ત્રણ શૂટરને નૈની જેલમાંથી ખસેડવામાં આવ્યા, ચોંકાવનારું કારણ જાણો
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ અને અશરફ અહેમદનું પોલીસ અને મીડિયાની વચ્ચે ત્રણ શૂટરે હત્યા કરી નાખી હતી. જાહેરમાં પિતાની હત્યા કરવામાં આવ્યા પછી દુખી થયેલા અતીકના દીકરા અલીએ જેલમાં ખાવાપીવાનું બંધ કરી દીધું, જેમાં બે દિવસથી ખાલી પાણી પીતો હતો, તેથી આજે તેની તબિયત લથડી હતી. અલીની તબિયત લથડવાને કારણે તેને જેલમાંથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
બંને ભાઈઓની હત્યા કર્યા પછી ગુનેગારોએ આત્મ સમર્પણ કરી દીધું છે ત્યારે સોમવારે ત્રણેયને નૈલી જેલમાંથી પ્રતાપગઢ જિલ્લાની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ આરોપી લવલેશ તિવારી, સની સિંહ અને અરુણ મૌર્યને નૈલી જેલમાંથી પ્રતાપગઢ જિલ્લાની જેલમાં શિફટ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજની નૈની જેલમાં અતીક અહેમદનો દીકરો અલી અહેમદ કેદ છે, તેથી સુરક્ષાના કારણસર ત્રણેયને અન્ય જિલ્લાની જેલમાં લઈ જવામાં આવ્યા છે.
અતીક-અશરફ હત્યાકાંડને લઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે હમીરપુરના સની (23), બાંદાના લવલેશ તિવારી (22) અને કાસગંજના અરુણ કુમાર મૌર્ય (18) સુરક્ષાના કારણસર પ્રયાગરાજની કેન્દ્રીય જેલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના અધિકારીએ કહ્યું હતું કે બપોરે 12 વાગ્યાના સુમારે નૈની જેલમાંથી તેમને લઈ જઈને બપોરના અઢી વાગ્યાના સુમારે પ્રતાપગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા.
અતીક અશરફ હત્યાકાંડમાં ત્રણેય આરોપીને કોન્ટ્રેક્ટ કિલર માનવામાં ાવી રહ્યા છે અને આ હત્યાકાંડમાં તપાસ માટે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ હત્યાકાંડ મુદ્દે અતીકના વકીલ વિજય મિશ્રાએ આરોપ મૂકતા કહ્યું હતું કે આ રાજકીય હત્યા છે. એની સાથે બંધ પરબિડિયામાં મૃતકના નામ લખવામાં આવ્યા છે, એવો મિશ્રાએ દાવો કર્યો હતો. અશરફ બરેલી જેલમાં બંધ હતો અને હું તેને મળ્યો હતો અને એ મુલાકાત વખતે અશરફે મને કહ્યું હતું કે મારી હત્યા કરી નાખવામાં આવશે, એમ વકીલે જણાવ્યું હતું.