રાજકોટ શહેર એરપોર્ટ એક રિક્ષાચાલકે વીઆઇપી ગેટ તોડી રન-વે સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે ફરજ પર હાજર સુરક્ષા જવાનોએ તેને અટકાવી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં રિક્ષાચાલક નશાની હાલમાં હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર રવિવારે સાંજના ચાર વાગ્યા આસપાસ બેંગ્લોર જતી ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હતી. દરમિયાન આ સમયે નશામાં ધૂત એક રિક્ષા ચાલક રિક્ષા સાથે એરપોર્ટના વીઆઇપી ગેઇટ પાસે ધૂસ્યો હતો અને કોઇ કંઇપણ સમજે તે પહેલા જ વીઆઇપી ગેટ તોડીને રિક્ષા સાથે રન-વે નજીક પહોંચવા પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો શખસ દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર ફ્લાઈટ તેના નિયત સમય કરતા મોડી પડી હતી.
ઘટના બાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો અને સ્થાનિક પોલીસની સાથે સાથે રાજકોટ શહેર એસઓજી પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ સહિતનો કાફલો એરપોર્ટ પહોંચી તપાસમાં જોડાયો હતો.