નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
મુંબઈ પોતે જ ઇતિહાસ છે અને પ્રાચીનકાળથી ઇતિહાસ સર્જતું આવ્યું છે. અહીંથી જ જળમાર્ગ, રેલવેમાર્ગ અને વિમાન વ્યવહારનો વિકાસ થવા પામ્યો છે અને તેમાં વહાણ બાંધવાના કસબમાં તો અતિ પ્રાચીન સમયથી મુંબઈ વિશેષતા ધરાવતું આવ્યું છે. આજે પણ નરીમાન પોઇન્ટ પર આધુનિક ગગનચુંબી ઇમારતો વચ્ચે દરિયાકિનારે દેશી હોડીઓ (પડાવ) બાંધવામાં આવે છે અને એવું બાંધકામ માહિમ, ખાર દાંડા, વરસોવા, ઉત્તાન, વસઈ-પાપડી-સોપારાનાં દરિયા કિનારાનાં ગામોમાં પણ થઈ રહ્યું છે. આ રીતે મુંબઈમાં વહાણ બાંધવાની કળા લુપ્ત થવા પામી નથી. એક કાળે વહાણ બાંધવામાં ગુજરાતી સુથારો અને ઈસ્ટ ઈન્ડિયન રોમન કેથોલિક સુથારોની બોલબાલા હતી. વહાણ બાંધવાની કળાનો વારસો બાપ એના પુત્રોને આપતો અને એ કળા એવા દરેક કુટુંબમાં જળવાઈ રહેતી હતી. આજે એવો વંશ પરપરાગત વારસો જળવાયો નથી. આજકાલ તો કોલી સુતારો આ કળા સાચવી રહ્યા છે. વહાણવટી અંગે મુંબઈ શહેરમાં મોટા મોટા પરિસંવાદો યોજાતા હોય છે, પણ આ કળાને પ્રોત્સાહન આપવાની કોઈ વાત કરવામાં આવતી નથી.
મુંબઈ નજીક કેનેરી કેવ્ઝ (ગુફાઓ) છે અને એ ગુફાના એક ભીંતચિત્રમાં વહાણનો ભંગાર-ભાંગેલું વહાણ જોવા મળે છે.
આ ચિત્ર બીજી સદીનું છે. આ ચિત્રમાં ખરાબે ચઢી ગયેલા વહાણ માટે બે અસહાય માણસો મદદ મેળવવા બૂમો પાડી રહેલા જણાય છે.
મુંબઈને નિહાળવા માટે એક વિશેષ નજરની આવશ્યકતા રહે છે. બોરીવલી સ્ટેશનેથી ઉત્તર-પશ્ર્ચિમમાં બેએક કિલોમીટરના અંતર પર એકસર આવ્યું છે અને ત્યાં પણ પથ્થરની ભીંત પર ચાર લાંબા લાંબા વહાણોનો કાફલો ચિતરવામાં આવ્યો છે. આ વહાણો સામસામેથી આક્રમણ કરવા આવી રહ્યાં છે. નજરની સામેની બાજુએ એ વહાણમાં ૧૨ થી ૧૫ હલેસાં મારનારાઓ બેઠા છે. બીજા ચિત્રમાં ૬ હલેસાં ધરાવનારાં નાનાં વહાણો છે. લાંબા વહાણો તો સૈનિકોથી લદાયેલાં છે. ઈતિહાસકારોનો મત છે કે આ ચિત્ર બારમી સદીનું છે અને યાદવ વંશના રાજકુમાર મહાદેવ અને શિલહારા રાજકુમાર સોમેશ્ર્વર વચ્ચેના યુદ્ધનું છે. આ નૌકાયુદ્ધ લગભગ ઈ. સ. ૧૨૬૫માં થયું હતું. આપણા મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે ડૉ. મોતીચંદ હતા ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે એ ભીંતચિત્રો અગિયારમી સદીનાં છે. નૌકાયુદ્ધની ૧૨૬૫ની સાલ ઇતિહાસ-લેખક શ્રી અલતેકરે એમનાં પુસ્તક ‘ઇંડિયન કલ્ચર’માં આપી છે.
મોટામાં મોટા જહાજમાં દરેક બાજુએ ૨૦-૨૦ હલેસાં મારનારાઓને બેસવાની જગ્યા રાખવામાં આવી છે. આ વહાણોને તૂતકો છે એટલે યુદ્ધમાં વહાણચાલકો યુદ્ધ વચ્ચે અવરોધરૂપ થઈ પડે નહીં.
આ બોરીવલી-એકસરનાં ચિત્રો જોવાં હોય તો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયાની ઓફિસમાં જોવા મળી શકે છે.
અજંતાની ગુફાઓમાં જે વહાણોનાં ચિત્રો છે તેના કરતાં આ બોરીવલીનાં વહાણો અધિક વિકાસ પામેલાં જણાઈ આવે છે. બોરીવલી એક સમયે ધીકતું બંદર હતું અને અહીંથી તોતિંગ વહાણોમાં હાથીઓ અને ઘોડાઓ ચઢાવવામાં આવતા હતા.
યુરોપના જગપ્રસિદ્ધ રાજા સોલોમને ફિનિશ્યાના રાજાની સહાયથી ભારત સાથે વ્યાપાર-વ્યવહાર વિકસાવવા એક પ્રતિનિધિમંડળ સોપારા બંદરે મોકલાવ્યું હતું. સોપારા વસઈ બંદર નજીક આવ્યું છે. સમ્રાટ અશોકના સમયમાં સોપારા એ મોટું બંદર હતું. મહાભારત કાળમાં અર્જુન પણ સોપારાની મુલાકાતે આવ્યો હતો અને ત્યારે એ શ્રુપારક તરીકે ઓળખાતું હતું.
અલાઉદ્દીન ખીલજીના પુત્ર મુબારક (ઈ. સી. ૧૩૨૫-૫૦) સંજાણ થઈને માહિમ ઉપર આક્રમણ લઈ આવી તે જીતી લીધું હતું. ત્યારથી ૨૦૦ વરસો સુધી કોંકણના બંદરો મુસલમાનોના તાબે રહ્યાં હતાં.
ઈ. સ. ૧૬૮૨માં સંભાજી ૩૦ જહાજોનો કાફલો લઈને મુંબઈ કિનારે મઝગાંવ સુધી આવી પહોંચ્યો હતો. પરંતુ થાણેની નદીઓમાં સીદીઓએ જહાજો ઊભાં રાખ્યાં હતાં એટલે સંભાજી ઘેરાઈ ગયો હતો. સંભાજીનો પરાજય થયો હતો. સીદીઓએ ચાર જહાજો કબજે કરી લીધા હતાં. આથી સંભાજીએ એલિફન્ટા ટાપુ ઉપર કબજો કરી ત્યાં કિલ્લો બંધાવ્યો હતો.
આ વહાણ બાંધનારા સુથારો અને વહાણ ઉપર કામ કરનારાઓ કેટલાક શબ્દો વાતચીતમાં વાપરે છે તે યાદ રાખવા જેવા છે.
આરીએ કરણ=સઢ સંકેલી લેવા કે સઢ ચઢાવવા. મચાન=વહાણની દિશા બદલવી. લોઈ કે લોઈ લી=નાનું લંગર, ઉધાન=પૂનમની ભરતી. સામા=સંપૂર્ણ ભરતીનો સમય કે જ્યારે ચંદ્ર બરાબર માથે આવી જાય અને દરિયો લગભગ ૧૨ મિનિટ સુધી સ્થિર થઈ જાય છે.
જોગેશ્ર્વરીની ગુફાનો પોઠિયો ચોરાઈ ગયો છે.
મ્યુઝિયમ, ગુફાઓ, મંદિરો વગેરે સ્થળોએથી પ્રાચીન શિલ્પો ચોરીથી વિદેશ પહોંચી જતાં હોવાની વાત સાંભળવા મળે છે, પણ એ પ્રવૃત્તિ સદીઓથી ચાલતી આવી છે. ઈ. સ. ૧૭૬૦માં જરથોસ્તી ધર્મનાં ઊંડા અભ્યાસી એન્કવેતીલ દ’પેરોન મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણને કેનેરી કેવ્ઝ અને જોગેશ્ર્વરીની ગુફાની મુલાકાત લીધી હતી. એમાં જોગેશ્ર્વરીની ગુફામાં આખલાનું રમ્ય શિલ્પ હતું. હિન્દુ ધર્મ પ્રમાણે શિવની પૂજા સાથે આ પોઠિયાની પૂજા પણ ભાવપૂર્વક કરવામાં આવે છે. એના માથાને, પગને, પૂંછડીને સ્પર્શ કરીને હાથ આંખે લગાડવામાં આવે છે.
એન્કવેતીલે આ આખલો (પોઠિયો) ઉપાડી જવાનું વિચાર્યું અને સ્થાનિક ભાષા તથા અંગ્રેજી-ફ્રેન્ચથી પરિચિત પોતાના મદદનીશ પારસી હિરજીને તેમાં મદદ કરવા જણાવ્યું. હિરજીએ સાફ ઈન્કાર કરી દીધો એટલે એક અન્ય ધર્મના સભ્યની મદદથી એ આખલાનું શિલ્પ પાલખીમાં છૂપાવી દેવામાં આવ્યું. આ શિલ્પ એમ જોગેશ્ર્વરીથી યુરોપ પહોંચી ગયું.
સર્કસની સ્થાપના મુંબઈમાં:
એક સમય હતો કે જ્યારે જગતમાં ભારતીય સર્કસનો ડંકો વાગતો હતો અને પ્રથમ ભારતીય સર્કસની સ્થાપના મુંબઈમાં થઈ હતી. આજે ભારતીય સર્કસનાં વળતાં પાણી થયાં છે અને ત્યારે ક્રોસ મેદાનમાં સોવિયેત સર્કસ ધૂમ મચાવી રહ્યું હતું.
પ્રથમ ભારતીય સર્કસની સ્થાપના ૧૮૮૩માં પંડિત વિષ્ણુ પંત છત્રેએ કરી હતી અને ભારતીય સર્કસનો પહેલો તંબુ મુંબઈના ક્રોસ મેદાનમાં ૧૮૮૩ના નવેમ્બરમાં તણાયો હતો.
આ ઘટનાના એક વર્ષ પહેલાં બોરીબંદર સ્ટેશનની સામેના મેદાનમાં ચેઅર્ની વિલ્સન નામના યુરોપિયનને ‘ચિરિનીઝ સર્કસ’નો તંબુ જમાવ્યો હતો. એક દિવસ જવ્હાર અને કુરુંદવાડના રાજાઓ સર્કસ જોવા આવ્યા. ત્યારે ઘોડાઓની કરતબ દેખાડ્યા પછી ગોરા યુરોપિયને ગર્દન ઊંચી કરીને કહ્યું કે આવી કરતબ કરી દેખાડવાની કોઈ ભારતીય નાગરિકના હાથની વાત નથી.
કુરુંદવાડ રાજ્યના રાજા બાલાસાહેબ પટવર્ધને પોતાના રાજ્યની ઘોડારના સંચાલક પંડિત વિષ્ણુ છત્રેને કહ્યું કે છે હિંમત આ પડકાર ઝીલવાની?
વિષ્ણુ મોરેશ્ર્વર છત્રેએ એ પડકાર ઝીલી લીધો. આઠ-દસ મહિના તાલિમમાં ગાળ્યા પછી ભારતીય સર્કસનો પહેલો તંબુ ક્રોસ મેદાનમાં ઊભો કર્યો અને મુંબઈના ગવર્નર ફર્ગ્યુસનને મુખ્ય મહેમાન તરીકે નિમંત્ર્યા હતા. વિષ્ણુ છત્રેએ કસરદા અને ઘોડાની એવી કરામતો દેખાડી કે પંદર મિનિટ માટે આવેલા ગવર્નર ખેલ પૂરો થાય ત્યાં સુધી રોકાઈ ગયા અને વિષ્ણુ છત્રેને હાર્દિક અભિનંદન આપ્યાં.
આ પ્રથમ ભારતીય સર્કસનું નામ ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસ રાખવામાં આવ્યું હતું. એ વખતે બોરીબંદર સામેના મેદાનમાં વિલ્સન સાહેબનું યુરોપિયન સર્કસ પણ ચાલી રહ્યું હતું. લોકો એ ઈન્ડિયન સર્કસના તંબૂ ભણી ઉમટ્યા. છેલ્લે વાત એવી બને કે વિલ્સન સાહેબ પાસે પાછા ફરવાના પણ પૈસા રહ્યા નહીં એટલે સર્કસનો તંબુ, સામાન વગેરે વેચવું પડ્યું. શ્રી વિષ્ણુ છત્રેએ એ બધું ખરીદી લીધું અને બેકાર યુરોપિયન કલાકારોને પણ પોતાના સર્કસમાં નોકરીએ રાખી લીધા.
વિષ્ણુ છત્રેએ યુરોપિયન અમલદારશાહીની જરાએ ધાક રાખી નહોતી. એક રૂપાળી છોકરી ભારતમાતા બનતી અને તેને રથમાં બેસાડીને તે રથ બે સિંહો ખેંચીને રીંગમાં લઈ આવતા હતા. ત્યાં એક ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ‘ગણ’ નામનો એક હાથી આ ગણપતિની પૂજા કરતો દેખાડવામાં આવતો હતો. ઈ. સ. ૧૮૪૦માં જન્મેલા વિષ્ણુ છત્રેનું અવસાન ૧૯૦૬ ફેબ્રુઆરીની ૨૦મી તારીખે ઈન્દોર ખાતે થયું હતું. મહારાષ્ટ્ર ભારતીય સર્કસમાં અગ્રપદે રહ્યું છે. બાબાસાહેબ દેવલ, પટવર્ધન, વાલાવલકર, શેલાર, કાર્લેકર વગેરેએ પોતાનાં સર્કસો સ્થાપી ડંકો વગાડ્યો હતો.
આજે સર્કસની સર્વોપરિતા કેરાલા ચાલી ગઈ છે. (ક્રમશ:)