અમેરિકન ગાયક, ગીતકાર અને અભિનેતા માર્ક એન્થોનીએ લગભગ બે અઠવાડિયા પહેલા 23 વર્ષીય નાદિયા ફરેરા સાથે તેના લગ્નની જાહેરાત કરી હતી. એક્ટર માર્ક એન્થોનીએ નાદિયા ફરેરા સાથે ચોથી વાર લગ્ન કર્યા છે. માર્ક અને નાદિયાની ઉંમરમાં 27 વર્ષનો તફાવત છે. હવે આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પની તસવીર શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.
નાદિયા ફરેરા પહેલીવાર માતા બનવા જઈ રહી છે, પરંતુ માર્કનું આ સાતમું બાળક હશે. નાદિયા માર્કની ચોથી પત્ની છે. આ પહેલા તેણે વધુ ત્રણ લગ્ન કર્યા છે, જેનાથી તેને છ બાળકો છે. નાદિયા અને માર્કે 28 જાન્યુઆરીએ જ લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. નાદિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ઘણી તસવીરો શેર કરી છે.
માર્કની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ડેબી રોસાડો સાથે તેની સૌથી મોટી પુત્રી છે, જે 29 વર્ષની છે. આ સિવાય તેણે તે સમયે એક પુત્ર પણ દત્તક લીધો હતો, જેનું નામ ચેઝ મુનીઝ છે. માર્કે પ્રથમ લગ્ન 2000 માં મિસ યુનિવર્સ વિજેતા ડાયનારા ટોરેસ સાથે કર્યા હતા. તેમને વધુ બે બાળકો હતા, જેમના નામ ક્રિશ્ચિયન મુનિઝ અને રેયાન મુનિઝ છે. જોકે, બંને વર્ષ 2003માં જ અલગ થઈ ગયા હતા. માર્કે વર્ષ 2004માં અભિનેત્રી અને પોપ સિંગર જેનિફર લોપેઝ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2008માં આ કપલ ટ્વિન્સના પેરેન્ટ્સ બન્યા હતા, પરંતુ વર્ષ 2011માં બંને અલગ થઈ ગયા હતા. 2014માં માર્કે શેનોન ડી લિમા નામની મોડલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ રોમાંસ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થઈ ગયા. માર્કનું નામ ગયા વર્ષે નાદિયા સાથે જોડાયું હતું અને હવે બંને માતા-પિતા બનવાના છે.