એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દોઢેક મહિના પહેલાં થયેલી ઉમેશ પાલની હત્યાએ આખા દેશને ખળભળાવી મૂક્યો હતો. ઉમેશ પાલ ૨૦૦૫માં પ્રયાગરાજમાં થયેલી બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા. ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં ચાર દાયકાથી સામ્રાજ્ય જમાવીને બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર કમ રાજકારણી અતિક અહમદ રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હતા તેથી રાજુ પાલને પતાવી દઈને અતિકે પોતાની સામેનો મોટો કાંટો દૂર કરી નાંખ્યો એવું કહેવાતું હતું.
ઉમેશ પાલની હત્યા કરાવીને અતિક અહમદે પોતે ભલે વરસોથી જેલમાં છે પણ વટ ગયો નથી એ સાબિત કરી દીધું હોવાનું પણ સૌ માનતા હતા. યોગી આદિત્યનાથની પોલીસે ઉમેશ પાલની હત્યાના કેસમાં અતિક અહમદ ઉપરાંત તેની પત્નિ શાઈસ્તા પરવિન, બે દીકરા અસદ અને અબાન, અતિકના ભાઈ અશરફ અને તેની ગેંગના બીજા લોકો સામે કેસ નોંધેલો પણ આ લોકોને કંઈ થશે નહીં એવું મનાતું હતું. અતિક અહમદ મોટો માફિયા હોવાથી પોલીસ તેના પર કે તેના પરિવાર પર હાથ નહીં નાંખે એવું સૌ માનતાં હતાં.
યોગી આદિત્યનાથે આ બધાંને ખોટા સાબિત કરી દીધા છે. ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એન્કાઉન્ટર કરીને ઉમેશ પાલની હત્યા વખતે મચેલો એવો જ ખળભળાટ મચાવી દીધો છે. અસદ અને ગુલામ બંને ઉમેશની હત્યાના કેસમાં આરોપી હતા ને બંને પર ૫ લાખ રૂપિયાનું ઈનામ હતું. ૨૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ જ બંને ફરાર થઈ ગયા હતા.
એસટીએફ તેમને સતત શોધી રહી હતી. બંને ઝાંસીમાં છૂપાયા હોવાની બાતમી મળતાં પોલીસ તેમને પકડવા ગયેલી પણ બંને ભાગવા ગયા તેમાં પોલીસે તેમને ઠાર કર્યા. ઉમેશની હત્યાના બરાબર ૪૭ દિવસ પછી યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝાંસીમાં એન્કાઉન્ટર કરીને અસદ અને ગુલામને તેમનાં કરમોનો બદલો આપ્યો છે.
અસદ અને ગુલામના એન્કાઉન્ટર સાથે ૨૪ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યા કેસના ચાર આરોપીઓને પોલીસે ઢાળી દીધા છે. યુપી પોલીસે પહેલું એન્કાઉન્ટર પ્રયાગરાજમાં ૨૭ ફેબ્રુઆરીએ કરીને અરબાજને પતાવી દીધો હતો. ઉમેશ પાલની હત્યામાં વપરાયેલી ક્રેટા કારમાં જઈ રહેલા અરબાઝને પોલીસે ક્રેટા કારમાં જ ઢાળી દીધો. બીજું એન્કાઉન્ટર ૬ માર્ચે થયું હતું કે જેમાં ઉમેશ પર પહેલી ગોળી ચલાવનાર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માનને પોલીસે ઢાળી દીધો હતો. હવે અસદ અને ગુલામ પણ એન્કાઉન્ટરમાં મરાયા છે. એ સાથે નવ આરોપીમાંથી ચાર આરોપી પતી ગયા છે.
અતિક અહમદના પુત્રને એન્કાઉન્ટરમાં ઠાર મારીને યુપી પોલીસે જોરદાર સપાટો બોલાવ્યો છે કેમ કે, અતિકના પરિવારના કોઈ વ્યક્તિને એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હોય એવું પહેલી વાર બન્યું છે. છેલ્લા ચાર દાયકાથી અલાહાબાદમાં ગુનાખોરીનું સામ્રાજ્ય ચલાવતા અતિકના પરિવાર પર હાથ નાંખવાની હિંમત કોઈ કરતું નહોતું. યોગી આદિત્યનાથે અત્યારે સુધી હિંમત બતાવી છે તેથી તો સૌ યોગી પર વારી ગયા છે. સોશિયલ મીડિયા પર યોગી છવાયેલા છે.
ઉમેશ પાલની હત્યા પછી યુપી વિધાનસભામાં આ ઘટનાના કારણે ભારે હોહા મચી ગઈ હતી. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે યોગી આદિત્યનાથના શાસનમાં માફિયા રાજ હોવાનો આક્ષેપ હતો. સામે યોગીએ વળતો પ્રહાર કરીને આ હત્યા માટે જવાબદાર અતિક અહમદને સમાજવાદી પાર્ટીએ પોષ્યો હોવાનો દાવો કરીને સપાના તેના ચોરી પર સિનાજોરી કરી રહ્યા હોવાનું આળ મૂક્યું હતું. અખિલેશ અને યોગી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારે યોગીએ હુંકાર કર્યો હતો કે, પ્રયાગરાજની ઘટનાના દોષિતોનો સફાયો કરી નાંખીશું, માફિયાઓં કો મિટ્ટી મેં મિલા દેંગે.
યોગીની પોલીસે માત્ર ૪૭ દિવસમાં અસદનું એન્કાઉન્ટર કરીને યોગીને સાચા પાડ્યા છે તેથી યોગીની વાહવાહી થાય એ સ્વાભાવિક છે. આ એન્કાઉન્ટરના કારણે યોગી યુપીમાંથી મુસ્લિમ માફિયાઓનો સફાયો કરી રહ્યા હોવાની માન્યતા દૃઢ બનશે ને તેનો ફાયદો ભાજપને મળશે જ. યોગી યુપીમાં બહુ પહેલાં જ પોતાની ધાક જમાવી ચૂક્યા છે. આ ધાક હવે મજબૂત થશે.
અસદની ઉંમર બહુ નહોતી પણ નાની ઉંમરે તેણે જે ધંધા કરવા માંડેલા એ જોતાં તેના એન્કાઉન્ટરનો અફસોસ કરવા જેવો નથી. અસદના મોત માટે એ પોતે ને તેનો બાપ અતિક જવાબદાર છે. અતિક અને તેની પત્નિ શાઈસ્તાના ફોન કોલની વિગતો બહાર આવી છે ને એ સાંભળ્યા પછી લાગે કે, અતિક અહમદે સામે ચાલીને પોતાના દીકરાને વધેરાવી નાંખ્યો.
ઉમેશ પાલ હત્યામાં અસદ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું ને અસદ ગોળીઓ ચલાવે છે એના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા પછી શાઈસ્તા અને અતિક વચ્ચે ફોન પર વાતચીત થયેલી. શાઇસ્તાએ અતીક અહેમદ સામે નારાજગી વ્યક્ત કરેલી ને રડતાં રડતાં કહ્યું હતું કે, અસદ હજુ બાળક છે અને તેને આ હત્યાકાંડમાં સંડોવવો જોઈતો ન હતો.
આ સાંભળીને અતિક અહેમદ ગુસ્સે થઈ ગયો હતો. અતિકે ફોન પર શાઇસ્તા પરવીનને તતડાવીને કહ્યું હતું કે, અસદ શેર કા બેટા હૈ ઔ ઉસ ને શેરોંવાલા કામ કિયા હૈ. તેના કારણે આજે હું ૧૮ વર્ષ પછી શાંતિથી સૂઈ શક્યો છું. ઉમેશને કારણે મારી ઊંઘ ઊડી ગઈ હતી. હવે બિનજરૂરી વાતો કરીને મારો મૂડ બગાડશો નહીં અને ચિંતા કરવાની જરૂર નથી, હું બધું મેનેજ કરી લઈશ.
અતિકની વાતો સાંભળ્યા પછી લાગે જ કે, અસદ જીવતો રહ્યો હોત તો અતિકે તેને પણ ખૂંખાર અપરાધી બનાવી દીધો હોત. યુપીમાં સૌથી ખતરનાક માફિયા રાજકારણી ગણાતા અતિક અહમદ સામે ૧૨૦થી વધારે કેસ છે. ખૂન, ધાડ, અપહરણ, ખંડણી, ઠગાઈ સહિતના કોઈ ગુના એવા નથી કે જેમાં અતિક આરોપી ના હોય. અતિકના બીજા ચાર દીકરાનો પણ આવો જ રેકોર્ડ છે. અસદ સામે કોઈ કેસ નહોતો પણ અતિકે તેને પણ પોતાના જેવો ખૂંખાર ગુંડો બનાવી જ દીધો હોત. તેના કરતાં પોલીસના ગોળીથી મર્યો તો ધરતી પરથી પાપ ઓછું થયું.