીમાં હત્યા કરી નાખ્યા પછી તેનો વિરોધ થયો હતો અને હવે એનો રેલો છેક મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો હતો અને મહારાષ્ટ્રના બીડમાં આ બંને ભાઈઓને શહીદ ગણાવતા પોસ્ટર જોવા મળ્યા હતા.
મહારાષ્ટ્રના બીડમાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને શહીદ બતાવનારા પોસ્ટર પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આ મુદ્દે આઈપીસી 292, 294 અને 153 અન્વયે ત્રણ જણની ધરપકડ કરી છે.
પંદરમી એપ્રિલના પ્રયાગરાજમાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ તેમના સમર્થનમાં ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે તેના વિરોધનો રેલો મહારાષ્ટ્રમાં પહોંચ્યો છે. અતીક અહેમદના સમર્થનમાં બીડના માઝલગાંવમાં એક બેનર લગાવ્યું હતું, જેમાં બંને ભાઈને શહીદના રુપે બતાવ્યા છે. આ બાબતની તપાસ કરવામાં આવ્યા પછી બેનરની ટીકા કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચ્યા પછી તેના સંબંધમાં કાર્યવાહી કરીને એ બેનર હટાવી લેવામાં આવ્યા હતા.
પોલીસે કહ્યું હતું કે આ કેસમાં ત્રણ જણની અટક કરી છે અને પોલીસ મોહસીન પટેલને શોધી રહી છે. ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા પછી દેશભરમાં તેના રાજકીય પ્રત્યાઘાતો પડ્યા હતા, જ્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારની પણ જોરદાર ટીકા કરવામાં આવી હતી.