આસામના સાંસદ બદરુદ્દીન અજમલ વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચાનું કારણ બન્યા છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખે શુક્રવારે જણાવ્યું હતું કે, હિંદુઓને મુસ્લિમ ફોર્મ્યૂલા અપનાવવો જોઈએ અને પોતાના બાળકોના લગ્ન નાની ઉંમરમાં જ કરી નાંખવા જોઈએ. હિંદુઓ લગ્ન પહેલા એકથી વધુ ગેરકાયદે પત્નીઓ રાખે છે, બાળકો પેદા નથી કરતાં મોજ મસ્તી કરે છે અને પૈસા બચાવે છે. 40ની ઉંમરમાં બાદ માતા-પિતાના દબાણ હેઠળ લગ્ન તો કરી નાંખે છે પરંતુ કોઈ એવી આશા કરી શકે કે તેઓ આ ઉમરે બાળકો પેદા કરશે? 18થી 22 વર્ષની છોકરીઓના લગ્ન કરાવી દો, પછી જુઓ કેટલા બાળકો પેદા થાય છે.
બદરુદ્દીન અજમલના આ નિવેદનની આલોચના કરતાં ભાજપે જણાવ્યું હતું કે, આ પ્રકારના નીચલા સ્તરના નિવેદનોથી બચવું જોઈએ. હિંદુઓ આ સહન કરી કરે. ભાજપ નેતા ડી. કલિતાએ જણાવ્યું હતું કે, જો તેમના આવું કરવું હોય તો બાંગ્લાદેશ જવું જોઈએ. આ દેશ રામ-સીતાનો છે. બાંગ્લાદેશીઓ માટે કોઈ જગ્યા નથી. વિવાદ વધતો જોઈને બદરુદ્દીન અજમલે માફી માંગી હતી અને તેમણે જણાવ્યું હતું કે મારો હેતુ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો.