નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફ અહેમદની જાહેરમાં હત્યા કરવામાં આવ્યા પછી આ મુદ્દે ત્રણ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા ત્રણ શૂટરે એકસાથે અનેક ખુલાસા કર્યા હતા. લોરેન્સ બિશ્નોઈએ એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) સમક્ષ ખુલાસો કરવામાં આવ્યો છે કે વર્ષ 2021માં તેણે અમેરિકાથી ગોલ્ડી બ્રાર મારફતે ગોગી ગેંગને 2 પિસ્તોલ આપી હતી અને તે જ સમયે અતીકની હત્યા કરનારા ત્રણ શૂટરે યુપી (ઉત્તર પ્રદેશ)ની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમને આ પિસ્તોલ ગોગી ગેંગ પાસેથી મળી હતી. આ કબૂલાતની સાથે એ પણ સવાલ થાય છે કે શું અમેરિકાથી આયાત કરાયેલી આ પિસ્તોલથી અતીક અને અશરફની હત્યા કરવામાં આવી હતી?
લોરેન્સ બિશ્નોઈએ એનઆઈએની સામે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેના ટાર્ગેટ પર દસ જણ લિસ્ટ પર હતા. એના સિવાય લોરેન્સે તેની કબૂલાતમાં જણાવ્યું હતું કે વિકી મુદ્દુખેડાની હત્યાનો બદલો લેવા માટે લોરેન્સે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવા માટે 2021ના સપ્ટેમ્બર/ઓક્ટોબર મહિનામાં ત્રણ શૂટર્સ શાહરૂખ, ડેની અને અમનને તેના ગામમાં મોકલ્યા હતા. ગામમાં રહેવા માટે મોના સરપંચ અને જગ્ગુ ભગવાનપુરિયાએ મદદ કરી હતી, પરંતુ ત્યારબાદ આ શૂટરે કહ્યું હતું કે સિદ્ધુ મુસેવાલાને મારવા માટે કેટલાક વધુ શૂટરોને સામેલ કરવા પડશે. આ દરમિયાન લોરેન્સ કેનેડામાં ગોલ્ડી બ્રારના સંપર્કમાં પણ હતો.
લોરેન્સે એનઆઈએની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે સિદ્ધુ મુસેવાલાની હત્યાનું ષડયંત્ર તૈયાર કરતી વખતે તેણે કેનેડામાં ગોલ્ડી બ્રારને હવાલા દ્વારા 50 લાખ રૂપિયા મોકલ્યા હતા. એટલું જ નહીં, વર્ષ 2018 અને 2022ની વચ્ચે લોરેન્સે તેના નજીકના ગેંગસ્ટર રોહિત ચૌધરીની મદદથી યુપીના ખુર્જામાંથી હથિયાર સપ્લાયર કુર્બન ચૌધરી શહજાદ પાસેથી 25 હથિયારો ખરીદ્યા હતા, જેમાં 9 એમએમ પિસ્તોલ અને એકે 47નો સમાવેશ થાય છે, લગભગ 2 કરોડ રૂપિયામાં. આ હથિયારોનો ઉપયોગ સિદ્ધુ મુસેવાલાની હત્યામાં કરવામાં આવ્યો હતો.
લોરેન્સ બિશ્નોઈએ પણ એનઆઈએ સમક્ષ કબૂલાત કરી હતી કે ભરતપુર, ફરિદકોટ અને અન્ય જેલમાં રહીને તેણે ક્યારેક રાજસ્થાનના વેપારીઓ પાસેથી તો ક્યારેક ચંદીગઢમાં 10 ક્લબના માલિકો, અંબાલામાં મોલના માલિકો, દારૂના વેપારીઓ અને ક્યારેક દિલ્હી અને પંજાબના બુકીઓ પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. .
આ ઉપરાંત, લોરેન્સ બિશ્નોઈએ તેના કબૂલાતનામાં કહ્યું છે કે તેના ટોચના દસ ટાર્ગેટ આ લોકો હતા. પહેલા નંબરે બોલીવૂડનો એક્ટર સલમાન ખાન, શગુનપ્રીત (મેનેજર સિદ્ધુ મુસેવાલા), મનદીપ ધાલીવાલ (લકી પટિયાલનો સાગરિત), કૌશલ ચૌધરી (ગેંગસ્ટર), અમિત ડાગર, (ગેંગસ્ટર), બંબીહા ગેંગના વડા સુખપ્રીત સિંહ બુદ્ધ, લકી પટિયાલ (ગેંગસ્ટર), રમ્મી મસાના, ગૌંડર ગેંગનો એક સાગરિત. (લોરેન્સના કહેવા મુજબ, હું મારા પિતરાઈ ભાઈ અમનદીપની હત્યાનો બદલો રમી મસાના સાથે લેવા માંગુ છું, જે મારી દુશ્મન ગેંગનો શાર્પ શૂટર છે), ગુરપ્રીત શેખન, ગૌંડર ગેંગનો લીડર (ગુરપ્રીત મારી દુશ્મન ગોન્ડર ગેંગનો લીડર છે અને તેણે મારા પિતરાઈ ભાઈને મારવા માટે રમી મસાનાને હથિયારો પૂરા પાડ્યા હતા), જ્યારે દસમા નંબરનો ટાર્ટેગ એટલે ભોલુ શૂટર, સની લેફ્ટી અને અનિલ લથ, વિકી મુદ્દુખેડાના હત્યારા) હતો.