પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ અને ભાઈ અશરફને કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. બંનેની અંતિમવિધિ પોલીસની કડક સુરક્ષાની વચ્ચે પાર પાડવામાં આવી હતી. આ અગાઉ પોલીસના એન્કાઉન્ટર (13મી એપ્રિલ)માં ઠાર કરવામાં આવેલા અસદને પણ અહીં દફનાવવામાં આવ્યો હતો.
કબ્રસ્તાનમાં બંને જણના મૃતદેહને લાવવામાં આવ્યાની વચ્ચે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એના અગાઉ અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં પોસ્ટ મોર્ટમની પેનલમાં પાંચ ડોક્ટર હાજર રહ્યા હતા. અતીક અને અશરફની સુરક્ષામાં તહેનાત 17 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે હાલમાં ઉત્તર પ્રદેશની પોલીસ એલર્ટ મોડ પર છે. હાલના તબક્કે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં 144 એક્ટ લાગુ છે, જ્યારે તમામ પોલીસના જવાનોની રજા રદ કરવામાં આવી છે.
ગઈકાલે રાતે અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા કરવામાં આવ્યા પછી આખા ઉત્તર પ્રદેશ જ નહીં, દેશમાંથી તેના રાજકીય પ્રત્યાઘાતો પડ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ કેસની સમીક્ષા કરી હતી. યોગીની અધ્યક્ષતા હેઠળ બેઠકમાં બોલવવામાં આવી હતી અને એની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને દેશનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ ભાજપ સરકાર પર આક્રમક છે. અખિલેશ યાદવે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે.
શૂટરને મળી હતી સોપારી, આટલા લાખ લીધા એડવાન્સમાં?
જાહેરમાં હત્યા કરનારા ત્રણેય આરોપીની પૂછપરછ ચાલી રહી છે. જોકે, તપાસની કામગીરી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પ્રયાગરાજના શાહગંજ પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવેલી હત્યાના કિસ્સામાં પોલીસે એફઆઈઆર નોંધી છે. અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદ હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે, જેમાં ત્રણેય શૂટરને આપી હતી સોપારી. એટલું જ નહીં, અતીક અને અશરફની હત્યામાં સામેલ ત્રણેય આરોપીને એડવાન્સમાં દસ-દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્રણેયમાંથી એક આરોપી મોહિત ઉર્ફ સની જેલમાંથી જ હૈંડલરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તેણે મર્ડરની સોપારી આપી હતી. આ ઉપરાંત, અન્ય એક વાત પણ જાણવા મળી છે કે હૈંડલરે જ ત્રણેય પિસ્તોલ અને કારતૂસની વ્યવસ્થા કરી આપી હતી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.